પોલીસકર્મી અને કાગડાઓ વચ્ચે જામેલી અનોખી મિત્રતા


પોલીસકર્મી અને કાગડાઓ વચ્ચે જામેલી અનોખી મિત્રતા

- ડેસરમાં અલ્પેશભાઈ પારેખ નામના પોલીસ કર્મી ડ્રાઈવર તરીકેની ફરજ બજાવે છે

- તેઓ છેલ્લા ઘણા સમયથી રોજ સવારે કાગડાઓને ગાંઠિયા-સેવ ખવડાવે છે


ડેસર, તા. 17 મે 2018 ગુરુવાર

ડેસર ગામના પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવરની ફરજ બજાવતા પોલીસકર્મી અને કાગડાઓ વચ્ચે જામેલી અનોખી મિત્રતા.

પોલીસ કર્મચારી રોજ સવારે કાગડાઓને સેવ ગાંઠિયા ખવડાવીને નિભાવતા પક્ષી પ્રેમ, તો સામે કાગડાઓ પણ જ્યાં સુધી તેમને ગાંઠિયા નાખવામાં ન આવે ત્યાં સુધી ત્યાંથી ખસે નહીં.

આવા પોલીસ કર્મચારીનો પક્ષી પ્રેમ અને ગામમાંજ રહેતા એક વૃદ્ધાને ઘરવખરી, અનાજ પાણીનો સાર- સામાન લાવી આપીને નિભાવાતો મનુષ્ય પ્રેમ જોઈને ગ્રામજનો અને સહકર્મીઓ ગદગદ થઈ ગયા હતા.

છેલ્લા કેટલાય સમયથી ડેસર પોલીસ મથકમાં અલ્પેશભાઈ પારેખ નામના પોલીસ કર્મી ડ્રાઈવર તરીકેની ફરજ બજાવે છે અને પોલીસ સ્ટેશન ઉપર આવેલી રૂમમાંજ ફરજ બાદ હોય છે ત્યારે એક વખતે તેઓ સવારે અગાશીમાં બેસીને ચા-નાસ્તો કરતા હતા ત્યારે બે ચાર કાગડાઓ ઉડીને કંઈક ખાવાનું હશે એમ માનીને અગાશીમાં આવ્યા ત્યારે અલ્પેશભાઈએ કંઈ નહતુ તેથી તેમને ગાંઠીયા અને સેવના પડીકા મંગાવીને તેઓને નાખ્યા હતા, ત્યારબાદ બીજે દિવસે સવારે એમ જ થોડાક કાગડાઓ આવી ગયા હતા ત્યારે ફરીથી એજ રીતે પડીકા લાવીને તેમને ખવડાવ્યા હતા.

બીજે દિવસે થોડા વધુ કાગડાઓ ખાવા આવ્યા ત્યારે પક્ષીમાં માત્ર કાગડાઓજ આવતા અને તેમને ખાતા જોઈને મનને અનેરો સંતોષ થતાં આમને આમ તેમને તેઓ પ્રત્યે પ્રેમ જાગતા મનોમન નક્કી કરી લીધુ કે આને હવે રોજનો નિત્યક્રમ બનાવી લેવો. જેથી છેલ્લા ઘણા સમયથી રોજ સવારે કાગડાઓને ગાંઠિયા-સેવ ખવડાવે છે.

જો કોઈ કારણોસર તેઓ ન હોય તો અન્યને કહીને પણ આ કાર્ય ચાલુ જ રાખતા હોય છે. જો કોઈ વખત રાત્રિ ડ્યુટી દરમિયાન કોઈ સૂઈ જાય અને વહેલા ન ઉઠે તો નિત્ય સમય મુજબ વહેલી સવારે આમ કાગડાઓની ફોજ હાજર થઈ જતી અને અગાશીમાં અને રૂમની બારીઓ પાસે જઈને કા-કા કરીને આખુ વાતાવરણ ગજવી નાખે અને તેમને અવાજ કરીને ઉઠાડી દે અને જેવા તે પોલીસ કર્મચારી બહાર આવે કે તેની આસપાસ સેવ-ગાંઠિયા ખાવા કાગડાઓનું ટોળુ જમા થઈ જતુ. ત્યારે આ પોલીસમેન બધા જ કાગડાઓને ભરપેટ ગાંઠિયા ખવડાવતા.

આ અલ્પેશભાઈ અને કાગડાઓ વચ્ચેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈ લોકોને ત્યારે કૂતુહલ થયુ ત્યારે આ પોલીસ કર્મીની માત્ર પક્ષી પ્રેમ જ નહીં પણ તેમની નિ:સ્વાર્થ મનુષ્ય પ્રત્યેનો પણ તેઓ ખૂબ જ પ્રેમભાવ રાખતા.

અલ્પેશભાઈનો પક્ષી પ્રેમ સાથે-સાથે મનુષ્ય પ્રેમ પણ જોવા મળ્યો

તેનો જીવતો જાગતો દાખલો તેમના પોલીસ સ્ટેશનની સામે આવેલ ખ્રિસ્તી ફળિયામાં રહેતા એક વૃદ્ધ હરખાબેન કે જેમની વય 80 વર્ષની આસપાસ હશે. તેમની આર્થિક પરિસ્થિતિ નાજુક છે. તેઓ હાલ એકલા જ રહે છે. તેમને સંતાનમાં દિકરી હતી. પરંતુ તે ઘણા સમય પહેલા મૃત્યુ પામી હતી.

જોકે તેઓ એકલા જ રહે છે ત્યારે અલ્પેશભાઈને આ વાતની જાણ થતા જ તેમને આ વૃદ્ધાને દિવાસળીથી લઈને ભોજન, દૂધ પાણી સહિતની તમામ સામગ્રી તેઓ તેમને લાવી આપે છે અને હાથ ખર્ચ આપે છે અને જો કદાચ તેઓ બીમાર પડે તો દવાખાનાનો અને દવાનો ખર્ચ પણ તેઓ જ ઉપાડે છે ત્યારે આ વાતની જાણ તેઓએ કોઈને પણ કરવાની ના પાડી હતી પરંતુ તેમનો પક્ષી પ્રેમની સાથે સાથે મનુષ્ય પ્રત્યેનો પ્રેમ પણ એવો જ રાખે છે તે વાત કર્યા વિના રહી શકાય નહીં.

આ બાબતે અલ્પેશ ભાઈ સાથે વાતચીત કરતા જણાવ્યુ કે ભૂતકાળમાં મે બે-ચાર વર્ષ એવા વિકટ પરિસ્થિતિમાં વિતાવ્યા છે એટલે આજે મને આવા કાર્યો કરવાનો વિચાર આવે છે અને જ્યાં સુધી હું અહીં રહીશ ત્યાં સુધી આ બંને કાર્યો સહાય કરતો જ રહીશ.

More Stories:-


Post Your Comment