આજે મહાશિવરાત્રિ પર્વ ઉજવાશે શિવાલયોમાં હજારો ભક્તો ઉમટશે


આજે મહાશિવરાત્રિ પર્વ ઉજવાશે શિવાલયોમાં હજારો ભક્તો ઉમટશે

- વિવિધ શિવમંદિરોમાં ચાર પ્રહરની પૂજા ભાવિકો ભોળાનાથને ભજી ધન્યતા અનુભવશે


નડિયાદ, આણંદ, તા.૧૨ ફેબ્રુઆરી 2018, સોમવાર

મહાવદ ચૌદશને આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભોળાનાથના વિશેષ પૂજનની ઠેરઠેર તૈયારીઓ કરવામાં આવી રહી છે.  આજરોજ  શિવાલયોમાં ભોળાનાથની ખાસ પૂજા કરવામાં આવે છે.મહાશિવરાત્રીના  પ્રસંગે શિવાલયો ઓમ નમઃ શિવાય અને બમબમ ભોલેના  જયઘોષથી ગૂંજી ઉઠશે. અનેક જગ્યાએ ચાર પ્રહરની પૂજાના પણ આયોજનો કરાયા છે.

આજે મહાશિવરાત્રિ નિમિત્તે નડિયાદના મોટા મહાદેવ, છાંગેશ્વર મહાદેવ, યોગેશ્વર મહાદેવ, સંતરામેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ તથા રાજરાજેશ્વર મહાદેવ સહિત પીજમાં પુરાતન કપિલેશ્વર મહાદેવ, ડાકોરમાં ડંકનાથ,  એકલિંગજી, યમુનેશ્વર, રણમુકતેશ્વર તથા બિલેશ્વર  જેવા શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠશે. જ્યાં  વહેલી સવારથી મોડી રાત સુધી શિવલિંગ પર અભિષેક કરી ભક્તો ધન્યતાનો અનુભવ કરશે. મહાશિવરાત્રિના પર્વ પર શિવલિંગ પર દૂધ અને પાણીના અભિષેકનો મહિમા છે. તેથી ભાવિકો આ દિવસે ભોળાનાથને અભિષેક કરી તેમને રીઝવવાનો પ્રયત્ન કરશે. નડિયાદના શિવાલયોમાંથી બપોર પછી ભગવાન શિવજીની વાજતેગાજતે શોભાયાત્રા પણ કાઢવામાં આવનાર છે. આ ઉપરાંત રઢુ સહિત જિલ્લાના અન્ય  સ્થળોએ પણ શિવમંદિરોમાંથી શોભાયાત્રાના આયોજનો કરાયા છે. ઠેરઠેર શિવાલયોમાં શિવજીના ફૂલહારથી શણગાર કરી મંદિરોને પણ સજાવવામાં આવી રહ્યા છે. ખેડા જિલ્લામાં આવેલા જાણીતા તીર્થસ્થાન ગળતેશ્વર અને ઉત્કંઠેશ્વર જેવા પુરાતન સ્થળોએ આવેલા શિવાલયોનું ખૂબ મહાત્મય હોવાથી આજે મહાશિવરાત્રિના અવસરે સ્થાનિક ઉપરાંત દૂરદૂરના સ્થળોએથી હજારો ભાવિકો આ જગ્યાએ શિવજીના દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડશે. જેને લઈ ગળતેશ્વર, ઉત્કંઠેશ્વર ઉપરાંત શંકરાચાર્યનગર, પીજ, ડાકોર, રઢુ તથા ખેડા વગેરે સ્થળોએ લોકમેળા ભરાશે. વલેટવા ચોકડી પાસે આવેલા મનકામેશ્વર પાર્દેશ્વર મહાદેવના મંદિરમાં પણ શિવરાત્રિના પર્વ નિમિત્તે હજારો ભાવિકો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે.

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં તા.૧૩ ફેબુ્રઆરી, ૨૦૧૮ને મંગળવારના રોજ મહાશિવરાત્રી પર્વની ભાવિક ભક્તો દ્વારા શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રી પર્વને લઈને જિલ્લાના વિવિધ શિવમંદિરોને રોશની તેમજ ફુલઝરીથી સજાવવામાં આવ્યા છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો કેટલાક સ્થળોએ ધાર્મિક મેળાઓ પણ યોજાશે તેમજ વિવિધ શિવમંદિરો ખાતે લઘુરૃદ્ર યજ્ઞા, મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

જો કે શિવરાત્રિ પર્વને કારણે કેટલાક શિવભક્તો ઉપવાસ-વ્રત રાખતા હોય છે. તેમજ આ પર્વમાં શક્કરીયા-બટાકા આરોગવાનું મહત્વ રહેલું હોવાથી શહેરના બજારોમાં શક્કરીયા તેમજ બટાકાની ધૂમ ખરીદી નીકળી હતી. શિવજીને અતિપ્રિય એવી ભાંગના પ્રસાદનું પણ અનેરૃં મહત્વ હોઈ વિવિધ શિવમંદિરો ખાતે ભાંગ બનાવવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. શિવરાત્રી પર્વ પર વ્રતનું મહત્વ હોઈ આજે વિવિધ ફરાળી ચીજવસ્તુઓની માંગને પહોંચી વળવા માટે વેપારીઓએ પણ તૈયારીઓ આરંભી દીધી છે.

More Stories:-


Post Your Comment