નર્મદાના પાણીનો હિસાબ માંગવા આવેલા ખેડૂતોની અટકાયત


નર્મદાના પાણીનો હિસાબ માંગવા આવેલા ખેડૂતોની અટકાયત

- લોન માફી અને પૂરતા ટેકાના ભાવની સાથે

- ગુજરાત કિસાન સંગઠન દ્વારા પાંચ દિવસના ધરણાંનું ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આયોજન કરવામાં આવ્યું


ગાંધીનગર, તા. 12 માર્ચ, 2018, સોમવાર

રાજ્યમાં સરકારની અનેક નીતિઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહયો છે ત્યારે સરકાર પાસે પડતર માંગણીઓ સંદર્ભે  આજથી પાંચ દિવસના ધરણાં ઉપર બેઠેલા ખેડૂતોની પોલીસે સત્યાગ્રહ છાવણી ખાતેથી ધરપકડ કરી લીધી છે. ગાંધીનગરમાં હવે ધરણાં ઉપર બેસવું પણ ગુનો હોય તે પ્રકારના પોલીસના વર્તનથી ખેડૂતોમાં વધુ રોષ ભભુકી ઉઠયો છે. વિધાનસભાનું સત્ર ચાલી રહયું છે ત્યારે સરકારે કોઈપણ વિરોધ સહન કરવા ના માંગતી હોય તેવું દ્રશ્ય ઉપસી રહયું છે. ત્યારે હવે ખેડૂતો આ મુદ્દે આક્રમક વલણ અપનાવે તેવું લાગી રહ્યું છે.

રાજય સરકાર એકબાજુ ખેડૂતોના હિતની વાતો કરે છે પરંતુ જ્યારે ખેડૂતો પોતાની માંગણીઓ સંદર્ભે રજૂઆત કરવા પહોંચે ત્યારે તેમના સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવે છે. અખિલ ભારત કિસાન સભાના નેજા હેઠળ ગુજરાત કિસાન સંગઠન દ્વારા આજથી પાંચ દિવસ સુધી સે-૬ ખાતે આવેલી સત્યાગ્રહ છાવણીમાં ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની માંગણી હતી કે સરકાર નર્મદાના પાણી અને કલ્પસરના કામનો હિસાબ આપે, ખેડૂતોને દેવા માફી આપી પાક વિમો આપે, ખેડૂતોને ઉપજના ટેકાના વ્યાજબી ભાવ આપે, વીજબીલમાં વિસંગતતાના બદલે તેમાં માફી આપવામાં આવે અને ખેડૂત વિરોધી કાયદાઓ રદ કરવામાં આવે.

આ માંગણીઓ સાથે ૨૦થી વધુ ખેડૂતો ધરણાં ઉપર બેઠા હતા ત્યારે પોલીસે તેમની બળજબરીપૂર્વક અટકાયત કરી લેતાં ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો હતો. ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહયું છે ત્યારે ખેડૂતોની સાથે અન્ય સંગઠનો પણ માંગણીઓ સાથે આવી રહયા છે ત્યારે તેમની રજુઆતો સાંભળવાના બદલે આ પ્રકારની પોલીસ કાર્યવાહી થવાના કારણે લોકોમાં સરકાર સામે પણ રોષ ભભુકી ઉઠયો છે.

More Stories:-


Post Your Comment