અમદાવાદના ૫૦ હજાર આધારકાર્ડના દસ્તાવેજી પુરાવા મ્યુનિ.ને મળ્યા નથી


અમદાવાદના ૫૦ હજાર આધારકાર્ડના દસ્તાવેજી પુરાવા મ્યુનિ.ને મળ્યા નથી

-મ્યુનિ. તંત્રની વધુ એક ઘોર બેદરકારી બહાર આવી

-કોન્ટ્રાકટરે પાંચ મહિનાથી કર્મચારીઓને પગાર નહીં આપતા હાટકેશ્વરમાં કામ બંધ કરી દેતા લોકોએ ઝોનલ કચેરી


અમદાવાદ, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર

અમદાવાદ નાગરિકોના કાઢવામાં આવેલાં આધારકાર્ડમાંથી ૫૦ હજારના અસલ દસ્તાવેજી પુરાવા હજુ પણ મ્યુનિ. કોર્પોરેશનને આધારકાર્ડ માટે રોકેલા ત્રણ કોન્ટ્રાક્ટરોએ આપ્યા નહીં હોવાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.

દરમ્યાનમાં આજે હાટકેશ્વર-ભાઈપુરાની સબઝોનલ કચેરીના આધારકાર્ડ કાઢતાં કર્મચારીઓએ તેમની કામગીરી અચાનક બંધ કરી દેતાં ગુસ્સે ભરાયેલાં લોકોએ સબઝોનલ કચેરીને બંધ કરીને બહાર તાળું મારી દીધું હતું. મ્યુનિ.વર્તુળમાં આ બાબતના ગંભીર પ્રત્યાઘાતો પડયા છે.

આ અંગેની વિગતો એવી છે કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી લોકોના આધારકાર્ડ કાઢવા માટેની કામગીરી ચાલે છે. મ્યુનિ. કોર્પોરેશને આ કામગીરી કરવાની હતી જે માટે ત્રણ ખાનગી કોન્ટ્રાકટરોને રોક્યા છે. ટેન્ડરની શરત મુજબ જેનું પણ આધાર કાર્ડ નીકળે તેના અસલ દસ્તાવેજી પુરાવા મ્યુનિ. કોર્પોરેશનને જમા કરાવવાના હતા અને મ્યુનિ.એ આ પુરાવા દિલ્હી ખાતે મોકલવાના હતાં.

પરંતુ આ કોન્ટ્રાકટરોએ સમયસર લોકોના રહેઠાણ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત વગેરેના દસ્તાવેજી પુરાવા મ્યુનિ.માં જમા કરાવ્યા નથી. બીજી તરફ મ્યુનિ.ના બેદરકાર તંત્રએ સમયસર તેની ઉઘરાણી પણ કરી નથી.

બીજી તરફ દિલ્હીથી પુરાવા માગવાનું શરૃ થતાં સફાળા જાગેલાં મ્યુનિ. તંત્રએ ખાનગી કોન્ટ્રાકટરોને નોટિસો ફટકારવાનું ચાલુ કર્યું હતું. છેલ્લા ૧૦ મહિનાથી આ કોન્ટ્રાકટરોને પેમેન્ટ કરવાનું પણ બંધ કરી દીધું છે.

આ સંજોગોમાં કોન્ટ્રાકટરે તેના કર્મચારીઓને પાંચ મહિનાથી પગાર નથીઆપ્યો. જેના ગુસ્સાના ભાગરૃપે હાટકેશ્વર-ભાઈપુરાના કર્મચારીઓએ કામ બંધ કરી દીધું હોવાનું જણાય છે. જેની સામે આધારકાર્ડ માટે આવેલા લોકોએ કચેરીને જ તાળું મારી દીધું.

દરમ્યાનમાં દબાણ કર્યા બાદ આ કોન્ટ્રાકટરોએ કેટલાંક પુરાવા જમા કરાવ્યા છે. હાલ મ્યુનિ. અધિકારી-કર્મચારીઓ આ પુરાવા બરાબર છે કે નહીં ? કેટલા આવ્યા ? કેટલા બાકી છે ? તેની ચકાસણીમાં પડયા છે. ચોક્કસ આંકડો તો ઉચ્ચ અધિકારીઓને પણ ૧૦ મહિના પછી પણ ખબર નથી પડી. ૪૦ કે ૫૦ હજાર હશે તેવો અંદાજીત આંકડો આપવામાં આવે છે.

મ્યુનિ.ના તમામ વિભાગોમાં પોલમપોલ જ ચાલે છે, કોઇને કોઇનો ડર જ ના હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. ઉચ્ચ અધિકારીઓએ પણ રિવ્યૂ મીટીંગમાં આ અંગે પૃચ્છા કર્યા બાદ જવાબદારી કોની, તે દિશામાંકોઈ જ તપાસ કરાવી નથી. બેદરકારી અને ભ્રષ્ટાચારને ઉચ્ચ અધિકારીઓ સહજતાથી લેવા એહદે ટેવાઈ ગયા છે કે કર્મચારીઓ પણ ડર વગરના 'સહજ' થઇ ગયા છે.

More Stories:-


Post Your Comment