સલમાન વધુ એક ગેસ્ટ રોલ કરશે


સલમાન વધુ એક ગેસ્ટ રોલ કરશે

-મિત્રોને સદાય મદદ કરતો રહ્યો છે

-ધર્મેન્દ્રની ફિલ્મમાં દેખાશે


મુંબઇ તા.૧૪

સુપર સ્ટાર સલમાન ખાન પોતાના દોસ્તોને મદદ કરવા સદા તત્પર હોય છે. અગાઉ એણે દોસ્તોની ફિલ્મોમાં મહેમાન ભૂમિકા ભજવીને ફિલ્મને ઊંચકવામાં સહાય કરી હતી.

આ દિશામાં લેટેસ્ટ માહિતી એવી છે કે હવે સલમાન સિનિયર અભિનેતા ધર્મેન્દ્રની યમલા પગલા દિવાના થ્રીમાં એક ડાન્સ ગીતમાં દેખાશે. ધર્મેન્દ્ર સાથે સલમાનને લાંબા સમયથી સારો મનમેેળ રહ્યો છે.  એ સમય મળતાં ધર્મેન્દ્રને અચૂક મળતો રહે છે. ધર્મેન્દ્રે આ ફિલ્મ માટે વાત કરી કે તરત સલમાને હા પાડી હતી.

અગાઉ સલમાને રણબીર કપૂર અને કેટરિના કૈફની અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં, અક્ષય કુમાર હીરો હતો એ ફિલ્મ તીસમારખાં, દિવાના મસ્તાના વગેરે કેટલીક ફિલ્મોમાં મહેમાન ભૂમિકા કરી હતી. એણે શાહરુખ ખાનની ફિલ્મમાં કેમિયો પણ કર્યો હતો. હવે એ ધર્મેન્દ્રની ફિલ્મમાં એક ડાન્સ ગીત પૂરતો દેખાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

હાલ સલમાન બીજી રીતે પણ દેઓલ પરિવારને સહાયરૃપ થઇ રહ્યો છે. બોબી દેઓલની ડામાડોળ કારકિર્દીને વેગ આપવા એણે પોતાની લેટેસ્ટ ફિલ્મ રમેશ તૌરાનીની રેસ થ્રીમાં બોબીને લેવડાવ્યો છે. અલી અબ્બાસ ઝફરની ભારતમાં પણ એણે બોબી માટે એક રોલ તૈયાર કરાવ્યો છે. આમ ધર્મેન્દ્રના પરિવાર સાથે પણ સલમાનને સારો સંબંધ છે.

યમલા પગલા દિવાના થ્રીમાં ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ અને કીર્તિ ખરબંદા ચમકી રહ્યા છે. આ સિરિઝની પહેલી ફિલ્મ હિટ હતી પરંતુ ૨૦૧૩માં આવેલી એની સિક્વલ પીટાઇ ગઇ હતી.

More Stories:-


Post Your Comment