વડોદરાઃ ટ્રાફિકની સૌથી વધારે સમસ્યા ધરાવતા વિસ્તારમાં જ ટ્રાફિક સિગ્નલ નથી


વડોદરાઃ ટ્રાફિકની સૌથી વધારે સમસ્યા ધરાવતા વિસ્તારમાં જ ટ્રાફિક સિગ્નલ નથી

- 2016થી લઈને અત્યારસુધી ફક્ત 34 જ ટ્રાફિક સિગ્નલ લગાવાયા છે


વડોદરા, તા.13. માર્ચ 2018 મંગળવાર

સ્માર્ટ સીટી અંતગર્ત અનેક પ્રોજેક્ટની હારમાળા સર્જાઈરહી છે. પરંતુ શહેરની મુખ્ય અને વિકટ એવી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત તો દૂર પરંતુ તેની સ્થિતિને કાબૂમાં રાખવા માટેના સિગ્નલ ક્યાંય દેખાતા જ નથી.

શહેરના સૌથી વધારે ટ્રાફિક ધરાવતા વિસ્તાર મુક્તાનંદ સર્કલ, નાગરવાડા, અમિતનગર સર્કલ, ગાય સર્કલ અકોટા ચાર રસ્તા, ઘડિયાળ સર્કલ, એલ એન્ડ ટી સર્કલ, કારેલી બાગ પાણીની ટાંકી ચાર રસ્તા,ગોરવા આઈટીઆઈ ચાર રસ્તા અને ગેંડા સર્કલ પાસે ક્યાંય સિગ્નલ જ નથી.

આટલા મોટા વડોદરા શહેરમાં ૨૦૧૬થી લઈને અત્યારસુધી ફક્ત ૩૪ જ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના ટ્રાફિક સિગ્નલ તો બંધ જ જોવા મળે છે. કોર્પોરેશનના ટ્રાફિક અને સિગ્નલ વિભાગના હેડના કહેવા પ્રમાણે 'જ્યાં ચાર રસ્તા અને ત્રણ રસ્તા આવતા હોય ત્યાં ટ્રાફિક સિગ્નલ લગાવવું અનિવાર્ય બની જાય છે. પોલીસ દ્વારા ઓર્ડર આવે ત્યારે અમે સિગ્નલ લગાવી શકીએ છે પરંતુ પોલીસ કહે છે અમારી પાસે સ્ટાફની અછત છે જેથી અમે સિગ્નલનું મેન્ટેનન્સ કરી શક્તા નથી.'

વડોદરામાં ટ્રાફિકની સમસ્યાને લીધે અકસ્માતોની વણઝાર પણ ચાલુ રહે છે, મોટા શહેરોમાં અનેક  ટ્રાફિક સિગ્નલ પર પોલીસ જોવા મળતી જ નથી લોકો સિગ્નલ જોઈને જ વાહનો ચલાવી રહ્યા છે જ્યારે આપણે હજુ પણ પોલીસના હાથના ઈશારાની રાહ જોવી પડે છે. ટ્રાફિક સિગ્નલ કેટલા જરુરી છે તે વિશે મ્યુનિ.કોર્પોરેશનના ડે.એન્જિનીયરે વાત કરતા જણાવ્યું કે જ્યાં વાહનોની અવર-જવર સૌથી વધુ હોય તેવા સર્કલ પર ટ્રાફિક સિગ્નલ હોવા ખૂબ જ જરુરી છે જેનાથી ટ્રાફિક જામ ન થાય, ઈમરજન્સીમાં વ્યક્તિ જલ્દીથી પહોંચી શકે અને અકસ્માતોમાં ઘટાડો થાય. પરંતુ આ બધુ ત્યારે જ શક્ય છે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અમને કામ સોંપવામાં આવે.

વારંવાર રજૂઆત છતાં બે વર્ષથી EME સર્કલ પર સિગ્નલ નથી..!

