અમદાવાદ-લખનૌની ફ્લાઇટ હવામાં હતી ત્યાં જ એરક્રાફ્ટનું એન્જિન બંધ


અમદાવાદ-લખનૌની ફ્લાઇટ હવામાં હતી ત્યાં જ એરક્રાફ્ટનું એન્જિન બંધ

- પાયલોટે સમયસૂચક્તા દર્શાવતા ઇમરજન્સી લેન્ડિંગ

- અમદાવાદથી ફ્લાઇટે ઉડાન ભર્યાને ૪૦ મિનિટ થઇ ત્યાં જ એક એન્જિન બંધ પડયું : ૧૮૭ મુસાફરોના જીવ તાળવે


અમદાવાદ, તા. 12 માર્ચ, 2018, સોમવાર

ફ્લાઇટ હવામાં હોય અને તેનું એક એન્જિન બંધ થયાની ઘટના સામે આવે તો જીવ કેટલો તાળવે ચોંટી શકે છે તેનો અનુભવ આજે અમદાવાદથી લખનૌ જતા મુસાફરોને થઇ ગયો છે. ઇન્ડિગોની ફ્લાઇટના અમદાવાદથી ટેક્ ઓફ્ થયાના ૪૦ મિનિટ બાદ એરક્રાફ્ટનું એક એન્જિન બંધ પડયું હતું. પાયલોટે સમયસૂચક્તા દર્શાવી આ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવતા ૧૮૭ મુસાફરોએ યમરાજાને હાથતાળી આપીને પરત આવ્યા હોય તેવો હાશકારો અનુભવ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે ડીજીસીએ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેના મુસાફરોને બપોરે અન્ય એક ફ્લાઇટ દ્વારા લખનૌ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્ડિગોની ફ્લાઇટ ૬ઇ ૨૪૪ સવારે ૮:૩૫ કલાકે અમદાવાદથી લખનૌ જવા માટે રવાના થઇ હતી. આ ફ્લાઇટના ટેક્ ઓફ થયાને ૪૦ મિનિટ માંડ થઇ હશે ત્યાં સવારે ૯:૩૮ વાગે પાયલોટને જાણ થઇ કે એરક્રાફ્ટનું બીજું એન્જિન બંધ પડી ગયું છે. પાયલોટે તાકીદે અમદાવાદ એરપોર્ટના એર ટ્રાફિક કન્ટ્રોલમાં જાણ કરી હતી જ્યાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું હતું કે, 'સવારે ૧૦ બાદ રન-વે રીસરફેસિંગનું કામ શરૃ થતાં હોવા છતાં ઘટનાની ગંભીરતા જોઇને અમે આ ફ્લાઇટના લેન્ડિંગ માટે મંજૂરી આપી દીધી હતી. ફ્લાઇટનું સલામત રીતે લેન્ડિંગ થાય નહીં ત્યાં સુધી અમદાવાદ એરપોર્ટમાં ફુલ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. ' આ ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગને પગલે સાત ફ્લાઇટના ડિપાર્ચર થવામાં વિલંબ થયો હતો.  બપોરે ૩:૩૪ કલાકે અન્ય એક એરક્રાફ્ટ દ્વારા આ મુસાફરોને લખનૌ મોકલવામાં આવ્યા હતા.  આ ફ્લાઇટ સામાન્ય રીતે સવારે ૮:૩૫ના રવાના થઇને સવારે ૧૦:૩૫ વાગે લખનૌ પહોંચતી હોય છે. જેના સ્થાને સાંજે ૫:૧૭ કલાકે લખનૌ પહોંચી શકી હતી.

૧૧ એરક્રાફ્ટના ઉડ્ડયન પર પ્રતિબંધ
અમદાવાદથી લખનૌ જતી ઇન્ડિગોના એ૩૨૦ એરક્રાફ્ટનું એન્જિન હવામાં ફેઇલ થયાની ઘટના સામે આવ્યા બાદ ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન (ડીજીસીએ) દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. જેના ભાગરૃપે ડીજીસીએ દ્વારા એ૩૨૦ નીયો એરક્રાફ્ટની પ્રાટ્ટ એન્ડ વ્હિટનીની અમુક સિરીઝના  ૧૧ એરક્રાફ્ટના ઉડ્ડયન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે ૧૧ એરક્રાફ્ટના ઉડ્ડયન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમાંથી ૮ ઇન્ડિગોના અને ૩ ગો એરના છે. ડીજીસીએએ એક યાદીમાં જણાવ્યું છે કે, 'ઇન્ડિગોની ફ્લાઇટનું એન્જિન બંધ થયાની ઘટના બાદ અમે આ નિર્ણય લીધો છે. મુસાફરોની સલામતી અગ્રતક્રમે આવે છે અને તેમાં બાંધછોડ ચલાવી લેવાશે નહીં. '  

મોતને હાથતાળી આપી હોય તેમ પેસેન્જરોએ અનુભવ્યું
આ ફ્લાઇટના એક પેસેન્જરે જણાવ્યું કે, 'અમારી ફ્લાઇટના ઉડાન ભરે અંદાજે ૪૦ મિનિટ થઇ હશે ત્યાં પાયલોટ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઇટને ફરી અમદાવાદ લઇ જવી પડશે. એ સમયે એન્જિન બંધ પડી ગયાનો અમને  ખ્યાલ નહોતો. અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ એન્જિન બંધ પડી ગયું હોવાની જાણ થઇ ત્યારે હવે મોતને હાથતાળી આપીને આવ્યા હોઇએ તેમ અનુભવાય છે. પાયલોટે  સમયસૂચક્તા દર્શાવી હતી. '

More Stories:-


Post Your Comment