માતાના દૂધ વગર તડપી રહેલા બાળકે અંતે છેલ્લો શ્વાસ લીધો


માતાના દૂધ વગર તડપી રહેલા બાળકે અંતે છેલ્લો શ્વાસ લીધો

- નારણપુરા પોલીસમાં પતિએ પત્ની સામે ગુનો નોંધાવ્યો હતો

- અન્નનળીની તકલીફ હોવાથી ડૉક્ટરે માતાના દૂધ અને હૂંફની સલાહ આપી હતી : પોલીસે હવે આગળની કાર્યવાહી કરશ


અમદાવાદ, તા. 12 માર્ચ, 2018, સોમવાર

અન્નનળીની કુદરતી ખામી સાથે જન્મેલા બાળકને માતાના દૂધ અને હૂંફ મળે તો તેની તબિયતમાં ઝડપથી સુધારો આવશે એમ ડોક્ટરે સલાહ આપી હતી. જોકે માતા તેના પિયર ચાલી જતા દૂધ વિના બાળકની હાલત લથડતા તે બ્રેઈન ડેડ થઈ ગયો હતો. અંતે આજે સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. પતિએ અગાઊ પત્ની વિરૃધ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેને પગલે પોલીસે હવે બાળકની માતા સામે કાર્યવાહી અંગે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં સૌદર્યગ્રીન સોસાયટીમાં રહેતા અને પ્રોપર્ટી કન્સલટન્સીનો વ્યવસાય કરતા ઘનશ્યામભાઈ ડાહ્યાભાઈ પટેલ (૩૫) એ ૨૦૧૧ માં મૂળ ઈડરના તોરલબહેન કેસરભાઈ પટેલ સાથે પુન:લગ્ન કર્યા હતા. ૨૦૧૪ માં તોરલબહેને પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ ૨૦૧૬માં તે ફરીથી ગર્ભવતી થતા નવા વાડજની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તોરલબહેનને સિઝેરિયનથી બાળકનો જન્મ થયો હતો. જેનું નામ રૃદ્ર રાખવામાં આવ્યું હતું.

જોકે રૃદ્રને અન્નનળીની કુદરતી તકલીફ હોવાથી તેને અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં બાળકને માતાના દૂધ, હૂંફ અને પ્રેમ મળે તો ઝડપથી રિકવરી થઈ શકશે, એમ ડોક્ટરે સલાહ આપી હતી. તોરલબહેનને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેમણે પુત્રને એકવાર સ્તનપાન કરાવ્યું હતું. કૃત્રિમ ખોરાક માટે બાળકને નળી નાંખવામાં આવી હતી જેનાથી ખોરાક સીધો જઠરમાં જતો હતો. આ પ્રક્રિયા મુજબ બાળકને દિવસમાં આઠ વખત ખોરાક આપવો જરૃરી હોવાની હકીકતથી તોરલબહેન વાકેફ હતા.

બીજીતરફ પોતે સિઝેરિયન કરાવ્યું હોવાથી તોરલબહેન આરામ કરવા માટે પિતા સાથે પિયર ચાલ્યા ગયા હતા. ઘનશ્યામભાઈ તથા અન્ય સંબંધીઓએ બાળકને દૂધ એને પ્રેમની જરૃર હોવાની જાણ કરવા છતા તોરલબહેન આવ્યા ન હતા, એમ ઘનશ્યામભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.દરમિયાન ડોક્ટરના કહેવા પ્રમાણે રૃદ્રનું અન્નનળીનું બે વાર ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં એક વર્ષના રૃદ્રને બ્રેઈન લોસ થઈ ગયું હતું.

ઘનશ્યામભાઈના જણાવ્યા મુજબ ૧૫ દિવસથી રૃદ્રને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો. તેે શનિવારે રજા આપવામાં આવી હતી. જોકે આજે તેની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલ લવાયો હતો.જ્યાં તેનું મોત નીપજ્યું હતું. અમે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. નારણપુરા પોલીસ સ્ટેશનના સિનીયર પી.આઈ.જે.આર.પટેલના જણાવ્યા મુજબ બાળકના મોતને પગલે હવે અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું.

તોરલ પટેલે ફરિયાદ રદ કરવા હાઈકોર્ટની દાદ માગી
ઓપરેશનો અને વિપરિત સ્વાસ્થ્યના કારણે બાળક અંતે બ્રેઈનડેડ થયું હતું

અમદાવાદ, તા. 12 માર્ચ, 2018, સોમવાર
નવજાત શિશુને તરછોડી એક વર્ષ સુધી પિયરમાં રહેવાના કેસમાં માતા તોરલ પટેલે પોતાના વિરૃદ્ધની ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં દાદ માગી હતી. બાળક ખોડખાંપણવાળુ જન્મતા પત્ની બીજા દિવસે જ તેને છોડીને જતી રહી હોવાની અને માતાની હૂંફ ન મળતા બાળક બ્રેઈનડેડ થયું હોવાની ફરિયાદ પતિ ઘનશ્યામ પટેલે કરી હતી. ગુજરાત હાઈકોર્ટે ૧૪મી માર્ચે બન્ને પક્ષોને હાજર રહેવાનો આદેશ કર્યો છે. અમદાવાદના તોરલ પટેલ વિરૃદ્ધ તેમના પતિ ઘનશ્યામ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેમને ત્યાં જન્મજાત શારીરિક ખામીવાળો પુત્ર જન્મતા તેમના પત્ની પ્રસૂતિના બે જ દિવસમાં પિયર જતા રહ્યા હતા અને એક વર્ષ બાદ પણ તેઓ પુત્રની સારસંભાળ લેવા આવ્યા નથી. આ ફરિયાદ રદ કરવા તોરલ પટેલે હાઈકોર્ટની દાદ માગી હતી. આ કેસમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ૧૪મી માર્ચની સુનાવણીમાં પતિ-પત્નીને હાજર રહેવા આદેશ આપ્યો છે તેમજ તપાસ અધિકારીને નોટિસ ઇશ્યુ કરી છે. પતિની ફરિયાદ સામે તોરલ પટેલની દલીલ હતી કે સાસરિયા તેમના પુત્રને મળવા નથી દેતા તેમજ સાસરામાં રહેવાની તેમને મનાઈ કરવામાં આવી હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.

More Stories:-


Post Your Comment