ગરીબોનું ૧૨,૨૧૦ કરોડનું અનાજ કાળા બજારીયાઓ ખાઇ ગયા : કોંગ્રેસ


ગરીબોનું ૧૨,૨૧૦ કરોડનું અનાજ કાળા બજારીયાઓ ખાઇ ગયા : કોંગ્રેસ

- અનાજ માફીયાઓનું કરોડોનું કૌભાંડ

- ભાજપના સાંસદ અને ડાયમંડનો ધંધો કરનારા ઉદ્યોગપતિઓના નામે BPL કાર્ડ છે


અમદાવાદ, તા. 20 માર્ચ, 2018, મંગળવાર

વિધાનસભા ગૃહમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ નાગરીક પુરવઠા વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ઘટસ્ફોટ કર્યો છે કે ગુજરાતમાં ગરીબોનું રૃપિયા ૧૨૨૧૦ કરોડનું અનાજ કાળા બજારીયાઓ જમી ગયા છે !! ભાજપના સાંસદ દર્શના ઝરદોસ અને ધારાસભ્ય ઝંખના પટેલ તેમજ સુરતનાં લક્ષ્મી ડાયમંડના ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરાના નામો BPL કાર્ડ છે. એટલે કે તેઓ અત્યંત ગરીબ છે.

તેઓએ જણાવ્યું કે સોશ્યલ ઓડીટમાં જાણવા મળ્યું છે કે, રામાયણનો પાઠ શીખવનારા બાપુ, તલગાજરડીમાં, મહામંડલેશ્વર ભારતી બાપૂના નામે BPL કાર્ડ છે. રાજ્યમાં જે નાણાંકીત લોકો છે તેમના નામના પણ ખોટા રેશનકાર્ડ બનાવી તેમના અંગુઠાના નિશાન લગાવીને દર મહિને જથ્થો ઉપાડવામાં આવે છે. તેમના નામે દર મહિને ડુપ્લીકેટ ફિંગર પ્રિન્ટથી ઘઉં, ચોખા, ખાંડ અને કેરોસીનનો જથ્થો ઉપડી જાય છે.

તત્કાલીન UPA સરકારે રાઈટ ટુ ફુડનો કાયદો દાખલ કર્યો હતો. પરંતુ સરકાર છેવાડાના વ્યક્તિ સુધી આ જથ્થો પૂરો પાડતી નથી. રોજેરોજ ગરીબો ફરીયાદ કરી રહ્યા છે કે તેઓને જથ્થો મળતો નથી. રાજ્યમાં બાયોમેટ્રીક રેશનકાર્ડની શરૃઆત ૨૦૧૦થી થઈ હતી. તેને આજે ૯૬ મહિના થયા છે. દર મહિને ચૂકવાતી સબસીડીની રકમ ૫૦૮.૭૬ કરોડ લેખે ૯૬ મહિના સુધીમાં ૪૮૮૪૦.૯૬ કરોડની સબસીડી સરકારે ભોગવી છે.

રાજ્યમાં ૨૫ ટકા જેટલા નકલી રેશનકાર્ડ અને નકલી ફિંગરપ્રીન્ટથી અનાજનો જથ્થો ઉપડી જાય છે. નામાંકિત અને પ્રખ્યાત વ્યક્તિઓના નામે ખોટા રેશનકાર્ડ બનાવીને તેમના અંગુઠાના નિશાન લગાવીને આ કૌભાંડ આચરાઈ રહ્યું છે. રાજ્યમાં સંત-મહંત, નેતા, અભિનેતા, ઉદ્યોગપતિઓ, ધારાસભ્યો, સંસદો, કલાકારોના નામે ડુપ્લીકેટ ફિંગર પ્રિન્ટથી સબસીડીયુક્ત અનાજનો જથ્થો ઉપાડી લેવામાં આવે છે.

More Stories:-


Post Your Comment