અંકલેશ્વર: માંડવા ગામ પાસે બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત


અંકલેશ્વર: માંડવા ગામ પાસે બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત

- ટ્રેલર પાછળ ખાનગી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર અથડાતા 5નાં મોત


અંકલેશ્વર.તા, 23 જૂન 2018 શનિવાર

અંકલેશ્વર માંડવા ગામ પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મધ્યરાત્રિએ ઉભેલા ટ્રેલર ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર માતા પુત્રી સહિત પાંચ લોકોનાં કરૂણ મોત નીપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા વિસ્તારમાંથી બ્રહ્માણી ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ચાલક મુસાફરોને બેસાડી ભાવનગર જવા નીકળ્યો હતો.

જે દરમિયાન અંકલેશ્વર નજીક માંડવા ગામ પાસે મધ્યરાત્રિએ હાઈવે પર રોડની બાજુ પર ઉભેલા ટ્રેલર ટ્રક સાથે લક્ઝરી બસ ધડાકાભેર ભટકાઈ હતી. જેમાં બસનો એક તરફનો આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો.

ગોઝારા માર્ગ અકસ્માતમાં બસમાં સવાર પ્રવીણ ખેની, પ્રદીપ બાબર અને મમતા મેર તેમજ તેમની પુત્રી ધ્રુવી મેરનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતું જ્યારે ઈજાગ્રસ્ત કાળુભાઈ કોળીએ સુરતની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 7 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

મૃતકોની યાદી

1 પ્રવીણ અશામભાઈ ખેની ઉ.વ-45 ભાવનગર
2 પ્રદીપ મગનભાઈ બાબર ઉ.વ. 18 સુરત
3 મમતાબહેન મહેશભાઈ મેર ઉ.વ. 25 ભાવનગર
4 ધ્રૂવી મહેશભાઈ મેર ઉ.વ. 22 ભાવનગર
5 કાળુભાઈ વાલજીભાઈ કોળી ઉ.વ. 30 સુરત

ઈજાગ્રસ્તોની નામની યાદી

1 વિજય ભાલાભાઈ રાઠોડ ઉ.વ. 30 ભાવનગર
2 જીજ્ઞેશ મુકેશભાઈ જીવાણુ ઉ.વ. 25 સુરત
3 મહેશ વિશ્રામભાઈ સોલંકી ઉ.વ. 26 ભાવનગર
4 અક્ષય રમેશભાઈ પરમાર ઉ.વ. 18 સુરત
5 વિવેક મનસુખભાઈ ખેની ઉ.વ. 22 સુરત

ખાનગી બસોની રફ્તાર પર લગામ કસવાની જરૂર

અંકલેશ્વર માંડવા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર લક્ઝરી બસ ટ્રેલરમાં અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ નિર્દોષ મુસાફરોના મોત નીપજ્યા હતા. ખાનગી ટ્રાવેલ્સની બસોની તેજ રફ્તાર જ જવાબદાર હોવાની ફરિયાદો લોક મુખે ઉઠવા પામી છે.

રાત્રી દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર અને અમદાવાદથી મહારાષ્ટ્ર સહિતનાં સ્થળો પરથી અનેક ખાનગી બસો મુસાફરોને બેસાડીને દોડતી હોય છે, પરંતુ હાઈવેને પોતાના બાપની માલિકી સમજીને ખાનગી બસનાં ચાલકો બેફામ બસો દોડાવતા હોય છે અને અવારનવાર જીવલેણ અકસ્માતોની ઘટનાઓમાં નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાત્રિએ બેફામ દોડતી બસોની રફ્તાર પર લગામ કસવા માટે પણ લોક મુખે માંગ ઉઠી છે.

More Stories:-


Post Your Comment