યુવાનોને ખેતીમાં રસ નથી ? ગુજરાતના 92 ટકા ખેડૂતોની 40 વર્ષથી વધુ વયના


યુવાનોને ખેતીમાં રસ નથી ?  ગુજરાતના 92 ટકા ખેડૂતોની 40 વર્ષથી વધુ વયના

- જાણો કૃષિ અંગે થયેલા સર્વેના રસપ્રદ તારણો


અમદાવાદ, તા. 14. ફેબ્રુઆરી 2018 બુધવાર

ગુજરાતની ગણના ભલે કૃષિપ્રધાન રાજ્યોમં થતી હોય પરંતુ ગુજરાતમાં યુવા ખેડૂતોની સંખ્યા જૂજ છે.

ગુજરાતના કુલ ખેડૂતોમાં ૧૮થી ૩૦ વર્ષના ખેડૂતોની સંખ્યા માત્ર ૧.૮ ટકા જ છે. કૃષિ વિષયક અભ્યાક્રમનો પ્રસાર થયો હોવા છતા હાલ રાજ્યના યુવાનો ખેતીમાાં ઓછો રસ દાખવી રહ્યા છે.

ગુજરાતના કૃષિ ક્ષેત્રની ચર્ચા ચારેકોર થતી હોવા છતાં અહીં ખેતીમાં સૌથી ઓછા યુવાનો છે. રાજ્યમાં કુલ ૪૮,૮૦,૫૬૫ ખેડૂતો છે, જેમાંથી યુવાનો એટલે કે ૧૮થી ૩૦ વર્ષના ખેડૂતોની સંખ્યા માત્ર ૯૧,૧૫૮ છે. રાજ્યના લગભગ ૪૫ લાખ ખેડૂતો એટલે કે ૯૨ ટકા ખેડૂતોની ઉંમર ૪૦ વર્ષથી વધુ છે. કૃષિ સાથે જોડાયેલા ઇનપુટ સર્વેના વિવિધ આંકડાઓ તપાસતા જાણી શકાય છે કે ગુજરાતમાં ખેતી ક્ષેત્રે યુવાનોની સંખ્યા સૌથી ઓછી છે.

વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો રાજ્યમાં ખેતીક્ષેત્રે કાર્યરત સૌથી મોટું જૂથ ૫૧થી ૬૦ વર્ષના લોકોનું છે. મહેસાણા જિલ્લાની ગણતરી ભલે કૃષિક્ષેત્રના અગ્રેસર જિલ્લાઓ પૈકી થતી હોય પરંતુ મહેસાણા જિલ્લામાં ૧૮થી ૩૦  વર્ષના એકપણ ખેડૂતની નોંધણી થઈ નથી. કચ્છ જિલ્લો યુવા ખેડૂતોની સંખ્યામાં અગ્રેસર છે, જ્યાં ૧૮થી ૩૦ વર્ષના ૧૩,૦૩૩ ખેડૂતો છે.

અમરેલી, જામનગર અને ખેડામાં પણ યુવા ખેડૂતોની સંખ્યા અન્ય જિલ્લાઓની સરખામણીએ બહુ ઓછી છે. તો બીજી તરફ રાજ્યના ૧૩,૮૬,૬૬૦ ખેડૂતો નિરક્ષર છે. ગ્રેજ્યુએશન કે તેનાથી વધુનો અભ્યાસ ધરાવતા માત્ર ૮૫,૬૧૬ ખેડૂતો જ રાજ્યમાં છે. શિક્ષણના અભાવે ઘણીવાર વૈજ્ઞાાનિક અને ટેકનિકલ અભિગમ અપનાવવામાં મુશ્કેલી પડતી હોય છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કૃષિવિષયક અભ્યાસક્રમોનો પ્રસાર કરવા કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના તો કરી દીધી છે પરંતુ આ અભ્યાસ કર્યા બાદ યુવાનો કૃષિ સંલગ્ન બેન્કિંગ અથવા અન્ય નોકરી કરવાનું વધુ પસંદ કરે છે.

ખેતી કે ખેતીને લગતા પ્રેક્ટિકલ સંશોધનો સાથે જોડાવાનું બહુ ઓછા યુવાનો પસંદ કરે છે. યુવા ખેડૂતોની સંખ્યાને જો ગુજરાતના પાડોશી રાજ્યોના સંખ્યાબલ સાથે સરખાવવામાં આવે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા બમણા કે ત્રણ ગણા કે તેનાથી વધુ યુવા ખેડૂતો છે.

More Stories:-


Post Your Comment