વિધાનસભા જોયુ જાણ્યું


વિધાનસભા જોયુ જાણ્યું


સાયન્સ કોલેજોના મુદ્દે વિપક્ષે ગૃહમાં સરકારની બોલતી બંધ કરી
વિધાનસભામાં બજેટ સત્રમાં માગણીઓ પરની ચર્ચા અને મતદાનનો બીજો દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થયો હતો. રાજ્યસભાની ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી અને વિધાનસભાની કચેરીમાં તેમજ પ્રીમાઇસીસમાં માહોલ ખૂબ ગરમ હતો ત્યારે ગૃહની અંદર બધું ઠંડું હતું.

વિપક્ષનાં નેતાની ગેરહાજરી વચ્ચે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ કાર્યવાહી શાંતિથી પૂર્ણ કરી હતી. પ્રશ્નોત્તરીમાં પણ ખાસ કોઇ મહત્વના પ્રશ્નો ન હોવાથી સિનિયર  મંત્રીઓએ માથુ માર્યું નહોતું.

સોમવારે પ્રાઇમરી અને હાયર એજ્યુકેશનને લગતા પ્રશ્નોમાં કોંગ્રેસનાં મોટાભાગનાં સભ્યોએ પોતપોતાના જિલ્લા કે તાલુકામાં સાયન્સની કોલેજ ન હોવાનાં મુદ્દાને ઉઠાવ્યો હતો. તેમજ સરકાર આવા જિલ્લાઓનાં વિદ્યાર્થીઓને અન્યાય કરી રહી હોવાના આક્ષેપો કર્યા હતા, તેમજ શાળાઓ-કોલેજોમાં શિક્ષકો, પ્રોફેસરો સહિતનાં કર્મચારીઓની ઓછી સંખ્યા, ભરતી નહીં કરવાની સરકારની નીતિ વગેરે જેવા મુદ્દાઓ ઊભા કરીને આક્રોશ કાઢ્યો હતો.

સોમવારે પ્રથમ વાર જ ગૃહમાં તેર પ્રશ્નો-પેટા પ્રશ્નો પૂછાયા
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સોમવારે ઝભ્ભા-કોટીને બદલે 'શૂટ-બૂટ'માં સજ્જ થઇને આવ્યા હતા. જેની ગૃહમાં સૌ કોઇએ નોંધ લીધી હતી. અધ્યક્ષ આજે પણ તદ્દન શાંત દેખાતા હતા. તેમજ તારાંકિત પ્રશ્નો-પેટા પ્રશ્નોને ફટોફટ પતાવતા હતા. જેને કારણે આ સત્રમાં આજે પહેલી વખત જ તારાંકિત પ્રશ્નો-પેટા પ્રશ્નોને ફટોફટ પતાવતા હતા. જેને કારણે આ સત્રમાં આજે પહેલી વખત જ તારાંકીત પ્રશ્નોત્તરીના વિવિધ ધારાસભ્યોએ પૂછેલા પૈકીમાંથી ૧૩ પ્રશ્નો ગૃહમાં પૂછી શક્યા હતા. જેના ઘણા પેટા પ્રશ્નો પણ હતા. આ સિવાયનાં દિવસોમાં માંડ પાંચથી ૮ જેટલાં પ્રશ્નો જ આવી શકતા હતા.

અધ્યક્ષ ત્રિવેદીએ પ્રથમ પ્રશ્ન વખતે જ પેટા પ્રશ્નો પૂછવા માટે હાથ ઊંચા કરતા સ્પષ્ટ કર્યું હતું કે, આજે હું સિનિયરોને ઓછા પ્રશ્ન પૂછવા દઇશ. નવા ધારાસભ્યોને પણ તેથી તક મળશે. આ પહેલી લાઇન તો કાયમી પ્રશ્નો જ પૂછતી હોય છે.

