સેનેટ ચૂંટણીમાં એટ્રોસિટીની ધમકીને લીધે ૮ ચૂંટણી કર્મચારીનાં રાજીનામાં


સેનેટ ચૂંટણીમાં એટ્રોસિટીની ધમકીને લીધે ૮ ચૂંટણી કર્મચારીનાં રાજીનામાં

- ગુજરાત યુનિ.માં અનામત નીતિનો અમલ ન થવા મુદ્દે

- ભાજપના દબાણથી સેનેટ ચૂંટણી રદ કરાશે: આંતરિક રાજકારણમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ ખતમ થઈ જશે


અમદાવાદ, તા. 12 માર્ચ, 2018, સોમવાર

ગુજરાત યુનિ.ની વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેર બોર્ડની  ૨૫મી માર્ચે યોજાનારી ચૂંટણી અંતે રદ થાય તેવી પુરી શક્યતા છે.ભાજપે યુનિ.પર ચૂંટણી રદ કરવાનું આંતરિક દબાણ વધાર્યુ હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે ત્યારે આંતરિક રાજકારણમાં આખરે વિદ્યાર્થી પ્રતિનિધિત્વ હવે યુનિ.માંથી ખતમ થઈ જશે.બીજી બાજુ ચૂંટણી રદ થાય તેવા પ્રયાસો વચ્ચ અનામત નીતિનો અમલ ન થવા અંગે એટ્રોસીટીની ધમકીભરી અરજીઓ મળતા ૮ ચૂંટણી કર્મચારીએ રાજીનામુ આપી દીધુ છે.

ગુજરાત યુનિ.ની વિદ્યાર્થી સેનેટની ૧૦ બેઠકો અને વેલ્ફેર બોર્ડની ૧૪ બેઠકો સહિત ૨૪ બેઠકો માટે ૨૫મી માર્ચે ચૂંટણી યોજવા માટેનું યુનિ.એ નોટિફિકેશન જાહેર કર્યા બાદ મતદાર ફોર્મ ભરવાથી માંડી ઉમેદવારી ફોર્મ સ્વીકારવાને લઈને અનેક મુદ્દે વિવાદો અને હોબાળા થઈ રહ્યા છે.છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થી સેનેટની ચૂંટણી ન થઈ હોઈ આ વર્ષે પણ ચૂંટણી ન થાય તેવુ  ભાજપ ઈચ્છે છે અને  યુનિ.પર દબાણ વધાર્યુ  હોવાનું જાણવા મળ્યુ છે.

એનએસયુઆઈનો આક્ષેપ છે કે એબીવીપી આ ચૂંટણીમાં હારે તેમ છે અને તેથી ભાજપ દ્વારા ભાજપ યુવા મોરચાના આગેવાનો અને સીન્ડીકેટ સભ્યોને યેન કેન પ્રકારે ચૂંટણી રદ કરાવવા કામે લગાડાયા છે.બીજી બાજુ એબીવીપી અને ભાજપ યુવા મોરચાનો આક્ષેપ છે કે યુનિ.દ્વારા એનએસયુઆઈની તરફેણમાં ચૂંટણી પ્રક્રિયા કરાતી હોઈ ઘણી કોલેજોમાંથી ખોટા ભરાયેલા મતદાર ફોર્મને માન્ય કરી અને ચેકિંગ કર્યા વગર મતદારયાદી જાહેરકરી દીધી છે.

જેમાં અનેક ડમી અને ખોટા મતદારો છે જે રદ કરવા જોઈએ તેવી પણ માંગ એબીવીપીએ કરી છે.જેને લઈને ગઈકાલે યુનિ.એ કોલેજોને મતદારોની ખરાઈ કરવા પણ પરિપત્ર મોકલ્યો છે.એનએસયુઆઈએ હવે ચૂંટણી ટાણે કુલપતિ દ્વારા એક્ટ વિરૃદ્ધ ખરાઈપત્ર મંગાવતા ભારે હોબાળો મચાવ્યો છે.ગઈકાલે રાત્રે ભાજપ યુવા મોરચાના કેટલાક નેતાઓ અને વિદ્યાર્થી નેતાઓએ મોડી રાત સુધી યુનિ.માં અડંગો જમાવી કુલપતિ પર દબાણ વધાર્યુ હોવાનું પણ જાણવા મળ્યુ છે.

દરમિયાન આજે ભિલિસ્થાન સેના તેમજ અનામત યુવા સંગઠન  સહિતના કેટલાક વિદ્યાર્થી નેતાઓ અને સંસ્થાઓ દ્વારા અનામત નીતિનો અમલ ન થવા મુદ્દે એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી અરજી કરી હોઈ ડરી ગયેલા ૮થી વધુ ચૂંટણી કર્મચારીએ રાજીનામા આપી દીધા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મતદાર યાદી મુદ્દે બંને પક્ષો વચ્ચે હંગામો થતા ચૂંટણી કર્મચારીઓ પ્રક્રિયામાંથી પાછા હટી ગયા છે અને યુનિ.કર્મચારીઓને રક્ષણ આપવામાં નિષ્ફળ નિવડી હોઈ હવે ચૂંટણી કોઈ કાળે થાય તેવુ લાગતુ નથી. યુનિ.ના આંતરિક રાજકારણમાં અંતે વિદ્યાર્થી પ્રતિનિધિત્વ ખતમ થઈ જશે અને એક પણ સીન્ડીકે સભ્ય ચૂંટણી કરાવવા માટે આગળ ન આવ્યુ હોઈ વિદ્યાર્થીઓમાં રોષ છે.

યુનિ.માં પોલીસ બંદોબસ્ત વચ્ચે સીન્ડીકેટ-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ
ગુજરાત યુનિ.માં વિદ્યાર્થી સેનેટની ચૂંટણીને લઈને વિદ્યાર્થી નેતાઓના હંગામા થતા હોઈ કુલપતિ દ્વારા પોલીસ બંદોબસ્ત મંગાયો છે .જેથી આજે સવારથી જ યુનિ.કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમજ બે પોલીસવાન તેમજ બે પીસીઆર વાન પણ મુકી દેવાઈ હતી.આ ઉપરાંત પીઆઈ અને પીએસઆઈ સાથે મહિલા પોલીસ સ્ટાફ પણ યુનિ.ટાવરના ગેઈટ પર બંદોબસ્તમાં મુકાયો હતો.દરમિયાન સાંજના સમયે ભાજપના એક સીન્ડીકેટ સભ્ય અને એબીવીપીના વિદ્યાર્થી નેતાઓની પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ભારે હોબાળો મચ્યો હતો. પોલીસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થી નેતાને મેઈન ગેઈટની અંદર ન જવા દેવાતા સીન્ડીકેટ સભ્ય વચ્ચે પડયા હતા અને પોલીસ સ્ટાફ સાથે ગાળાગાળી સુધી વાત પહોંચી ગઈ હતી.બીજીબાજુ વિદ્યાર્થી નેતાઓની ફરિયાદ છે કે ચૂંટણીને લઈને ડરી ગયેલા કુલપતિ તેમની ઓફિસમા જ નથી આવતા.

More Stories:-


Post Your Comment