પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બદલાતાં જ ગેરશિસ્ત સામે શિક્ષાત્મક પગલાં લેવાની વાતનું ફિંડલું વળ્યું


પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બદલાતાં જ ગેરશિસ્ત સામે શિક્ષાત્મક પગલાં લેવાની વાતનું ફિંડલું વળ્યું

- કોંગ્રેસમાં નવી ગિલ્લી,નવો દાવ જેવો ઘાટ સર્જાયો

- અડિંગા જમાવી બેઠેલા નેતાઓને હાંકી કાઢવા ફરિયાદોનો ઢગલો ૧૦૦થી વધુ તાલુકા પ્રમુખો લાંબા સયમથી બદલાયા


અમદાવાદ, તા. 22 એપ્રિલ, 2018, રવિવાર

કોંગ્રેસના સંગઠનમા આમૂલ પરિવર્તન કરવા તૈયારીઓ થઇ રહી છે પણ ગુજરાત કોંગ્રેસમાં નવી ગિલ્લી,નવો દાવ જેવો ઘાટ સર્જાયો છે કેમકે, વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિને હાંકી કાઢવા ખુદ હાઇકમાન્ડે આદેશ કર્યો હતો પણ પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મળતિયાઓને સાચવવા આ વાત પર ઠંડુ પાણી રેડી દીધુ હતું. હવે પ્રદેશ પ્રમુખ બદલાતાં જ આ મુદ્દાનું જાણે ફિંડલુ વળી ગયુ છે જેથી કાર્યકરોમાં રોષ ભભૂક્યો છે.

ગુજરાત કોંગ્રેસમાં યુવા-પાયાના કાર્યકરોને સંગઠનમાં જોડવા રાહુલ ગાંધીએ નક્કી કર્યુ છે.નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અત્યારે જીલ્લે જીલ્લે ફરીને કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યાં છે ત્યારે માત્ર હોદ્દા ભોગવતા,પક્ષમાં વર્ષોથી અંડિગા જમાવીને બેઠેલાં તાલુકા,જીલ્લા કક્ષાથી માંડીને પ્રદેશ કક્ષાના નેતાઓને હાંકી કાઢવા ઢગલાબંધ ફરિયાદો મળી છે.પક્ષમાં અત્યારે જૂનાજોગીઓ પ્રત્યે ભારોભાર અસંતોષ છે. એવી ફરિયાદો મળી છેકે, ૧૦૦થી વધુ તાલુકાઓમાં તો ઘણાં વખતથી બદલાયા નથી.પક્ષના કાર્યક્રમની કાર્યકરોને જાણ કરાતી નથી.મિટિંગોમાં કાર્યકરોને બોલાવાતાં નથી.

માત્ર ગણતરીના કાર્યકરો જ તાલુકા-જીલ્લા કક્ષાના સંગઠન પર કબજો જમાવીને બેઠાં છે.પક્ષ માટે કામ કરનારાંને તક જ આપવામાં આવતી નથી.અમદાવાદમાં ય શહેર પ્રમુખે રાજીનામુ ધર્યુ હોવા છતાંય તેમને હજુય તક આપવામાં આવી રહી છે.અન્ય શહેરોમાં ય આવી જ દશા છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી કાર્ય કરનારાં સામે પગલાં ભરવામાં ય નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને જરાય ઉતાવળ નથી જેથી આ મુદ્દો ય ચર્ચાનો વિષય બન્યો છે.આમ,નવા સંગઠનની રચનાના બહાને પક્ષવિરોધી સામે પગલાં ભરવાની વાત પર ઠંડુ પાણી રેડી દેવા કોશિશ થઇ રહી છે.

સંગઠનમાં કોને નિમણૂકો આપવી તે માટે અલાયદી કમિટી નિમાશે
ગુજરાતની ઘરડી કોંગ્રેસમાં પ્રાણ પૂરવા યુવા કાર્યકરોને સંગઠનમાં સમાવવા આયોજન થઇ રહ્યુ છે.સૂત્રો કહે છેેેકે, અત્યારથી નેતાઓ પોતાના મળતિયા-માનિતાને સંગઠનમાં ગોઠવવા મથામણ કરી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ સગાવાદને બદલે પરર્ફોમન્સ બેઇઝ્ડ કોંગ્રેસ બનાવવા માંગે છે જેથી તાલુકા,જિલ્લાથી માંડીને પ્રદેશના માળખામાં કોને ગોઠવવા તે અંગે પસંદગી કરવા ચાર-છ સભ્યોની એક કમિટી બનાવવા નક્કી થઇ રહ્યુ છે. જે નામોની ભલામણ થશે તે માટે કાર્યકર તે હોદ્દા માટે યોગ્ય છે કે નહી તે ચકાસીને સંગઠનમાં હોદ્દો આપવા વિચારણા ચાલી રહી છે. જો આ વખતે જૂથવાદને ઠારવા માનિતાઓને સંગઠનમાં ગોઠવાશે તો કોંગ્રેસમાં મોટો ભડકો થાય તેવી સંભાવના છે.

More Stories:-


Post Your Comment