ગુજરાતમાંથી વીએચપીના ૬૦થી વધુ હોદ્દેદારોનાં સામૂહિક રાજીનામાં


ગુજરાતમાંથી વીએચપીના ૬૦થી વધુ હોદ્દેદારોનાં સામૂહિક રાજીનામાં

- નારાજ કાર્યકરોને મનાવવા ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરવું પડશે

- પ્રવીણ તોગડિયાની હકાલપટ્ટીથી વીએચપીના મોટાભાગના કાર્યકરોમાં નારાજગી : નારાજ કાર્યકરોએ સૂત્રોચ્ચાર


અમદાવાદ, તા.14 એપ્રિલ, 2018, શનિવાર

વિશ્વ હિંદુ પરિષદમાંથી પ્રવીણ તોગડિયાની ૩૨ વર્ષ બાદ વિદાય થઇ છે. જેની સાથે જ આગામી દિવસોમાં વિશ્વ હિંદુ પરિષદ-ગુજરાત પાંખમાંથી અનેક કાર્યકરો રાજીનામા આપે તેવી સંભાવના સર્જાઇ છે. પ્રવીણ તોગડિયાનો 'પરાજય'થયો તેના ગણતરીના કલાકોમાં ગુજરાતના ૮ જિલ્લામાંથી વિશ્વ હિંદુ પરિષદના ૬૦થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે.

વીએચપી-ગુજરાતના મોટાભાગના હોદ્દેદારો હાલ ગુરુગ્રામમાં છે અને તેઓ આવતીકાલે ગુજરાતમાં પરત ફરશે. તેઓ પરત ફરતાની સાથે જ પ્રવીણ તોગડિયાની હકાલપટ્ટીના વિરોધમાં સામૂહિક રાજીનામા આપી શકે છે. આજે વીએચપીના કેટલાક કાર્યકરોએ અમદાવાદમાં વીએચપીની ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા.  વીએચપીના વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું કે, ' વિશ્વ હિંદુ પરિષદ-ગુજરાત પાંખ અને પ્રવીણ તોગડિયા એકમેકના પૂરક જ બની ગયા છે.

ગુજરાતમાંથી વીએચપીના મોટાભાગના કાર્યકર્તાઓ પ્રવીણ તોગડિયાને જ સર્વેસર્વા માને છે. જેના કારણે પ્રવીણ તોગડિયાના પરાજયથી તેમનામાં પણ અસંતોષ છે. પરંતુ આ કાર્યકરો પ્રવીણ તોગડિયા સાથે બેઠક બાદ આગામી ૪૮ કલાકમાં રણનીતિ ઘડશે. 'આ નારાજ કાર્યકરો મંગળવારે પ્રવીણ તોગડિયા સાથે આમરણાંત ઉપવાસમાં બેસે તેવી પણ સંભાવના છે.

બીજી તરફ લોકસભાની ચૂંટણી માટે હવે એક વર્ષનો સમય બાકી છે અને તેના અગાઉ ગુજરાતમાંથી વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો કેટલી મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેનાથી ભાજપ વાકેફ છે. જેના કારણે ભાજપ આ નારાજ કાર્યકર્તાઓને વહેલી તકે મનાવીને ઘીના ઠામમાં ઘી પડે તેના માટે પૂરા પ્રયાસ કરશે.  બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદના નવા અધ્યક્ષ નવેસરથી પૂરી ટીમ તૈયાર કરે તેવી પણ સંભાવના છે.

More Stories:-


Post Your Comment