સ્મશાનમાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો


સ્મશાનમાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો

- ફતેગંજ ઇએમઇ નજીક આવેલા

- દારૃનો ધંધો કરતો દિનેશ મરનારને સાથે લઇ ગયો,સ્મશાનમાં રહેતા બે સાગરિતોની મદદ લઇ હુમલો કર્યો


(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 12 માર્ચ, 2018, સોમવાર

ફતેગંજ ઇએમઇ વિસ્તારમાં આવેલા સ્મશાનમાં એક યુવકને ઢોર માર માર્યા બાદ તેના માથાના પાછળના ભાગે લાકડાનો ફટકો મારી હત્યા કરવામાં આવી હતી. મૂળ મહેસાણાના નાગલપુર પાટિયા વિસ્તારમાં રહેતો અને છેલ્લા આઠ વર્ષથી પત્ની મિત્તલ ઉર્ફે સોનુ સાથે વડોદરાના કલ્યાણનગર વિસ્તારમાં કામનાથ મહાદેવ મંદિર નજીક રહેતો રણવીરસિંહ ઉર્ફે રાજુ ગુરવ દારૃનો છુટક ધંધો કરતા દિનેશ ઉર્ફે બેરીયા પાલસિંગ ગુરખા(રહે.કલ્યાણનગર)ને ત્યાં મોટાભાગનો સમય વિતાવતો હતો.

ગઇ તા.૪-૩-૨૦૧૮ના રોજ સાંજના સમયે રણવીરસિંહ નજીકમાં રહેતા દિનેશને ત્યાં ગયો ત્યારે દિનેશે આમલેટની લારી ચલાવતો માણસ મુકેશ આવ્યો નહી હોઇ તેને શોધવા જઇએ તેમ કહ્યુ હતુ. બંને જણા ઇએમઇ નજીક સ્મશાનગૃહમાં આવ્યા હતા અને ત્યાં દિનેશના બે સાગરિતો રમેશ અને ભોલો મળ્યા હતા.સ્મશાનમાં પડી રહેતા આ બંને સાગરિતોએ કોઇ કારણસર રણવીરસિંહ સાથે બોલાચાલી કરી હતી અને દિનેશ તેમજ તેના સાગરિતોએ રણવીરને મુક્કા અને લાતો વડે ઢોર માર માર્યો હતો.રમેશે લાકડા વડે માથાના પાછળના ભાગે ફટકો મારતા તેને ગંભીર ઇજા થઇ હતી.

બનાવના ત્રીજે દિવસે એટલે કે તા.૬ ઠ્ઠીએ ઇજાગ્રસ્ત રણવીરસિંહ રોડ પર પડયો હોઇ તેની પત્ની સયાજીહોસ્પિટમાં લઇ ગઇ હતી.જ્યાં તા.૭મીએ રણવીરસિંહનું મોત નીપજ્યુ હતુ.સયાજીગંજ પોલીસે બનાવ અંગે ત્રણેય હત્યારા સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

મરતા પહેલા પત્ની સમક્ષ હત્યારાના નામો જાહેર કર્યા
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,સોમવાર
ત્રણ મિત્રોએ રણવીરસિંહ પર સ્મશાનમાં હુમલો કરવાના બનાવમાં ઇજાગ્રસ્ત રણવીરસિંહ રસ્તા પર પડયો હોઇ તેની પત્ની મિત્તલ દોડી ગઇ હતી અને ૧૦૮ની મદદ લઇ સારવાર કરાવી હતી.આ વખતે ઇજાગ્રસ્તે તેની પત્ની સમક્ષ દિનેશ ઉર્ફે બેરીયો પાલસિંગ ગુરખો,રમેશ અને ભોલાએ કેવી રીતે હુમલો કર્યો તેની વિગતો વર્ણવી હતી અને ત્યારબાદ ભાન ગુમાવી દીધુ હતુ.

તડીપાર હત્યારો દિનેશ સાંભળી શકતો નહી હોઇ પોલીસ હેરાન
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,સોમવાર
દારૃના કેસોમાં તડીપાર થયેલા દિનેશ ઉર્ફે બેરીયાની સયાજીગંજ પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.પીઆઇ હરેશ વોરાએ તેની પૂછપરછ કરી હતી પરંતુ દિનેશ સાંભળી શકતો નહી હોઇ પોલીસ જે પૂછે તેના કરતા જુદો જ જવાબ મળી રહ્યો હોઇ પોલીસ પણ હેરાન થઇ ગઇ હતી.

More Stories:-


Post Your Comment