ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો વિરોધ કરવા 12 માર્ચથી દાંડી સુધીની કૂચ


ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો વિરોધ કરવા 12 માર્ચથી દાંડી સુધીની કૂચ

- EVM હટાવ, લોકતંત્ર બચાવની ઝૂંબેશનો આરંભ કરાયો


અમદાવાદ, તા.14. ફેબ્રુઆરી 2018 બુધવાર

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ગરબડ થઈ શકતી હોવાથી તેના થકી દેશની ચૂંટણી યોજવાનું બંધ કરવાની માગણી સાથે આગામી બારમી માર્ચથી અમદાવાદથી દાંડી સુધીની કૂચ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

સોમવારે અમદાવાદમાં શાહીબાગ ખાતે મળેલી સમાજના જાગૃત નાગરિકોની બેઠકમાં દાંડી સુધીની કૂચ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ ઈવીએમને મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધમાં શેરીઓમાં ઉતરી આવવાની તૈયારીઓ થવા માંડી છે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો અપેક્ષાથી વિપરીત આવ્યા હોવાથી ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીનનો ઉપયોગ કરવાને મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઇવીએમમાં ગરબડ થવાની સંભાવના રહેતી હોવાથી તેમણે બેલેટ પેપરનો જ ચૂંટણીમાં ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો અને સરકારને તે માટે ફરજ પાડવાનો નિર્ણય કર્યો છે.

ગોધરાના હરેશ ભટ્ટ અને મહેસાણાથી વિધાનસભાની ચૂંટણી લડેલા જીવાભાઈ તથા દિનેશ પરમાર સહિતના નેતાઓ ઉપરાંત જુદી જુદી સામાજિક સંસ્થાઓના વડાઓએ સોમવારની બેઠકમાં ભાગ લીધો હતો. અંદાજે ૨૦ જેટલા નેતાઓએ તેમાં ભાગ લઈને આગામી ચૂંટણી સુધીમાં ઈવીએમને નાબૂદ કરાવી દઈને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની વર્તમાન સરકારને ફરજ પાડવાનો નિર્ણય કર્યો છે.

ઈવીએમનો દુરુપયોગ કરીને સરકાર લોકતંત્રનો કચ્ચરઘાણ કાઢી રહી હોવાનું તેમનું માનવું છે. લોકતંત્રને બચાવવા માટે ઇવીએમ-ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન હટાવવા હવે અનિવાર્ય બની ગયા છે.

ચૂંટણી પંચનું વલણ પણ આશંકા જાય તેવું હોવાની બાબતનો સોમવારે મળેલી બેઠકમાં ચર્ચા થઈ હતી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીના પરિણામો શંકાસ્પદ હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.

ઉત્તર પ્રદેશની મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો તો ભાજપ ૧૬માંથી ૧૪ મહાનગર પાલિકાઓમાં જીતી ગયો હતો. ત્યારબાદ જે વિસ્તારોમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવી તેવા ૭૦ ટકા વિસ્તારોમાં ભાજપની હાર થઈ હતી.

આ જ બતાવે છે કે ઈવીએમમાં ગરબડ કરવામાં આવી રહી છે. વિશ્વના મોટાભાગના વિકસિત દેશોમાં ઈવીએમનો ઉપયોગ કરાતો નથી, તો ભાજપ સરકાર શા માટે ઈવીએમનો જ દુરાગ્રહ રાખી રહી છે, એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.

More Stories:-


Post Your Comment