મહિલા જાસૂસ રજની પંડિતને મહિનાની કસ્ટડી બાદ જામીન મંજૂર


મહિલા જાસૂસ રજની પંડિતને મહિનાની કસ્ટડી બાદ જામીન મંજૂર

- કોલ ડેટા રેકોર્ડ વેચવાનો કેસ

- કોઈ ખરીદી કે વેચાણ થયું નથી અને વરિષ્ઠ નાગરિક હોવાથી રાહત આપવાની વિનંતી મંજૂર


મુંબઈ, ૧૨ માર્ચ 2018, સોમવાર

ગેરકાયદે સીડીઆર (કોલ ડેટા રેકોર્ડ) પ્રકરણે ન્યાયાલયીન કસ્ટડીમાં રહેલા દેશના પહેલી લેડી જાસૂસ રજની પંડિતને થાણે કોર્ટે આખરે સોમવારે જામીન મંજૂર કર્યા છે. લગભગ મહિનાથી તેઓ કસ્ટડીમાં હતા.
કોઈના પણ મોબાઈલ નંબરનો સીડીઆર ગેરકાયદે મેળવીને તે વેચનારી ટોળકીનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચ યુનિટ-૧એ ગયા મહિને કર્યો હતો. આ પ્રકરણે અત્યાર સુધી ૧૧ આરોપીની ધરપકડ કરી હતી. બીજી ફેબુ્રઆરીના રોજ પોલીસે રજની પંડિતની ધરપકડ કરી હતી. પોલીસે અટક કરેલા એક આરોપી પાસેથી રજની પંડિતે  સીડીઆર મેળવ્યાનો આરોપ હતો. શરૃઆતમાં કેટલાંક દિવસ પોલીસ કસ્ટડી અને ત્યાર  બાદ લગભગ એક મહિનાથી તેઓ અદાલતી કસ્ટડીમાં હતા. થાણે જિલ્લા અને સેશન્સ કોર્ટના એ. એમ. ભૈસારેના કોર્ટમાં છ માર્ચના રોજ તેમના જામીનની સુનાવણી થઈ હતી. આ પ્રકરણનું ગંભીરતા કોર્ટ સમક્ષ રજૂ કરીને સરકારી પક્ષે જામીનનો વિરોધ કર્યો હતો.

રજની પંડિતે કોઈના સીડીઆર વેચાતા લીધા નથી અને કોઈને વેચ્યા નથી એવી દલીલ એડવોકેટ પૂનમ જાધવે કરી હતી. આનાથી કોઈનું નુકસાન થયું નથી. ઉપરાંત પંડિત વરિષ્ઠ નાગરિક હોવાથી તેમની વય અને બીમારીને ધ્યાનમાં લઈને જામીન મંજૂર કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ વિનંતીને માન્ય કરીને સોમવારે જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી.

More Stories:-


Post Your Comment