ભુજ પાલિકામાં નાણા ફેંકો અને મેળવો ગેરકાયદે પાણી કનેકશન


ભુજ  પાલિકામાં નાણા ફેંકો અને મેળવો ગેરકાયદે પાણી કનેકશન

- અર્ધાથી પોણાના બદલે કર્મચારીઓ જ બાટી રહ્યા છે દોઢથી બે ના કનેકશન

-પાણી શાખાની છત્રછાયા હેઠળ હજારો કનેકશન ભુજમાં વેંચાયાનો આક્ષેપ


- એક તરફ લોકોને પીવા પાણી નથી  બીજીતરફ ભ્રષ્ટાચારીઓ પાણીચોરોને પાણી આપી કરાવે છે લીલાલહેર

ભુજ, તા. 15 મે 2018, મંગળવાર

ભુજપાલિકા એક તરફ પાણીની બુમ પાડીને સર્વિસ સ્ટેશનોના કનેકશન કાપીને કામગીરી કર્યાનો ડોળ કલેકટર સમક્ષ તાજેતરમાં કર્યો પણ પડદા પાછળ પાણીશાખાના એન્જીનીયરની મીઠીનજર હેઠળ જ શહેરમાં અપાયેલા દોઢથી બે ના ગેરકાયદે કનેકશન કાપવા તસ્દી ન લેવાતા  આ મુદે આજે અનેક વોર્ડમાં ફરીને કોંગ્રેસે આવા કનેકશનો ઉજાગર કરીને સુધરાઈના પાણી શાખાના કર્મચારીની ચાલતી ધોરાજીને ઉજાગર કરીને તેની તપાસ કરવા માંગણી કરી હતી.

કોંગ્રેસના કાસમ સમાએ સુધરાઈના એન્જીનીયર ભાવિક ઠકકર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શહેરમાં પાણીચોરીની ફરીયાદ બાદ સુધરાઈએ પગલા ન લેતા કલેકટર સમક્ષ રજુઆત થતા તેમના આદેશથી પાલિકાને ફરજિયાત કામગીરી કરવાની ફરજ પડી હતી. પરતું કલેકટરને પણ એન્જીનીયરે મુર્ખ બનાવીને માત્ર સર્વિસ સ્ટેશનનો કનેકશન કાપીને જાણે પાણીચોરી અટકાવી દિધી હોય તેવું આભાસી ચિત્ર ઉભું કર્યું હતું. વાસ્તવમાં શહેરમાં હજારો ગેરકાયદે કનેકશન પાણી શાખાની મીઠીનજર હેઠળ જ અપાયા છે તે કાપવા કોઈ ગયું ન હતું. મ્યુનીસીપલ એકટ મુજબ પાણી કનેકશન અર્ધા થી પોણાના પાઈપનું આપવાનું હોય છે પણ ભુજમાં પૈસા ફેંકો અને દોઢથી બેના પાઈપ નાખીને કનેકશન મેળવી લ્યો તેવો લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેમાં લાગવગ અને પૈસાના જોરે દરેક વોર્ડમાં સેંકડો આવા કનેકશનો અપાયા છે.

જેના નિયમિત હપ્તા આ કર્મચારીઓ લેતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. ઉપરાંત શહેરમાંથી જોર હજારો લીટર પાણી ફાર્મહાઉસમાં ચોરી થઈ રહ્યું છે તેના કનેકશનો કાપવા પણ એન્જીનીયર દ્વારા અનેક રજુઆતો છતાં શા માટે તસ્દી નથી લેવાઈ તેની તપાસ કલેકટરે કરે તેવી માંગણી તેમણે કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, જગ્યા સહિતના ગેરકાયદે કનેકશનો બતાવીને રજુઆતો કરાઈ છે આમછતાં  પાણી શાખાના કર્મચારીઓ નગરસેવકોને પણ દાદ આપતા નથી. મોટી સાઈઝના પાઈપ નાખવા રીતસરનો બેનંબરી ધંધો ચલાવાઈ રહ્યો છે. છતાં તમામકક્ષાએથી પાલિકામાં ચુપકિદી સેવીને ઉચ્ચપદાધિકારી તથા અધિકારી બેઠા છે તે પણ નવાઈની બાબત છે.

વાલ્વમાંથી હજારો લીટર વેડફાતું પાણી બચાવવા પણ તસ્દી નથી લેવાતી
તેમણે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ખારી નદી પાસેના વાલ્વમાંથી લાંબાસમયથી ૧૫ હજાર લિટરથી પણ વધુ પાણી રોજ લીક થઈ રહ્યું જેથી આસપાસ તળાવ રચાય છે, આ પાણી બંધ કરવા અને વાલ્વ રીપેર કરવા એન્જીનીયરને લેખિત અરજી કરવા છતાં તેમણે આજદિન સુધી તસ્દી લીધી નથી બીજીતરફ શહેરભરમાં પાણી બચાવોના નામે કનેકશન કાપવા ટીમ દોડાવી નાટક કરાય છે.

More Stories:-


Post Your Comment