બોટાદમાં રિવોલ્વરની અણીએ સોની પરિવારને બંધક બનાવી લાખોની લૂંટ


બોટાદમાં રિવોલ્વરની અણીએ સોની પરિવારને બંધક બનાવી લાખોની લૂંટ

- કારમાં આવેલા ચાર શખસોએ સોની વેપારી અને સદસ્યોને બાંધી દઇ કબાટમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડની ધોળ


(ટ્રંકકોલ)    બોટાદ, તા.15 મે, 2018, મંગળવાર

બોટાદના પાળીયાદ રોડ પર રહેતા સોની વેપારીના ઘરમાં ધોળા દહાડે લૂંટારૃ શખસોએ ઘુસી સોની પરિવારને રિવોલ્વરની અણીએ બંધક બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી લાખ્ખોની રકમ લૂંટ ચલાવી ચાર શખસો કારમાં નાસી છુટયા હતાં. ઘટનાના પગલે બોટાદમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટનાના પગલે એસ.પી. સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો.

બનાવની જાણવા મળતી સનસનીખેજ વિગતો અનુસાર બોટાદના પાળીયાદ રોડ પર આવેલ સ્વસ્તિક સોસાયટી, ઝરણા એપાર્ટમેન્ટમાં રહેતા અને સોની બજાર, વખારીયા ચોકમાં સોની દુકાન ધરાવતા વેપારી તુષારભાઇ સુરેશભાઇ સિદ્ધપુરા (ઉ.વ.૪૨)એ બોટાદ પોલીસ મથકમાં રહેમાન અને અજાણ્યા ત્રણ શખસો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આજે સવારે ૮.૪૫ કલાકના અરસા દરમિયાન તેઓ, તેમના પત્ની અને બે સંતાનો પોતાના ઘરે હતા તે વેળાએ રહેમાન નામના શખસે બે વર્ષ પૂર્વે તેના ઘરે પીઓપીનું કામ કર્યુ હતુ જે સવારે ઘરે આવી અન્ય શખસોને સાથે લાવી ઘરનું પીઓપીનું કામ બતાવવા આવ્યો છુ કહી ઘરમાં તમામે પ્રવેશ કરી રિવોલ્વર જેવું હથીયાર બતાવી ધાક ધમકી આપી તેમના સંતાનો અને તેમના પત્નીને પટ્ટી વડે બંધક બનાવી દઇ તેના લોકરમાં રાખેલ સોનાનુ ડોકીયુ, મંગળસુત્ર, બે ચેઇન, પાંચ બુટ્ટી, કાંડીયુ, ત્રણ હાર, ચાર બંગડી, બે કડલી, પાટલા સહિતના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૪.૮૦ લાખ તેમજ ચાંદીનો ભંગાર ગાય, શ્રીફળ, રાણિ સિક્કા, અને રોકડ રૃા. ૪ લાખ, બે મોબાઇલ મળી કુલ રૃા.૯.૩૦ લાખની મત્તાની લૂંટ કરી કારમાં નાસી છુટયા હતાં.

ધોળા દિવસે સોની વેપારીને ત્યાં રિવોલ્વરની અણીએ લૂંટ થતાં વેપારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં એસ.પી. પરમાર, લોકલ ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી., બોટાદ પોલીસ ડોગ સ્ક્વોર્ડ સાથે ઘટના સ્થળ પર દોડી જઇ થોડે દૂર આવેલ બોર્ડીંગના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા કાર દેખાઇ આવી હતી. જ્યારે ફરાર લૂંટારૃઓને ઝડપી પાડવા ચોમેર નાકાબંધી હાથ ધરવામાં આવી હતી. બનાવ અનુસંધાને બોટાદ પોલીસે આઇ.પી.સી. ૩૯૨, ૪૫૨, ૩૪૭, ૫૦૬(૨), ૧૧૪, આર્મ એક્ટ તળે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

More Stories:-


Post Your Comment