ગ્રીનસિટી અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશને જ ૫૦૧૩ લીલાં વૃક્ષોનો ખાતમો બોલાવી દીધો


ગ્રીનસિટી અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશને જ ૫૦૧૩ લીલાં વૃક્ષોનો ખાતમો બોલાવી દીધો

- પર્યાવરણ જાળવણીની સુફિયાણી વાતો ને,વૃક્ષોનું નિકંદન

- અમદાવાદ શહેરમાં ટ્રી કવર માત્ર ૪.૬૬ ટકા જ છે, રાજ્યના ગ્રીનસિટીમાં અમદાવાદ સાતમા ક્રમે


અમદાવાદ, તા.14 એપ્રિલ, 2018, શનિવાર

વિકાસની આંધળી દોટને લીધે પર્યાવરણનો ખાતમો થઇ રહ્યો છે. શહેરના વિકાસના બહાને લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે. એક તરફ, અમદાવાદ શહેરમાં ગ્રીન કવર ઘટી રહ્યુ છે. અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદમાં વૃક્ષોની સંખ્યા ઓછી છે છતાંયે તેમાં ય જાણે ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા સાતવર્ષમાં અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને જ ૫૦૧૩ લીલાછમ વૃક્ષો કાપી નાખ્યાં છે.

ગુજરાત રાજયના ગ્રીન સિટીમાં અમદાવાદનો સાતમો ક્રમ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો એવો દાવો કરી રહ્યાં છેકે, શહેરમાં વૃક્ષોની સંખ્યા વધારી ગ્રીન કવર ૧૫ ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે પણ ખુદ મ્યુનિ.કોર્પોરેશન  વિકાસના કામોને આગળ ધરીને વૃક્ષોને કાપવાની મંજૂરી આપી રહી છે. લીમડો, પીપળ, કણજી, ગુલમહોર, આંબલી, વડ, ગરમાળો,સપ્તવર્ણી સહિત અનેક જાતોના વૃક્ષો કાપવાની મ્યુનિ.કોર્પોરેશને મંજૂરી આપી છે.

અમદાવાદ શહેરમાં દર વર્ષે ૭૦૦ જેટલા વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવે છે. ખુદ મ્યુનિ.કોર્પોરેશનને માહિતી અધિકાર હેઠળ આ વાતને સ્વિકારી આંકડા રજૂ કર્યા છે. પર્યાવરણની જાળવણી અને વૃક્ષોના જતન કરવાની સુફિયાણી વાતો કરનારાં મ્યુનિ.શાસકો વૃક્ષોના નિકંદનની સાથે જો વૃક્ષારોપણ નહી કરે તો,અમદાવાદ શહેરમાં હજુય ગ્રીન કવર ઘટી શકે છે તેમ જાણકારોનુ માનવુ છે.

વડોદરામા ૧૬.૨૯ ટકા ટ્રી કવર છે જયારે ગાંધીનગરમાં ૫૩.૯૦ ટકા ટ્રી કવર છે. જૂનાગઢમાં ૪.૮૦ ટકા,જામનગરમાં ૪.૭૪ ટકા,ભાવનગરમાં ૨૧.૩૫ ટકા ટ્રી કવર રહ્યુ છે. રાજકોટમાં ય ટ્રી કવર ૪.૬૯ ટકા છે.અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદમાં ટ્રી કવર ઓછુ રહ્યુ છે તેમ છતાંય વૃક્ષો કપાઇ રહ્યાં છે. જોકે, અમદાવાદ શહેરમાં ૬.૧૮ લાખ વૃક્ષોની સંખ્યા છે.

More Stories:-


Post Your Comment