નરોડામાં સગર્ભાને પડોશીએ પેટમાં લાત મારતાં બાળકનું મોત


નરોડામાં સગર્ભાને પડોશીએ પેટમાં લાત મારતાં બાળકનું મોત

- નરોડામાં બાળકોની તકરારમાં ઠપકો આપતાં

- પિયરમાં રહેતા મહિલાના પડોશી દંપતીએ માર મારી 'તને તો જીવતી છોડવાની નથી' કહી ધમકી આપી હતી


અમદાવાદ, તા. 22 એપ્રિલ, 2018, રવિવાર

નરોડામાં બાળકોની તકરારે મોટું સ્વરૃપ ધારણ કર્યું હતું. જેમાં બાળકોને ઠપકો આપવા ગયેલી ગર્ભવતી મહિલાને પડોશી દંપતીએ મારઝૂડ કરીને પેટમાં લાત મારી હતી, જેથી સારવાર દરમિયાન મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નરોડા પોલીસે દંપતિ સામે ગુનો નોધી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડા પાટિયા નજીક એસટી વર્કશોપ પાસે હુસેનનગરની ગલીમાં રહેતા શબાનાબાનું કુરેશીએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૦ ના રોજ બાળકો સાથે પિતાના ઘેર હતી ત્યારે રાત્રે ૯.૩૦ વાગે બાળકો ઘર પાસે રમતા હતા આ સમયે પડોશમાં રહેતા રફીકભાઇ મન્સુરીની દિકરી મહિલાના દિકરીઓને તુમ તો કુત્તે કી બિરયાની ખાતે હો કહીને ચિડાવતી હતી. જેથી દિકરાઓ ઘરમાં આવીને વાત કરતાં માતા પડોશીની દિકરીને ઠપકો આપવા ગઇ હતી.

આ સમયે રફિકભાઇ મન્સુરી તથા તેમની પત્ની તસ્લીમ એક દમ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલતા હતા તેમને ગાળો બોલવાની ના પાડતાં મહિલા સાથે બન્ને જણાએ ઝપાઝપી કરીને ગડાદાપાટુનો માર મારવા લાગ્યા હતા. એટલું જ નહી રફીકભાઇ પેટમાં જોરથી લાત મારતાં મહિલા બેભાન થઇને નીચે બેસી ગઇ હતી. આ બનાવની જાણ થતાં પરિવારજનો અને પડોશીઓ દોડી આવ્યા હતા. તેમ છતાં બન્ને આરોપીઓ ગાળો બોલવાની ચાલુ રાખીને તને તો જીવતી છોડવાની નથી કહીને ધમકી આપી હતી.

મહિલાને પેટમાં અસહ્ય દુખાવો થતાં એમ્બ્યુલન્સ બોલાવીને મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં ડોક્ટરોએ મહિલાને સોનોગ્રાફિ કરીને ચેક કરતાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતુ, હાલ મહિલા સારવાર હેઠળ છે. આ બનાવ અંગે નરોડા પોલીસે દંપતિ સામે ગુનો નોધીને તેઓની ધરપકડ કરીને જેલના હવાલે કર્યા હોવાનું નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.વાઘેલાએ જણાવ્યું હતું.

More Stories:-


Post Your Comment