સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વિપક્ષ-શાસકપક્ષમાં ખેંચતાણ


સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વિપક્ષ-શાસકપક્ષમાં ખેંચતાણ

- ગુજરાત વિધાનસભામાં

- નિયમો તમામ ધારાસભ્યોને લાગુ પડતા હોઈ દાખલ કરવા કોંગ્રેસની માંગ : સમાધાનથી ઉકેલ લાવી શકાય છે : CM


અમદાવાદ, તા. 20 માર્ચ, 2018, મંગળવાર

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વિરુદ્ધ વિપક્ષ કોંગ્રેસ દ્વારા દાખલ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તને ગૃહમાં લાવવી તેના પર ચર્ચા અને મતદાન કરવાના મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે જબરજસ્ત ખેંચતાણ ચાલી રહી છે. વિપક્ષ કહે છે કે વિધાનસભા ગૃહ નક્કી કરાયેલા નિયમોથી ચાલે છે. તમામ ૧૮૨ ધારાસભ્યોને નિયમો લાગુ પડે છે. દરખાસ્ત ગૃહમાં આવવી જ જોઈએ. જ્યારે શાસક પક્ષ કહે છે કે ઉચ્ચ પરંપરાને જાળવી રાખવા માટે પણ ગૃહની બહાર સમાધાન થઈ શકતું હોય તો કરવું સૌ માટે હિતકારક છે.

મંગળવારે પ્રશ્નોત્તરી કાળ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉભો કરતા ગૃહમાં કહ્યું હતું કે, અમારા સભ્યએ અધ્યક્ષની સામે યોગ્ય ફોરમેટમાં અધ્યક્ષ સામેના અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેની ૧૪ દિવસની મુદત પૂરી થયાના ૭ દિવસની અંદર ચર્ચા માટે ગૃહમાં લાવવો પડે. આજે ૭મો દિવસ પૂર્ણ થઈ રહ્યો હોવા છતાં ગૃહના કામકાજમાં નથી, જે ખૂબ જ દુ:ખદ બાબત છે. અધ્યક્ષે આ દરખાસ્તને આજે જ ગૃહમાં ચર્ચામાં લાવવી જોઈએ જેથી લોકશાહીની ગરીમા જળવાઈ રહે.

જેની સામે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ગરીમા જળવાઈ રહે તે જરૃરી છે. અત્યાર સુધીનાં ઇતિહાસમાં જ્યારે પણ આવી દરખાસ્તો મુકાઈ છે પરંતુ ચર્ચામાં આવી નથી. અધ્યક્ષનો નિર્ણય કોઈને સાચો તો કોઈને ખોટો લાગે છે. ભૂતકાળની પરંપરાને જાળવીને ગૃહની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે પણ આ દરખાસ્ત પર ચર્ચા કે મતદાનને ટાળવું જોઈએ. આમ છતાં જે કોઈ પ્રશ્ન ઉભો થયો છે તેને બહાર વાતચીત દ્વારા સમાધાન લાવવું જોઈએ. આમ છતા જો વિપક્ષ ચર્ચા જ ઈચ્છશે તો સરકાર તેના માટે પણ તૈયાર છે. અધ્યક્ષની સામે મોટું મન રાખીને વિચારવાની જરૃર છે.

જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ કહ્યું હતું કે, અધ્યક્ષ તટસ્થાથી ગૃહનું સંચાલન કરી રહ્યા છે. આજે પણ વિપક્ષનાં ઘણા સભ્યોને વધુ તક આપી ઉદારતા દાખવી છે. મારામારીની જે ઘટના બની તે કલંકિત દિવસ છે. વિપક્ષ એકબાજુ નિયમોનો આગ્રહ રાખે છે. પરંતુ આ પ્રશ્નનું સુખદ નિરાકરણ થાય તેવી સૌ કોઈની ઈચ્છા છે. પરંતુ અવિશ્વાસની દરખાસ્ત માટે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.

જ્યારે કોંગ્રેસનાં ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે તાલી એક હાથથી વાગતી નથી. અધ્યક્ષની ખુરશીની મર્યાદા છે. સત્તાધારી ભાજપ બહુમતીના જોરે કોઈપણ પ્રસ્તાવ મુકી શકે છે અને અધ્યક્ષે તેના પર મતદાન કરાવવું જ પડતું હોય છે. પરંતુ કોંગ્રેસનાં ત્રણ સભ્યોને નિયમો વિરુદ્ધ સજા કરાઈ છે. સરકારે મોટા દિલથી તે અંગે ફરીથી વિચારવું જોઈએ. આ તબક્કે સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રીની વાત વ્યવહારું છે. કોઈ વ્યક્તિ બધા માટે સર્વસંમત નથી હોતી. બંધ બારણે બેસીને સમાધાનથી પ્રશ્નનો નિવેડો લાવવાની વાતને હું સમર્થન આપું છું.

શંકા ન રાખશો, બધું નિયમો મુજબ થશે : અધ્યક્ષ
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે દરખાસ્તને ગઈકાલે જ ૧૪ દિવસ પૂરા થયા છે. હવેના ૭ દિવસમાં ચર્ચા-મતદાન માટે ગૃહમાં લાવવાની થાય છે. આ ગૃહની ગરીમા માટે હું જાગ્રત છું. જોગવાઈ અને નિયમો મુજબ જ હું વર્તીશ કોઈએ શંકા રાખવાની જરૃર નથી. બધું નિયમો મુજબ થશે. અત્યારે હું ધાનાણીના પોઇન્ટ ઓફ ઓર્ડરને રદ કરું છું.

More Stories:-


Post Your Comment