જેલમાંથી બેશુદ્ધ હાલતે સારવારમાં ખસેડાતા કાચા કામના કેદીનું મોત


જેલમાંથી બેશુદ્ધ હાલતે સારવારમાં ખસેડાતા કાચા કામના કેદીનું મોત

- ખેડૂતવાસનો યુવાન લૂંટ કેસમાં પકડાતા જિલ્લા જેલમાં હતો


ભાવનગર, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ યુવાનની ગત રાત્રિના બેશુદ્ધ હાલતે સારવારમાં ખસેડાતા તેનું આજે મૃત્યુ નિપજવા પામ્યું હતું. ખેડૂતવાસ વિસ્તારના યુવાન લૂંટ કેસમાં પકડાતા છેલ્લા છ માસથી જિલ્લા જેલ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા રોડ પોસ્ટેનાં ગુના નં. ૭૮/૧૭ ઈપીકો કલમ ૩૯૪, ૫૦૪, ૧૧૪ મુજબના કામે પોલીસે ખેડૂતવાસ વિસ્તારના રૃવાપરી રોડ પર રહેતા કાનજીભાઈ અશોકભાઈ રાઠોડ (ઉં.વ.૩૦)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યાં બાદ જિલ્લા જેલ હવાલે કરવામાં આવેલ.

દરમીયાન છેલ્લા છએક માસથી જિલ્લા જેલમાં કાચા કામનાં કેદી તરીકે રહેતા કાનજીભાઈ મધ્યરાત્રિનાં ૨.૪૦ના સુમારે બેશુદ્ધ બની જતા તેને અત્રેની સર ટી. હોસ્પીટલમાં જૂના બિલ્ડીંગમાં આવેલ સીસીયુ વોર્ડમાં સારવારઅર્થે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન વહેલી સવારે છ કલાકનાં સુમારે તેઓનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. બનાવનાં પગલે હોસ્પીટલ પોલીસ ચોકીએ કેસ કાગળ કરી નીલમબાગ પોલીસને રિફર કરતાં આગળની તપાસ પીએસઆઈ ચૂડાસમાએ હાથ ધરી હતી.

ઉક્ત બનાવ અનુસંધાને તપાસનીશ અધિકારી ચૂડાસમાએ જણાવ્યું હતું કે, જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ યુવાન બેશુદ્ધ અવસ્થામાં મૃત્યુ નિપજ્યા બાદ તેનું સર ટી. હોસ્પીટલ ખાતે પીએમ હાથ ધરવામાં આવ્યું હતું. પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે. તેમ તેઓએ જણાવ્યું હતું.

More Stories:-


Post Your Comment