દસક્રોઇ તાલુકાના સાતેક ગામોમાં પીવાનું પાણી દૂષિત આવતા ગ્રામજનો પરેશાન


દસક્રોઇ તાલુકાના સાતેક ગામોમાં પીવાનું પાણી દૂષિત આવતા ગ્રામજનો પરેશાન

- ગ્રામજનો પેટની તકલીફ અને ચામડીને લગતા રોગોનાં ભોગ બન્યા

- ખારીકટ કેનાલનું પ્રદુષિત પાણી કારણભૂત, ભૂગર્ભ જળ પ્રદૂષિત થતા બોરમાંથી લાલ પાણી આવે છે


અમદાવાદ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર

દસક્રોઇ તાલુકામાં ખારીકટ કેનાલની આજુબાજુમાં આવેલા ગામોમાં પીવાનાં પાણીના બોરમાં કાળુ અને કેમિકલયુક્ત પાણી આવવાની ફરિયાદો ઉઠી છે. પાણી પીવાલાયક ન હોવાથી ગ્રામજનો ચામડી, પેટના વિવિધ રોગોના ભોગ બની રહ્યા છે. ખાસ કરીને ચોસર , ગામડી, દેવડી, રોપડા, ઇસ્ટોલાબાદ, લાલી, મહીજ વગેરે ગામોમાં સ્થિતિ વધુ ગંભીર હોવાનું ગ્રામજનોનું કહેવું છે. તેઓએ આજુબાજુના ગામોમાંથી તેમજ ખેતરોમાંથી શુદ્ધ પીવાનું પાણી ભરી લાવવાની ફરજ પડી રહી છે.

ખારીકટ કેનાલમાં અમદાવાદ શહેરની સોસાયટીઓ, ચાલીઓની ગટરોનું ગંદુ પાણી છોડવા ઉપરાંત ઔધોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી પણ બેફામ છોડાતું હોવાથી આ ગામોમાં તેની આડ અસર જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક અગ્રણી જયેશ મુંધવાના જણાવ્યા મુજબ આશરે ૩૫ વર્ષ જુની આ સમસ્યા છે. ખારીકટનું દુષિત પાણી આ ગામોની જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ પ્રદુષિત થયું છે.

જેના કારણે આ ગામોમાં પીવાના પાણીના બોરમાંથી કલરવાળુ પાણી આવી રહ્યું છે.ચોસર ગામમાં પીવાના પાણીના બોરમાં કેમિકલવાળુ પાણી આવતા શુદ્ધ પાણી મેળવવા માટે વારંવાર નવા પાણીના બોર બનાવવાની ફરજ પડી રહી છે. નવા બોરનો ખર્ચો કર્યો બાદ તેમા પણ કેટલાક મહિનાઓ બાદ કેમિકલવાળું પાણી આવતા સમસ્યા યથાવત રહેતી હોય છે.

ખારી નદી પણ અત્યંત પ્રદુષિત હોવાથી આજુબાજુના ગામોમાં દુષિત પાણી આવવાની સમસ્યા સામાન્ય બની ગઇ છે. આ પાણી પીવાથી ગ્રામજનોને ખંજવાળ આવવા, શરીરે ચાઠા પડી જવા સહિતના વિવિધ રોગોનો ભોગ બનવું પડયું છે. તેમજ પેટની તકલીફને લગતા રોગો પણ વધી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ખેતરોમાં પાણીના બોરમાં પણ કેમિકલવાળું પાણી આવી રહ્યું હોવાથી ખેતીને નુકશાની થવાની સાથે જમીનોની ફળદ્રુપતા પણ ઘટી રહી છે.

ખારી નદી તેમજ ખારીકટ કેનાલમાં કચરો, તેમજ કેમિકલયુક્ત પાણી છોડાતું રોકવામાં આવે તો આ સમસ્યા ઉકેલી શકાય તેમ હોવાનું ગ્રામજનોનું માનવું છે. આ અંગે ગ્રામજનોની વારંવારની માંગણી છતાંય આ સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.

GPCB, સિંચાઇ વિભાગમાં રજૂઆત કરાશે: જિ.પં.પ્રમુખ
આ અંગે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પુષ્પાબહેન જોરૃભાઇ ડાભીના જણાવ્યા મુજબ દસક્રોઇના ખારીકટ કેનાલ પાસેના ગામોમાં ભૂગર્ભ જળ પ્રદુષિત થયું હોવા અંગેની અનેક રજૂઆતો આવેલી છે. બોરનું પાણી કલરવાળું આવતું હોવાથી ત્યાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. કેનાલમાં ગટરો અને ઔધોગિક એકમોનું કેમિકલયુક્ત પાણી ઠલવાતું બંધ કરાય તે માટે જિલ્લા પંચાયત દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને સિંચાઇ વિભાગમાં રજૂઆત કરાશે. નોંધપાત્ર છેકે આ વિસ્તાર બોરના પાણી પર જ નિર્ભર હોવાથી જિ.પં. દ્વારા દસક્રોઇ તાલુકામાં સૌથી વધુ પીવાના પાણીના બોર માટેની મોટરો ફાળવવામાં આવી છે.

More Stories:-


Post Your Comment