દેત્રોજ તાલુકાનાં ૧૦ થી વધુ ગામોમાં પીવાના પાણીની તંગી


દેત્રોજ તાલુકાનાં ૧૦ થી વધુ ગામોમાં પીવાના પાણીની તંગી

- ઉનાળામાં પાણી માટે ફાંફા મારતા ગ્રામજનો

- રૃદાતલ ગામે બે વર્ષથી પાણીનો બોર તૈયાર છતાંય કાર્યરત ન કરાતા રોષ


અમદાવાદ, તા. 22 એપ્રિલ, 2018, રવિવાર

અમદાવાદ જિલ્લામાં દેત્રોજ તાલુકાના ગામોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ભર ઉનાળામાં પાણી માટે તેઓએ આજુબાજુના ખેતરોમાં પાણીના બોરમાંથી તેમજ પાસેના ગામોમાંથી પાણી ભરી લાવવા માટે રઝળપાટ કરવાની ફરજ પડી રહી છે. રનતપુરા જુથ યોજનામાં ૯ ગામોને પાણી મળતું હોય છે પરંતુ હાલમાં આ ગામોમાં જ પાણીની તંગી વર્તાઇ રહી હોવાનું ગ્રામજનોનું કહેવું છે.

આ અંગે અમદાવાદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન મનુજી ઠાકોરના જણાવ્યા મુજબ દેત્રોજ તાલુકામાં રૃદાતલ ગામે પાણીનો બોર બની ને છેલ્લા બે વર્ષથી તૈયાર છે. પરંતુ વીજ કનેક્શન સહિતના મુદ્દે આજદીન સુધી આ પાણીનો બોર ચાલુ થયો નથી. જેને લઇને આ ગામના લોકોએ છતા પાણીના બોરે પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.

બીજી તરફ રતનપુરા જુથ પાણી યોજનાનું પાણી રતનપુરા ગામને જ પુરતું મળી રહ્યું નથી. આ જુથ યોજનામાં સમાવિષ્ટ ૯ ગામોમાં પણ પાણીની તંગી જોવા મળી રહી છે. ગ્રામજનોએ પાણીના ટેન્કરો મંગાવીને પાણીની જરૃરીયાત પુરી કરવાની ફરજ પડી રહી છે. પાણીની આ સમસ્યા મામલે પાણી પુરવઠા ખાતામાં સ્થાનિક ગ્રામપંચાયતોના સરપંચોએ વારંવાર રજૂઆતો પણ કરી હોવા છતાંય તેનો આજદીન સુધી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.

More Stories:-


Post Your Comment