મુસ્લિમ યુવકના પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર : VSમાં ધરણાં


મુસ્લિમ યુવકના પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર : VSમાં ધરણાં

- છત્રાલની કોમી અથડામણમાં માર્યા ગયેલા

- સરકાર પાસેથી વળતર અને આરોપીઓ સામે પગલાં લેવાની માંગણી : ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત બાદ સમાધાન


ગાંધીનગર, તા. 12 માર્ચ, 2018, સોમવાર

ગાંધીનગરના છત્રાલમાં બે કોમ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં ગંભીરપણે ઘાયલ થયેલા ફરહાન સૈયદ (૩૨) નું સારવાર દરમિયાન વીએસ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જેને પગલે મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો અને મૃતકના સ્વજનો સહિત અંદાજે ૨૦૦ જણાએ હોસ્પિટલ ખાતે ધરણા કરીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જોકે અગ્રણી મુસ્લિમો અને પોલીસ અધિકારીઓ વચ્ચે વાટાઘાટો બાદ પરિવારજનો મૃતદેબ સ્વીકારવા તૈયાર થયા હતા.

 આજે વીએસ હોસ્પિટલમાં ફરહાન સૈયદના પરિવારજનો અને મુસ્લિમ સમાજના અંદાજે ૨૦૦થી વધુ લોકો વીએસ હોસ્પિટમાં ધરણા પર બેસી ગયા હતા. તેમણે સરકાર તરફથી વળતર , પોસ્ટમોર્ટમ ન કરવા અને આરોપીઓની ધરપકડ અને કડક કાર્યવાહીની માંગણી કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેમાં ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી સહિત મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને ન્યાયની માંગણી કરી હતી. જોકે બાદમાં ઊચ્ચ પોલીસ અધિકારીઓ અને મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે વાટાઘાટ બાદ સમાધાન થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

છત્રાલમાં ૫ માર્ચના રોજ બે કોમ વચ્ચે જૂથ અથડામણ થતા બન્ને પક્ષે ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં ગંભીર ઈજાને કારણે ફરહાન સૈયદને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેના મોતને પગલે છત્રાલમાં ભારેલા અગ્ન જેવી હાલત સર્જાઈ હતી. જેને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

More Stories:-


Post Your Comment