ધો.૧૦-૧૨ની પરીક્ષાનાં પ્રથમ દિવસનાં પેપર સરળ : ત્રણ ડમી વિદ્યાર્થી ઝડપાયા


ધો.૧૦-૧૨ની પરીક્ષાનાં પ્રથમ દિવસનાં પેપર સરળ : ત્રણ ડમી વિદ્યાર્થી ઝડપાયા

- ધો.૧૦માં પ્રથમ ભાષાનું,ધો.૧૨માં એકાઉન્ટ,ફિઝિક્સનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ

- દાહોદમાંથી પેપર લીક થયાની અફવાને પગલે તંત્ર દોડતું થયું


અમદાવાદ, તા. 12 માર્ચ, 2018, સોમવાર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે.જેમાં આજે પ્રથમ દિવસે ધો.૧૦ અને ૧૨ના તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓએ ખુશી અનુભવી હતી.જો કે પ્રથમ દિવસે જ દાહોદ જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રમાં પેપર લીક થયાનુ આયોજન થઈ રહ્યુ હોઈ અને માસ કોપીની ઘટના બનવાની હોઈ તેવી બાતમી મળતા તંત્ર દોડતુ થયુ હતું.જ્યારે તમામ કેન્દ્રોમાંથી મળતા આંકડા મુજબ ૩ ડમી વિદ્યાર્થી સહિત ૧૦ કોપી કેસ નોંધાયા છે.

બોર્ડની પરીક્ષામા આજે પ્રથમ દિવસે સવારે ૧૦થી૧:૨૦ દરમિયાન ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના પેપરની પરીક્ષા હતી.પ્રથમ ભાષાના તમામ પેપરો એકંદરે સરળ રહ્યા હતા.ધો.૧૦ની પરીક્ષામાં ૮૮૦૧૧૦ વિદ્યાર્થીમાંથી ૧૬૪૨૦ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.ધો.૧૨ સા.પ્ર.માં એકાઉન્ટની પરીક્ષામાં ૨૨૦૦૫૮ વિદ્યાર્થીમાંથી ૨૩૧૪ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.જ્યારે ધો.૧૨ સાયન્સની ફિઝિક્સની પરીક્ષામાં ૧૩૭૪૭૧ વિદ્યાર્થીમાંથી ૩૨૯ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.આ ઉપરાંત આજે પ્રથમ દિવસે ધો.૧૦માં સાહિત્યમ વિષયની અને સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત વિષયની પણ પરીક્ષા લેવાઈ હતી.

આજે પ્રથમ દિવસના ધો.૧૦ અને ૧૨ સાયન્સ અને કોમર્સના તમામ પેપરો એકંદરે સરળ રહ્યા હતા.જો કે ફિઝિક્સના પેપરમાં કેટલાક વિદ્યાર્થીઓને પેપર થોડું લાંબુ લાગ્યુ હતુ અને દાખલાના પ્રશ્નોને બદલે થીયરીકલ પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓને પેપર પુરુ કરવામા મુશ્કેલી પડી હતી.જો કે એકંદરે પેપરો સરળ રહેતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ ખુશી અનુભવી હતી. બોર્ડ પરીક્ષાના શરૃ થયાના આજે પ્રથમ દિવસે જ દાહોદ જીલ્લાના એક પરીક્ષા સેન્ટરમાંથી ધો.૧૦નું પેપર લીક થયાની અફવાથી તંત્ર દોડતુ થયુ હતું.

કલેકટરને બાતમી મળતા ડીઈઓના અધિકારીઓ સાથે રેડ પાડી હતી અને સેન્ટરમાંથી કેટલુક સાહિત્ય પણ મળી આવ્યુ હતુ.આમ દાહોદ આ સેન્ટરમાં પેપર લીક કરવાનું અને માસ કોપી કરવાનું પણ પ્લાનિંગ થઈ રહ્યુ હોવાનું બોર્ડનું કહેવુ છે.જ્યારે ધો.૧૦માં કુલ ૬ કોપી કેસ પ્રથમ દિવસે થયા છે.જેમાં ખેડા, ભરૃચ,રાજકોટ અને સુરેન્દ્ર નગર જીલ્લામાં એક-એક કોપી કેસ અને પાટણ જીલ્લામાં ૨ ડમી વિદ્યાર્થી પકડાયાનો કેસ નોંધાયો છે.

આ ઉપરાંત ધો.૧૨ની પરીક્ષામાં ૪ કોપી કેસ થયા  છે.પંચમહાલ જીલ્લામાં એક કોપી કેસ અને પાટણમાં ૧ ડમી વિદ્યાર્થી સહિત ૨ કોપી કેસ નોંધાયા છે.કેટલાક જીલ્લામાં પરીક્ષા કેન્દ્રોમાં સ્થાનિક અને સુવિધાના પ્રશ્નો તેમજ બોર્ડની બે રિસિપ્ટને લઈને પ્રવેશ સહિતના પ્રશ્નોને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી.

ગુજરાતી ભાષાને બચાવવા બોર્ડે માતૃભાષાનો નિબંધ પૂછવો પડયો
બોર્ડ પરીક્ષામાં આજે પ્રથમ દિવસે ધો.૧૦માં પ્રથમ ભાષાનું પેપર હતુ જેમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયના પેપરમાં પુછાયેલા નિંબંધમાં માતૃભાષાનું મહત્વ, દિકરી ઘરની દિવડી અને પ્રવાસનું મહત્વ સહિતના ત્રણ નિબંધો પુછાયા હતા.મહત્વનું છે કે ગુજરાતી વિષયમાં જ ગુજરાતી માધ્યમના દોઢથી બે લાખ વિદ્યાર્થીઓ નાપાસ થતા હોઈ ચિંતામા મુકાયેલી સરકારે હવે ગુજરાતી ભાષાને બચાવવાને પ્રયત્નો શરૃ કર્યા હોઈ ધો.૧૦ના વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ નિબંધ પુછવો પડયો હતો.આ ઉપરાંત અંગ્રેજી વિષયમાં ક્લીન એન્વાયરોમેન્ટ અને મોનસૂન ઈન ઈન્ડિયા તથા હિન્દી વિષયમાં સાહિત્ય ઔર સમાજ,પ્રદુષણ એક વિકટ સમસ્યા અને આંતકવાંદ એક વૈશ્વિક સમસ્યા વિષય પર નિબંધ પુછાયો હતો.

More Stories:-


Post Your Comment