પ્રહલાદ બીડીવાળા જીતેન્દ્ર પટેલની બિમારી અંગે પોલીસે તપાસ હાથ ધરી


પ્રહલાદ બીડીવાળા જીતેન્દ્ર પટેલની બિમારી અંગે પોલીસે તપાસ હાથ ધરી

- કૌટુંબિક ઝઘડો કે મિલકતનો વિવાદ ન હોવાનું પરિવારજનોનું પોલીસ સમક્ષ નિવેદન


અમદાવાદ, તા. 12 માર્ચ 2018, સોમવાર

કર્ણાવતી ક્લ્બ પાછળ સ્પિંગવેલી સોસાયટીના બંગલો નંબર ૧૫ માં રહેતા પ્રહલાદ બિડીવાળા જીતેન્દ્રભાઈ પટેલની ગોળી મારીને આત્મહત્યા કરી લેવાના બનાવમાં પોલીસે તેમની બિમારી અંગે તપાસ હાથ ધરી છે. તે સિવાય બનાવની જાણ થયા બાદ તાત્કાલિક પોલીસને જાણ કેમ ન કરાઈ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

ડીસીપી ઝોન-૭ આર.જે.પારગીના જણાવ્યા મુજબ જીતેન્દ્રભાઈ પટેલ બહોળો પરિવાર ધરાવે છે. અમે તેમના પરિવારજનો, ભાઈઓ અને અન્ય સંબંધીઓની પુછપરછ કરી હતી. જોકે તેમણે મિલકત કે ધંધાકીય મુશ્કેલી ન હોવાનું જણાવ્યું હતું. તે સિવાય કોઈ કૌટુંબિક વિવાદ પણ નથી, એમ તોમણે જણાવ્યું હતું. તેમને ડિપ્રેશનની બિમારી હતી અને શરૃઆતમાં તેમણે દવા લીધી હતી. જોકે થોડા વખતથી તે દવા લેતા ન હતા.

જીતેન્દ્રભાઈ મોડે સુધી તેમના રૃમમાં ટીવી જોતા હતા. તેમની સામેના રૃમમાં જ ઊંઘતા તેમના પત્નીએ ૧૧ માર્ચના રોજ સવારે ૬.૩૦ વાગ્યે તેમના રૃમમાં જોયું તો પતિ બેડરૃમમાં લોહીલુહાણ હાલતમાં નજરે ચડયા હતા અને હાથની નજીક તેમની વેબ્લી રિવોલ્વર પડી હતી. બાદમાં તેમણે ઊપરના રૃમમાં સુતા તેમના પુત્ર ચિંતનને જાણ કરતા તે નીચે દોડી આવ્યો હતો. તેણે ૮ વાગ્યા બાદ પોલીસ કંટ્રોલરૃમમાં ફોન કરીને બનાવ અંગે જાણ કરી હતી. જેને પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે આવી હતી.

પોલીસને જાણ કરવામાં બે કલાક કેમ લાગ્યા એ અંગે પારગીએ તપાસ ચાલી રહી છે એમ જણાવ્યું હતું. તે સિવાય જીતેન્દ્રભાઈની બિમારી અંગે પણ તપાસ ચાલી રહી છે. તેમણે શા માટે આ પગલું ભર્યું તે અંગે સરખેજ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

More Stories:-


Post Your Comment