વાડજમાં એક જ પરિવારના ચાર સભ્યો પર દારૃડિયાએ એસિડ છાંટયો


વાડજમાં એક જ પરિવારના ચાર સભ્યો પર દારૃડિયાએ એસિડ છાંટયો

- અમદાવાદમાં લુખ્ખા તત્વોનો વધતો જતો ત્રાસ

- યુવતી સાથે ચેનચાળા કરી પરેશાન કરતા દારૃડિયાને ઠપકો આપતા બે બહેન, માતા અને દાદી પર એસિડ એટેક


અમદાવાદ, તા.14 એપ્રિલ, 2018, શનિવાર

અમદાવાદમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે અસામાજિક તત્વો માથું ઉચકી રહ્યા છે. વાડજમાં પડોશી યુવકે બે બહેન અને માતા પર એસિડથી એટેક કર્યો હતો. પોલીસ તપાસમાં યુવતી સાથે ચેનચાળા કરીને પરેશાન કરતા દારૃડિયા યુવકને ઠપકો આપતા તેણે આ કૃત્ય આચર્યું હતું.

આ કેસની વિગત એવી છે, કે જૂના વાડજમાં ગાંધીનગરના ટેકરા પર લીલામાતાની ચાલીમાં રહેતા પ્રાર્થનાબહેન કમલેશભાઇ મકવાણાએ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેમની પડોશમાં રહેતા વિનોદ નાગપાલ મહારાજ (શ્રીમાળી)ને દારૃ પીવાની અને જુગાર રમવાની ટેવ છે.

તે જ્યારે પણ યુવતીના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે યુવતી સાથે ગંદા ઇશારા અને ચેનચાળા કરતો હતો. જેથી યુવતી તથા તેની માતાએ અગાઉ તેને ઠપકો આપ્યો હતો.

જેની અદાવત રાખીને ગઈકાલે રાત્રે ૧૦.૩૦ વાગે યુવતી તથા તેની દાદી ઘર આગળ સૂતા હતા. આ સમયે આ વિનોદ ઘર પાસે આવ્યો હતો અને ગંદી ગાળો બોલતો હતો એટલું જ નહી ઘરના દરવાજાને લાતો મારતો હતો. જેથી પરિવારજનો સભ્યોએ ભેગા થઇનેને ઘરના દરવાજા તરફ ગયા હતા. જ્યાં વિનોદ દોડીને તેના ઘરમાં જતો રહ્યો હતો અને ઘરમાંથી એસિડ લાવીને અને ગાળો બોલવા લાગ્યો હતો, તેને ગાળો બોલવાની ના પાડતા વિનોદે યુવતી પર પર એસિડ ફેંક્યું હતું જેથી યુવતીને મોંઢા પર અને ગળાના ભાગે બળતરા શરૃ થઇ હતી. તેમજ માતા, બહેન તેમજ દાદી પર પણ એસિડ છાંટયું હતું. તમામને એસિડથી બળતરા શરૃ થઇ હોવાથી બુમાબુમ કરતાં પરિવારનો સભ્યો દોડી આવ્યા હતા અને વિનોદને પકડવા જતાં તે ભાગી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં ચાલીના લોકો ભેગા થઇ ગયા હતા અને એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે સિવિલ લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાડજ પોલીસે આરોપી સામે ગુનો નોધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

More Stories:-


Post Your Comment