૧૦૦ કરોડ હિંદુઓનો અવાજ ઉઠાવવાની મને સજા મળી છે : પ્રવીણ તોગડિયા


૧૦૦ કરોડ હિંદુઓનો અવાજ ઉઠાવવાની મને સજા મળી છે : પ્રવીણ તોગડિયા

- સંસદમાં રામ મંદિરનો કાયદો ઘડવામાં આવે તેના માટે લડતો રહીશ

- છેલ્લાં ચાર વર્ષથી રામમંદિર માટે એક ઇંચનું કામ થયું નથી : મંદિરના મૂળ સ્થાને મસ્જિદ બનાવવાનું ગુપ્


નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2018, શનિવાર

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ આજે વીએચપીમાંથી પોતાની રૃખસદ બાદ એવો આક્ષેપ કર્યો છે કે તેમને હિંદુઓનો અવાજ ઉઠાવવાની સજા મળી છે. વિશ્વ હિંદુ પરિષદની ચૂંટણી બાદ પ્રવીણ તોગડિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, '૧૦૦ કરોડ હિંદુઓનો અવાજ ઉઠાવવો ગુનો છે?

આજે મારા પરાજય સાથે હિંદુનોઓનો અવાજ કચડવામાં આવ્યો છે. હવે હું વિશ્વ હિંદુ પરિષદમાં નથી. સત્ય, ધર્મને દબવાવામાં આવ્યું છે. હું મારી આગામી રણનીતિ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરીશ. સંસદમાં રામ મંદિરનો કાનૂન ઘડવામાં આવે તે જ મારી એકમાત્ર માગ છે. મોટું યુદ્ધ જીતવા માટે નાની લડાઇમાં પરાજયનો સામનો કરવો પડતો હોય છે. સત્તામાં મદમસ્ત બનેલા લોકો સત્ય અને ધર્મને દબાવી રહ્યા છે. લાખો કાર્યકર્તાઓ ગુસ્સામાં છે.  મારી ભૂલ શું છે? ફક્ત એટલું જ કે હું ૧૦૦ કરોડ હિંદુઓનો અવાજ ઉઠાવી રહ્યો હતો.

ગૌ હત્યા પ્રતિબંધ કાનૂન, કાશ્મીરમાં કાશ્મિરી પંડિતોનું પુન:વસન અને ખેડૂતોને સી-૨નું વળતર મળે તેના માટે હું લડતો રહીશ. કાર્યકર્તાઓ મને અગાઉની જેમ હવે પણ સાથ આપે તેવી મારી અપીલ છે.  '  પ્રવીણ તોગડિયાએ થોડા દિવસ અગાઉ આપેલા ઇન્ટરવ્યુમાં એવો આક્ષેપ કર્યો હતો કે, 'ભાજપે અયોધ્યામાં મસ્જિદ બનાવવાની ગુપ્ત તૈયારી શરૃ કરી દીધી છે. બહુમતિ હોવા છતાં છેલ્લા ચાર વર્ષથી ભાજપે અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે એક ઈંચ પણ કામ આગળ વધાર્યું નથી.'

પ્રવીણ તોગડિયા ૧૭ એપ્રિલથી આમરણ ઉપવાસ કરશે
નવી દિલ્હી, તા. ૧૪
પ્રવીણ તોગડિયાએ ૧૭ એપ્રિલથી અમદાવાદમાં આમરણ ઉપવાસ ઉપર ઉતરવાના છે. જોકે, તેઓ કયા સ્થળે ઉપવાસ કરશે તેના અંગે હજુ જાહેરાત કરવામાં આવી નથી. પ્રવીણ તોગડિયા સાથે તેમનો ટેકો આપનારા વીએચપીના કાર્યકરો પણ આ ઉપવાસમાં જોડાય તેવી સંભાવના છે. પ્રવીણ તોગડિયા શનિવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચે તેવી સંભાવના છે. આ પછી તેઓ તેમના સાથી કાર્યકરોને મળીને આગામી રણનીતિ ઘડવાના છે.

વિધાનસભાની ચૂંટણી બાદથી તોગડિયાને ભીંસમાં લેવાયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગત વર્ષે ડિસેમ્બરમાં પૂરી થઇ અને તેમાં ભાજપનો વિજય થયો ત્યારથી જ પ્રવીણ તોગડિયાની વીએચપીમાંથી હકાલપટ્ટી કઇ રીતે કરવી તેનો તખ્તો ઘડાવવાનું શરૃ થઇ ગયું હતું. જેના ભાગરૃપે વર્ષના પ્રારંભે એટલે કે ૧૬ જાન્યુઆરીએ પ્રવીણ તોગડિયાના અચાનક જ 'ગાયબ' થયા હતા. ગાયબ થયાના કલાકો બાદ પ્રવીણ તોગડિયા મૂર્છિત અવસ્થામાં શાહીબાગ પાસે મળી આવ્યા હતા. આ પછી તોગડિયા દ્વારા એવો ખુલાસો કરાયો હતો કે તેમને જાનથી મારવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. આ ઘટનાના થોડા દિવસ બાદ સુરત પાસે તેમનો કાર અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. આ ઉપરાંત તેમની સામેના જૂના કેસમાંથી ધૂળ ખંખેરીને ફરી સાણસામાં લેવાનું શરૃ કરાયું હતું.

RSSના ઇશારે પ્રવીણ તોગડિયાને રૃખસદ?
પ્રવીણ તોગડિયાની વિદાયમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)ની ભૂમિકા નિર્ણાયક રહી હોવાનું ચર્ચાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવીણ તોગડિયા નરેન્દ્ર મોદી સામે વાકયુદ્ધમાં તલવાર મ્યાન કરી રહ્યા નહોતા. જેના કારણે નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતું આરએસએસનું એક જૂથ પ્રવીણ તોગડિયાથી નારાજ હતું. અત્યારસુધી આરએસએસના જનરલ સેક્રેટરી સુરેશ ભૈયાજી જોશીની મદદથી પ્રવીણ તોગડિયા પોતાનું સ્થાન ટકાવવામાં સફળ રહ્યા હતા. માર્ચ મહિનામાં યોજાયેલી આરએસએસની કોન્ક્લેવમાં સુરેશ ભૈયાજી જોશી પુન: ચૂંટાયા હતા. એ વખતે ભાજપે સુરેશ ભૈયાજી જોશી સાથે એવું 'ગોઠવણ'કરી કે જો તેમને જનરલ સેક્રેટરીનું પદ બરકરાર રાખવું હોય તો પ્રવીણ તોગડિયાને હટાવવા પડશે, નહીં તો દત્તાત્રેય હોસાબોલેને આ જવાબદારી સોંપાશે. સુરેશ ભૈયાજી જોશી પોતાનું પદ જાળવવાના વિકલ્પ પર પસંદગી ઉતારી હતી. આમ, ૧૧ માર્ચે આરએસએસની ચૂંટણી થઇ અને ૧૩ માર્ચ સુધીમાં આરએસએસની ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૃ કરી દેવાઇ હતી.

More Stories:-


Post Your Comment