જાહેર સેવકોની બેનામી મિલકતોના કેસ કરવા ACBમાં ખાસ યુનિટ રચાશે


જાહેર સેવકોની બેનામી મિલકતોના કેસ કરવા ACBમાં ખાસ યુનિટ રચાશે

- દરેક વિભાગમાં વિજિલન્સ ઓફિસર નિમાશે

- ACBના કેસો માટે કોર્ટ દીઠ બે પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કરાશે : લિગલ સપોર્ટ સ્ટાફ પણ નિમાશે


અમદાવાદ, તા.14 એપ્રિલ, 2018, શનિવાર

ગુજરાતના સરકારી વિભાગોમાંથી ભ્રષ્ટાચારને ડામવા તેમજ લાંચિયા અધિકારી- કર્મચારીઓને ઝડપી લેવા માટે સરકાર હવે હરકતમાં આવી છે. એસીબીની કામગીરી પરિણામલક્ષી બને તે માટે પ્રોસિક્યુશન, ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન પૂરતું મહેકમ અને આધુનિકીકરણ માટે નાણાંકીય ઉપલબ્ધિ અને આયોજન એમ પાંચ આધાર સ્તંભોને મજબૂત કરાશે.

ગૃહ વિભાગની તાજેતરમાં મળેલી બે બેઠકોમાં લાંબી ચર્ચા- વિચારણા બાદ કેટલાક નિર્ણયો લેવાયા હતા. જે અંગેની જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એસીબીએ તેની કાર્યપ્રણાલિને વધુ પરિણામદાયી બનાવવા માટે આગામી પાંચ વર્ષ માટેનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયારક કર્યો છે. ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન એકેડેમી, ઓસ્ટ્રીયા સાથે મહત્ત્વના એમઓયુ કરાયા છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, જાહેર સેવકોએ વસાવેલી બેનામી તથા અપ્રમાણસર મિલ્કતો અંગે કેસો કરવા માટે એસીબીમાં ખાસ ડીએ યુનિટની સ્થાપના કરાશે. ઉપરાંત દરેક વિભાગમાં વિજીલન્સ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે તેઓ એસીબીના સંકલનમાં રહીને તકેદારીને લગતી કામગીરી કરશે.

આગામી સમયમાં દરેક સેશન્સ કોર્ટમાં ચાલતા ટ્રાયલના એસીબીના કેસો માટે કોર્ટદીઠ બે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુક કરાશે. ઉપરાંત સીબીઆઇની પદ્ધતિ મુજબ એસીબીના કોર્ટમાં ચાલતા કેસો અંગે પબ્લિક પ્રોસિક્યુટર અને તપાસ અધિકારીને પ્રોસિક્યુશનમાં મદદરૃપ થવા માટે લીગલ સપોર્ટ સ્ટાફની નિમણુક એક કોર્ટદીઠ કરાશે.

જ્યારે વર્ગ-૧ના અધિકારી વિરુદ્ધ તપાસ કરવા માટે એસીબીએ માગેલી મંજૂરીની પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ત્રણ સભ્યોની કમિટી બનાવાશે તેમજ કેસોના ઝડપી નિકાલ કરવા એફએસએલ ગાંધીનગર અને એફએસએલની વિભાગીય કચેરીઓને વધુ સાધન- સંપન્ન બનાવાશે એસીબીના મદદનીશ નિયામકની ઓફિસ ખાતે ટેકનિકલ એન્ડ ફોરેન્સિક સપોર્ટ યુનિટની રચના કરાશે. આ પ્રકારના નિર્ણયોને કારણે ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાશે.

More Stories:-


Post Your Comment