અમેરિકા, બ્રિટન, ફ્રાન્સનું શૂરાતન સીરિયા પર 120 મિસાઇલ ઝીંકી


અમેરિકા, બ્રિટન, ફ્રાન્સનું શૂરાતન સીરિયા પર 120 મિસાઇલ ઝીંકી

- રશિયાની સીરિયામાં 'કેમિકલ કોલ્ડ વોર' પછી

- ફ્રાંસે દાવો કર્યો કે 'સીરિયામાં કેમિકલ શસ્ત્રોનો મોટા ભાગનો જથ્થાનો નાશ કરવામાં સફળતા મળી'


- સીરિયા પર હુમલાનો અમારો હેતુ ફક્ત કેમિકલ શસ્ત્રોનું ઉત્પાદન અને તેને વધુ લોકો સુધી પહોંચતા અટકાવવાનો : અમેરિકા

વૉશિંગ્ટન, તા. 15 એપ્રિલ 2018, રવિવાર

અમેરિકાએ આજે સીરિયા પર કરાયેલા કેમિકલ હુમલાને 'રાક્ષસી કૃત્ય' ગણાવીને ૧૨૦ જેટલી મિસાઇલો ઝીંકી દીધી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, આ પ્રકારના સામાન્ય નાગરિકોની પરવા કર્યા વિના કરાયેલા આ પ્રકારના ઘાતકી હુમલા માટે અમે સીરિયન પ્રમુખ બશર અલ અસદને જવાબદાર ઠેરવીએ છીએ. અમારો હેતુ ફક્ત કેમિકલ શસ્ત્રોના ઉત્પાદન તેમજ તેને વધુ લોકો સુધી ફેલાતા અટકાવવાનો જ છે.

આ હુમલા પહેલાં ટ્રમ્પે રાષ્ટ્રજોગ નિવેદનમાં જણાવ્યું હતું કે, અસદ સરકાર કેમિકલ શસ્ત્રો હેઠા નહીં મૂકે ત્યાં સુધી અમેરિકા તેમને દબાણમાં રાખવા ઇચ્છે છે. અમેરિકા કોઇ પણ સંજોગોમાં સીરિયામાં અમેરિકન સેનાની હાજરી નથી ઇચ્છતું. સીરિયામાં જંગાલિયતભર્યા અને ઘાતકી હુમલાની વિરુદ્ધમાં અમેરિકાની સાથે બ્રિટન અને ફ્રાંસ જોડાયું તેનો પણ અમને આનંદ છે. આ કેમિકલ હુમલામાં માતાઓ, પિતાઓ, નવજાત બાળકો અને ગર્ભસ્થ બાળકો પણ કમોતે માર્યા ગયા છે. આ પ્રકારની કાર્યવાહી માણસની ના હોઇ શકે. તેને રાક્ષસોનો હુમલો કહેવો વધુ યોગ્ય છે.

આ દરમિયાન ફ્રાંસે દાવો કર્યો છે કે, અમે સીરિયાનો મોટા ભાગનો કેમિકલ શસ્ત્રોનો ભંડાર ખતમ કરી નાંખ્યો છે. જોકે, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના સંયુક્ત હુમલાથી રશિયા, ચીન અને ઇરાને આક્રમક વિરોધ કર્યો છે. ઇરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખોમેનીએ પણ ટ્વિટ કરીને અમેરિકાના હુમલાની ટીકા કરી હતી.  ચીને પણ અમેરિકાના હુમલાને આંતરરાષ્ટ્રીય નીતિનિયમોનો ભંગ ગણાવ્યો હતો.  સીરિયામાં કરાયેલા હુમલા મુદ્દે વ્હાઇટ હાઉસે નોંધ્યું હતું કે, કેમિકલ શસ્ત્રો નાની સંખ્યામાં હોય તો પણ મોટા પાયે જાનહાનિ કરી શકે છે. અમે એ વાત ભારપૂર્વક કહેવા માંગીએ છીએ કે, આ હુમલો ફક્ત કેમિકલ શસ્ત્રો, કેમિકલ હુમલાની વિરુદ્ધમાં છે.

 અમે ઇચ્છીએ છીએ કે, આ પ્રકારના શસ્ત્રો ખતમ થાય અને વધુ લોકોના હાથ સુધી ના પહોંચે. દુનિયાના દેશો પણ તેમના મિત્રો કોણ છે તેના પરથી પરખાઇ જાય છે. બેજવાબદાર દેશો સાથે મિત્રતા રાખીને કોઇ દેશ લાંબા ગાળે સફળ થયો નથી. રશિયન પ્રમુખ પુતિને ૨૦૧૩માં મને સીરિયાના કેમિકલ શસ્ત્રો ખતમ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા છે. સીરિયામાં સર્જાયેલી અરાજકતા માટે પ્રમુખ અસદની સાથે રશિયા અને ઇરાનની પણ મહત્ત્વની ભૂમિકા છે. તેઓ અસદને મોકળું મેદાન આપી રહ્યા છે, તેેમને સુરક્ષિત આશરો આપી રહ્યા છે.

More Stories:-


Post Your Comment