પેટમાં રહી ગયેલી કાતર કાઢતા મહિલાના મોત બદલ ત્રણ ડોક્ટર સામે ફરિયાદ


પેટમાં રહી ગયેલી કાતર કાઢતા મહિલાના મોત બદલ ત્રણ ડોક્ટર સામે ફરિયાદ

- છ વર્ષ પહેલાં સિવિલમાં ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું

- એક વર્ષ પહેલા મોત થયું હતુ : ગુનો નોધાયો


અમદાવાદ, તા.14 એપ્રિલ, 2018, શનિવાર

ગાંઠના ઓપરેશન સમયે મહિલાના પેટમાં કાતર રહી ગઇ હતી. જે કાતર કાઢવા ફરીથી ઓપરેશન કરતી વખતે મહિલાનું મોત નીપજ્યું હતું. એક વર્ષ અગાઉ બનેલી ઘટનામાં પોલીસ તપાસમાં સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટરોની બેદરકારી બહાર આવી હતી. જેથી શાહીબાગ પોલીસે ત્રણેય ડોક્ટરો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે, કે કચ્છ જિલ્લાના રાપરના વતની અને હાલ પાટણ જિલ્લાના સાંતલપુરા ગામમાં રહેતા કમાભાઇ ચાવડાએ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેમની પત્નીને પેટમાં ગાંઠની બિમારી હોવાથી ૨૦૧૨માં સિવિલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે ઓપરેશન સિવિલના ડો. હાર્દિક.બી.ભટ્ટ અન ડો. સલીલ પાટીલ તથા ડો. પ્રેરક પટેલે કર્યું હતું.  ત્યારબાદ પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. જેને લઇને ગાંધીધામની હોસ્પિટલમાં સોનોગ્રાફી અને એક્ષરે કરાવતાં પેટમાં કાતર રહી ગઇ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

જેથી સિવિલમાં કાતર કઢવા માટે ફરીથી મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં ગયા વર્ષે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસ અંગે શાહીબાગ પોલીસે પ્રથમ અકસ્માતે મોત ગુનો નોધીને તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં સિવિલની કમીટીના રિપોર્ટ આધારે ડોક્ટરોની બેદકારી સામે આવતાં પોલીસે ત્રણેય ડોક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.કે.પટેલે જણાવ્યું હતું.

More Stories:-


Post Your Comment