આક્રોશ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં કેન્ડલમાર્ચ યોજાઇ


આક્રોશ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં કેન્ડલમાર્ચ યોજાઇ

- કઠુઆ, ઉન્નાવ, સુરતમાં થયેલી નિર્લજ્જ ઘટનાઓ વિરુધ્ધ રોષ

- રવિવારની સાંજે નિકોલમાં હાર્દિક પટેલ સહિત કાર્યકરોએ વી વોન્ટ જસ્ટિસના સૂત્રો સાથે રેલી યોજી વિરોધ


અમદાવાદ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર

જમ્મુ કાશમીરના કઠુઆ, ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને સુરતના પાંડેસરામાં માસૂમ બાળકીઓએ નરાધમોએ હવશનો શિકાર બનાવી પાશવી બળાત્કાર ગુજર્યો હતો. એટલું જ નહીં,ક્રુર માનસિકતા ધરાવતાં નરાધમોએ માસૂમ બાળકીઓની હત્યા પણ કરી હતી. આ નિર્લજ્જ ઘટનાઓ બનતાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે જેના ભાગરુપે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકોએ કેન્ડલમાર્ચ યોજીને આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતાં.

માસૂમ બાળકીઓ ય હવે સલામત રહી નથી. કઠુઆ,ઉન્નાવ અને સુરતની ઘટના બાદ ચારેકોર લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. પિશાચી હવશખોર-હત્યારાઓને પકડીને ફાંસીની સજા આપવા સુધીની માંગ ઉઠી છે. સુરતમાં ય રવિવારે મોડી સાંજે અઠવા લાઇન્સ સર્કલ પાસે લોકોએ કેન્ડલમાર્ચ યોજી હતી. અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં કેન્ડલમાર્ચનું આયોજન કરાયુ હતું. શિવરંજની ચાર રસ્તા પાસે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે વિવિધ સંગઠનના કાર્યકરોએ એકઠાં થઇને વી વોન્ટ જસ્ટીસના બેનરો સાથે કેન્ડલ માર્ચ યોજી હતી.

શહેરના નિકોલ વિસ્તારમાં મોડી રાત્રે સાડા નવ વાગે ખોડિયાર માતાના મંદિર પાસેથી કેન્ડલમાર્ચ યોજાઇ હતી. દિકરીઓને બચાવો તેવા સૂત્ર સાથે પાટીદાર આંદોલનકારી હાર્દિક પટેલ સહિતના કાર્યકરો રેલીમાં હાજર રહ્યા હતાં.

આમ,માસૂમ બાળકીઓ પર બળાત્કારની ઘટનાને પગલે ચારેકોર આક્રોશભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે. મહેસાણામાં ય દલિતો-લઘુમતી કાર્યકરોએ એકઠાં થઇને કેન્ડલમાર્ચ યોજી હતી. અરવલ્લીના મોડાસા શહેરમાં ય કેન્ડલમાર્ચ યોજી લોકોએ આરોપીને કડક સજા મળે તેવી માંગણી કરી હતી.

More Stories:-


Post Your Comment