જીતુ વાઘાણીએ રોડ મંજૂર કરાવ્યો અને મંત્રી દિલીપ ઠાકોરે રદ કરાવ્યો


જીતુ વાઘાણીએ રોડ મંજૂર કરાવ્યો અને મંત્રી દિલીપ ઠાકોરે રદ કરાવ્યો

- પ્રજાલક્ષી કામોમાં ય ભાજપના મંત્રીઓની મનમાની....

- પાટણ જિ.ના ઓરુમાણાથી બિલાયા વચ્ચે રોડ બનાવવા સરકારે રૃા.2.50 કરોડ આપી જોબ નંબર ફાળવ્યો હતો


- ચૂંટણીમાં સ્થાનિક કાર્યકરોએ કોંગ્રેસને સાથ આપતાં મંત્રીના ઇશારે માર્ગ મકાનવિભાગના ઇજનેરે પત્ર પકડાવી દીધો

અમદાવાદ,તા. 12 માર્ચ 2018, સોમવાર

ગાંધીનગરમાં સત્તાના સિંહાસને બેઠેલાં ભાજપના સત્તાધીશો પ્રજાકીય કામોમાં કેટલી હદે ભેદભાવ દાખવે છે તેનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છેકે, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ઓરૃમાણાથી બિલિયા વચ્ચે ચાર કિમીનો રોડ બનાવવા ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સરકારમાં ભલામણ કરી હતી જેથી આ રોડ માટે અઢી કરોડ ફાળવી જોબ નંબર સુધ્ધાં આપી દેવાયો હતો પણ શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે આ રોડનુ કામ રદ કરાવી દીધુ હતુ.

સ્થાનિક કાર્યકરોની રજૂઆત છેકે, ઓરૃમાણાથી બિલિયા વચ્ચે રોડના અભાવે ચોમાસામાં જઇ શકાતુ નથી. ટ્રેકટરો કે વાહન પણ જઇ શકે તેમ નથી. ગ્રામિણ જનતાને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ભાજપના સ્થાનિક કાર્યકરો રજૂઆત કરતાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સરકારના માર્ગ મકાન વિભાગમાં પત્ર લખીને ભલામણ કરી હતી તે વખતે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પણ આ ભલામણ આધારે રોડ માટે રૃા.અઢી કરોડની ફાળવણી કરીને ભાજપના હોદ્દેદારોને જાણ પણ કરી હતી.ખુદ મંત્રી દિલીપ ઠાકોરે પણ આ મામલે માર્ગ મકાન વિભાગના મંત્રીને ભલામણ કરી હતી.

ચર્ચા એવી છેકે,વિધાનસભા ઉપરાંત સ્થાનિક ચૂંટણીઓમાં રોડની ભલામણ કરનારાં કાર્યકરોએ ભાજપને સાથ આપ્યો ન હતો બલ્કે કેટલાંક કાર્યકરો ભાજપને અલવિદા કહીને કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે આ રોડ બને તો,કોંગ્રેસ જશ ખાટી જાય તે માટે મંત્રી દિલીપ ઠાકોરના ઇશારે માર્ગ મકાન વિભાગના ઇજનેરે પત્ર લખીને આ રોડનું કામ રદ કરી દેવાયુ છે તેવુ સ્પષ્ટ જણાવી દીધુ હતુ. આ મામલે સ્થાનિક કાર્યકરોએ વિધાનસભામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રજૂઆત કરતાં તેમણે મુખ્યમંત્રીને આ મામલે જાણ કરી છે.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એવી પ્રતિક્રિયા આપીક,સરકારનો એક જ ઉદેશ્ય હોવો જોઇએ કે,પ્રજાની સમસ્યાનો હલ થાય,ભાજપના મંત્રીઓ નાના અમથા કામોમાં ય જશ ખાટવા જાય છે. પોતાના અહમને લીધે કામો રદ કરાવે તે યોગ્ય નથી.ચૂંટાયા બાદ તે પ્રજા દ્વારા બનેલી સરકારના મંત્રી છે.સરકારે તાકીદે આ રોડ મંજૂર કરવો જોઇએ.

More Stories:-


Post Your Comment