વૃધ્ધે બાળકીને બિભત્સ ક્લીપ દેખાડી શારીરિક અડપલાં કર્યા


વૃધ્ધે બાળકીને બિભત્સ ક્લીપ દેખાડી શારીરિક અડપલાં કર્યા

- ગાંધીનગર શહેરના નવા સેકટરની શરમજનક ઘટના..

- વસાહતમાં જ રહેતાં વૃધ્ધને સ્થાનિકોએ મેથીપાક ચખાડયોઃપોલીસે ગુનો નોંધી વૃધ્ધની ધરપકડ કરી


ગાંધીનગર, તા. 15 મે 2018, મંગળવાર

ગાંધીનગર શહેરના નવા સેકટરમાં દાદાની ઉંમરના વૃધ્ધે આઠ વર્ષની બાળકીને બિભત્સ ક્લીપ દેખાડયા બાદ તેણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને હેબતાઈ ગયેલી બાળકીએ મોડી રાત્રે માતાને આ ઘટના અંગે જાણ કર્યા બાદ આડોશી-પાડોશીએ વૃધ્ધને મેથીપાક ચખાડયો હતો અને આ સંદર્ભે સે-૭ પોલીસ સ્ટેશનમાં વૃધ્ધ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વૃધ્ધની ધરપકડ કરી લીધી છે. આ શરમજનક ઘટનાના પગલે ગાંધીનગરના ભદ્ર સમાજના વૃધ્ધ સામે રોષ ભભુકી ઉઠયો છે. પાડોશમાં જ રહેતાં વૃધ્ધે બાળકીને બગીચામાં રમાડવાના બહાને તેણી સાથે કૃત્ય આચર્યુ હતું.

સમાજમાં છેલ્લા થોડા સમયથી નાની બાળકીઓ સાથે શારીરિક અડપલાંના કિસ્સાઓ વધી રહયા છે તેમાં પરીચીત વ્યક્તિઓેજ આવી માસુમ બાળકીઓની નિર્દોષતાનો લાભ લઈ દુષ્કૃત્ય આચરતાં હોય છે. ગાંધીનગર શહેરમાં પણ નવા સેકટરમાં આવી જ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે.

જેમાં વસાહતમાં જ રહેતાં એક ૬૦ વર્ષીય વૃધ્ધે પાડોશમાં રહેતી આઠ વર્ષની બાળકીને બગીચામાં રમાડવા માટે બોલાવી હતી અને ત્યારબાદ તેણીને બિભત્સ ક્લીપ દેખાડી તેણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં માસુમ એવી બાળકીને આ ઘટના સંદર્ભે તેના પરિવારજનોને કાંઈ પણ નહીં કહેવાનું પ્રોમીસ પણ લીધું હતું.

જો કે રાત્રે માતા સાથે સુવા જઈ રહેલી આ બાળકી બેચેન જણાતાં તેની માતાએ સમજાવટથી પૃચ્છા કરતાં તેણીએ સઘળી હકીકત જણાવતાં તેની માતા પણ હેબતાઈ ગયા હતા. આ બાળકીએ માતાને કહયું હતું કે બાજુમાં રહેતા દાદાએ તેને ગંદા વિડીયો દેખાડીને શરીરના આંતરિક અંગો સાથે અડપલાં કર્યા હતા. પરિવાર પાડોશી એવા વૃધ્ધની આ કરતુતથી હતપ્રભ બન્યુ હતું અને આ મામલે સે-૭ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવી હતી.

 આ ઘટના અંગે આડોશી પાડોશીઓને પણ જાણ થતાં તેમણે વૃધ્ધને મેથીપાક આપ્યો હતો. પોલીસે આજે મોડી સાંજે વૃધ્ધની ધરપકડ પણ કરી લીધી છે.

આ ઘટના ખુબજ શરમજનક છે અને શહેરના ભદ્ર સમાજમાં રહેતાં આવા શખ્સો સામે કડક હાથે કામ લેવાની પણ જરૃર છે તો બાળકોને બહાર રમતાં મુકી દેનાર માતા પિતા માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે.

More Stories:-


Post Your Comment