EME સર્કલ પર સિગ્નલ લગાવવા બાબત પર EME હેડ ક્વાર્ટ્સ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. આ વિશે ઓફિસર્સે જણાવ્યું કે અમે  ૨૦૧૬માં સિગ્નલ લગાવવા બાબતે કોર્પોરેશનને રજૂઆત કરી હતી. અને જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે થોડા સમયમાં લગાવી દઈશું પરંતુ હજુ સુધી અહીં સિગ્નલ લાગ્યા નથી. વધુમાં ઓફિસર્સે જણાવ્યું કે સિગ્નલ લગાવવાનું મુખ્ય  કારણ અકસ્માત છે, અહીં વારંવાર અકસ્માત થાય છે અને ટ્રાફિકની અસ્તવ્યસ્તતાને કારણે EMEના સ્ટાફને પણ જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે.

કોણ સાચુ:કોર્પોરેશનના અધિકારી કે પોલીસ

સિગ્નલ અને લાઈટ વિભાગના ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જીનિયરના કહેવા પ્રમાણે ટ્રાફિક પોલીસને સિગ્નલ લગાવવા માટે રાજ્ય સરકાર તરફથી ૫૦ ટકા ગ્રાન્ટ મળે છે પરંતુ આ ગ્રાન્ટનો લાભ અમને મળતો જ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ અમને સિગ્નલ લગાવાનું કામ સોંપી દે છે પરંતુ તેનો કોઈ ખર્ચ ગ્રાન્ટમાંથી આપતું નથી જેથી આ ખર્ચનું ભારણ કોર્પોરેશને સહન કરવું પડે છે. બીજી તરફ ટ્રાફિક પોલીસ વિભાગનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા જેટલા પણ બિલ બતાવવામાં આવે છે તેને મંજૂર કરીને ચૂકવણી અમે કરી જ દઈએ છે.

મોટા સર્કલ સિગ્નલ માટે નડતરરુપ

વાહનોની સૌથી વધારે અવરજવર ધરાવતા વિસ્તાર જેવા કે ગેંડા સર્કલ અને એલ એન્ડ ટી સર્કલ પર ટ્રાફિક સિગ્નલ જ નથી આ વિશે શહેરના એસીપી કહે છે કે આ વિસ્તારમાં સર્કલ એટલા મોટા છે કે સિગ્નલ લગાવવા અશક્ય છે જેથી માણસોથી જ ટ્રાફિકને હેન્ડલ કરવો પડે છે. અને મોટા સર્કલને કારણે આવનાર સમયમાં પણ આ વિસ્તારમાં સિગ્નલ લાગશે નહીં.

રેડ સિગ્નલમાં જ લોકો વાહન હંકારી દે છે

ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે ટેકનોલોજીના યુગમાં અને સ્માર્ટસીટીની જ્યારે વાતો થાય છે ત્યારે સૌથી વધારે વાહનોની વ્યસ્તતા ધરાવતા વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ હોવા જ જોઈએ, જેનાથી ટ્રાફિક નિયમન પણ સરળતાથી થઈ શકે છે. પરંતુ જ્યાં સિગ્નલ લગાવેલા છે ત્યાં લોકો ગ્રીન લાઈટ થાય તે પહેલા જ ગાડીઓ હંકારી દે છે એટલે ટ્રાફિક સિગ્નલની સાથે સાથે લોકોમાં જાગૃતતા હોવી પણ ખૂબ જરુરી છે.

કોર્પોરેશન અને પોલીસના સામસામે આક્ષેપો

શહેરમાં ૩૪ સિગ્નલ લગાવવામાં આવેલ છે તેમાંથી ૧૦ થી વધારે સિગ્નલ બંધ જ જોવા મળે છે આ વિશે ટ્રાફિક પોલીસનું કહેવું છે ટેકનીકલ ખામીના કારણે સિગ્નલ બંધ રહેતા હોય છે તેમાં પોલીસ કઈ કરી શક્તી નથી.તો બીજી તરફ કોર્પોરેશનના ટ્રાફિક અને સિગ્નલ વિભાગનો આરોપ છે કે કોઈપણ ટેકનીકલ ખામી સર્જાય તો તાત્કાલિક તેનું સમારકામ થાય છે. સિગ્નલને ચલાવવા માટે પોલિસ પાસે પૂરતો સ્ટાફ જ નથી. ટ્રાફિક બૂથ પર પોલીસ ન હોવાથી સિગ્નલ બ્લિન્ક પર રાખી દે છે અથવા બંધ જ કરી દે છે.

More Stories:-


Post Your Comment