અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે મીટિંગ મળી : સમાધાન ન થયું


અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે મીટિંગ મળી : સમાધાન ન થયું

- આજે કોઈ નિવેડો આવી જશે

- બન્ને સંસદીય મંત્રીઓ અને વિપક્ષના નેતા-ઉપનેતા વચ્ચે લંબાણપૂર્વક ચર્ચા


અમદાવાદ, તા. 20 માર્ચ, 2018, મંગળવાર

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે કોંગ્રેસે રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્તનાં મુદ્દે મંગળવારે જ ગૃહની બહાર શાસક-વિપક્ષના નેતાઓ વચ્ચે બંધબારણે લંબાણપૂર્વક ચર્ચાઓ થઈ હતી. પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નથી. પરંતુ આવતીકાલે બુધવારે મુખ્યમંત્રી સાથે ચર્ચા-વિચારણા કરાયા બાદ વિપક્ષ સાથે ફરીથી બેઠક કરીને આ પ્રકરણનો નિવેડો આવી જાય એવી શક્યતાઓ છે.

બે સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ઉપનેતા શૈલેષ સોલંકી વચ્ચે ગૃહની બહાર મીટીંગ મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા પોતાનું અગાઉનું વલણ ચાલુ રાખી કહેવાયું હતું કે, અમે અવિશ્વાસની દરખાસ્ત કર્યા બાદ મારામારીની ઘટના બની હતી. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને નિયમ વિરૃદ્ધ સસ્પેન્ડ કરાયા છે. નિયમો મુજબ આ ધારાસભ્યોને સત્ર સમાપ્તી સુધી જ સસ્પેન્ડ કરી શકાય છે.

મીટીંગમાં કહેવાયું હતું કે ખુદ સરકાર કે અધ્યક્ષ નિયમોથી ઉપરવટ જઈ શકતા નથી. સસ્પેન્શનનાં બનાવમાં આવું જ થયું છે. પહેલા તમે ત્રણેય સભ્યોની સજા પાછી ખેંચો પછી અને અવિશ્વાસની દરખાસ્ત ચર્ચામાં લાવવા અંગે જણાવીશું. સરકાર તરફથી કહેવાયું હતું કે ભૂતકાળમાં ક્યારેય અવિશ્વાસની દરખાસ્ત ચર્ચામાં આવી નથી. અધ્યક્ષના પદની ગરીમાને તમારે સાચવવી પડશે. આખરે કોઈ નક્કર સમાધાન થયા વગર બેઠક પૂર્ણ થઈ હતી.

હવે આ બન્ને મંત્રીઓ મુખ્યમંત્રી વિજય રૃપાણી સાથે ચર્ચા કરશે. ત્યાર બાદ કોઈ આખરી નિર્ણય લેવાશે. આવતીકાલે બુધવારે ફરીથી શાસક-વિપક્ષ વચ્ચે ચર્ચા થયા બાદ સમાધાનની કોઈ ફોર્મ્યુલા તૈયાર થાય તેવી શક્યતાઓ છે.

More Stories:-


Post Your Comment