નફાખોરી કરતી ખાનગી શાળાઓની વિગતો આવકવેરા ખાતામાં અપાઈ


નફાખોરી કરતી ખાનગી શાળાઓની વિગતો આવકવેરા ખાતામાં અપાઈ

- ખાનગી શાળાઓના સંચાલકોની બેનામી મિલકતોની પણ તપાસ કરવાની માગણી કરવામાં આવી


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 20 માર્ચ, 2018, મંગળવાર

વાલીઓ પાસે તગડી ફી સતત વસૂલી શકાય તે માટે નફો ઓછો બતાવતા ખાનગી શાળાના સંચાલકોની ફી રિસિપ્ટ સહિતની વિગતો આવકવેરા અધિકારીઓને સુપરત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચેરિટેબલ ટ્રસ્ટને નામે આ સંસ્થાઓ શાળાઓ ચલાવે છે. તેમની આવકને અન્ય એકમમાં ડાયવર્ટ કરીને તેઓ તેમના નફાને ઓછા બતાવવાની કોશિશ કરી રહ્યા છે. આ રીતે તેઓ નવા ફી વધારા માટેનો માર્ગ પણ મોકળો કરી રહ્યા હોવાનું આવકવેરા ખાતા સમક્ષ પેરેન્ટ્સ એકતા મંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.

પ્રાથમિક શાળાના વર્ગમાં પ્રવેશ મળે તે પૂર્વે પ્રી પ્રાઈમરીમાં જ શાળાના સંચાલકો દ્વારા તગડી ફી વસૂલી લેવામાં આવતી હોવાના પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાનગી શાળાઓ દ્વારા અલગ અલગ નામ પર લેવામાં આવતી ફીની રિસિપ્ટ અને રકમની વિગતો રજૂ કરવામાં આવે છે.

ગુજરાત હાઈકોર્ટે પણ શાળાઓને ઑડિટ કરેલી બેલેન્સશીટ રજૂ કરવા જણાવ્યું છે. બેલેન્સશીટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની મદદથી ગરબડ કરવામાં આવી રહી હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે. તેથી જ ફી રિસિપ્ટના પુરાવાઓ મૂકવામાં આવ્યા છે.

આદિવાસી વિદ્યાર્થીઓ માટે વલસાડમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને નામે પણ ખાનગી શાળાના સંચાલક મોટી રકમની ગરબડ કરી હોવાનો નિર્દેશ આવકવેરા ખાતા સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.

More Stories:-


Post Your Comment