તમે જ્યારે બોલો છો ત્યારે નીતિનભાઇનું જ નામ કેમ આપો છો ?
કોંગ્રેસનાં બલદેવજી ઠાકોર ૯ નંબરનાં પ્રશ્નમાં પેટા પ્રશ્ન પૂછવા ઊભા થયા હતા. એ સમયે બલદેવજીએ કહ્યું કે, પાટણ જિલ્લાનો પ્રશ્ન છે. અહીં મીઠી ધારીયલ ગામ મારી સાસરીનું થાય છે. એમાં આંગણવાડીઓ છે પણ પાણી નથી અપાતું. નીતિનભાઇ તમે ત્યાં આંટો મારીને આવો અને તે ચાલુ કરાવો. આવું સાંભળીને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તુરંત જ ટકોર કરી કે બલદેવજી તમે જ્યારે પણ બોલો છો ત્યારે નીતિનભાઇનું નામ કેમ આવે છે ?...

બલદેવજી જવાબ આપે તે પહેલા નીતિનભાઇએ જ ઊભા થઇને કહ્યું કે બલદેવભાઇએ મને હિન્ટ આપી દીધી છે કે તેમનાં સાસરીયા જ્યાં રહે છે તે ગામનું ધ્યાન રાખજો... બલદેવજી સાસરપક્ષની બહુ જ ચિંતા કરે છે. આવી હળવી કોમેન્ટોથી ગૃહમાં હાસ્યનું મોજું ફેલાઇ ગયું હતું. જો કે વાત પૂરી થાય તે પહેલા જ ભૂપેન્દ્રસિંહે ઊભા થઇને મમરો મૂક્યો હતો કે નીતિનભાઇ અને બલદેવજી ઉત્તર-દક્ષિણનાં ધુ્રવ જેવા છે પણ બન્ને મિત્રો છે.

ખાણ-ખનીજમાં કૌભાંડો ચાલે છે, માફીયાઓ બેફામ બન્યા છે
બજેટની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસનાં અલ્પેશ ઠાકોરે પૂરી તાકાતથી ભાજપ સરકારની નીતિ રીતિની આકરી ટીકા સાથે ઝાટકણી કાઢી હતી. તેઓએ કહ્યું કે મોંઘી વીજળી ખરીદીને સસ્તા ભાવે વેચતી હોય તેવી આ પ્રથમ સરકાર છે. વીજળીનાં તમામ પ્લાન્ટો કોંગ્રેસનાં શાસનમાં બન્યા છે.

છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપનાં શાસનમાં એકપણ વીજ મથક બન્યું નથી. ભાજપે માત્ર કોંગ્રેસની યોજનાઓને જ આગળ લઇ જવાનું કામ કર્યું છે. ખેડૂતોને વીજળી માટે આંદોલનો કરવા પડે છે. ફ્યુઅલ ચાર્જના નામે દર મહિને કરોડો રૃપિયા ઉઘરાવવામાં આવે છે. સરકારની નીતિને કારણે કેટલીક ઈન્ડસ્ટ્રીઝ ખતમ થઇ ગઇ છે. ગુજરાતમાં ખનીજનું મોટું કૌભાંડ ચાલે છે. માફીયાઓ બેફામ બન્યા છે. જેમાં કેટલાક રાજકીય આગેવાનો પણ સંડોવાયેલા છે. આવા માફીયાઓને કાબુમાં લઇને સરકાર ચોરી અટકાવે..

ખાનગી કંપની પાસેથી જ શા માટે વીજળી લો છો ? તેમાં કંઇક છે ?
કોંગ્રેસનાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય પ્રેમસિંહ વસાવાએ ચર્ચામાં ભાગ લેતા સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે શા માટે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી લો છો ? એમાં કંઇક છે ? નાગરિકોને સસ્તી વીજળી આપવાની જવાબદારી સરકારની જ છે. જેમાંથી તે છટકી શકે નહીં. ખાનગી કંપનીઓને જેટલા નાણા ચૂકવો છો, તે રકમમાં તો નવા વીજ મથકો બની જાય તેમ છે. ખેડૂતોને મફત વીજળી આપવી જોઇએ.

More Stories:-


Post Your Comment