અનંતનાગમાં સૈન્યનું મોટુ ઓપરેશન, ત્રણ આતંકીઓ ઠાર : શાળા-કોલેજો બંધ


અનંતનાગમાં સૈન્યનું મોટુ ઓપરેશન, ત્રણ આતંકીઓ ઠાર : શાળા-કોલેજો બંધ

- કાશ્મીરમાં આતંકીઓ બેંકના છ લાખ લુટીને ફરાર

- એક આતંકીએ થોડા દિવસ પહેલા પોલીસ ચોકી પર હુમલો કરતા એક કોન્સ્ટેબલ શહીદ થયો હતો


- માર્યા ગયેલા ત્રણમાંથી બે આતંકીઓ સ્થાનિક હોવાથી સ્થાનીકોમાં ભારે રોશ, હિંસાના ભયને પગલે સુરક્ષા વધારાઇ

શ્રીનગર, તા. ૧૨ માર્ચ 2018, સોમવાર

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. જોકે અંતે સૈન્યએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. જ્યારે બાકી આતંકીઓની શોધખોળ શરૃ કરી હતી. અનંતનાગ વિસ્તારમાં મોટા પાયે આતંકીઓ હુમલા કરી રહ્યા છે. આ પહેલા પણ આ જ વિસ્તારમાં અનેક આતંકીઓ ઝડપાયા હતા. રવીવારની રાતે જ અનંતનાગ વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી સૈન્યને મળી હતી જેના આધારે સૈન્યએ આતંકીઓની શોધખોળ માટે ઓપરેશન જારી કર્યું હતું.

અહીંના અનંતનાગના હકુરા વિસ્તારમાં સૈન્યએ આતંકવાદીઓનુ તપાસ અભિયાન જારી કર્યું હતું. જે દરમિયાન ત્રણ આતંકીઓ ઝડપાયા હતા. જોકે આતંકીઓએ સૈન્યને જોઇ જતા ગોળીબાર કરી દીધો હતો અને હથીયારો મુકવાની ના પાડી દીધી હતી. જેને પગલે બાદમાં સૈન્યએ આતંકીઓના ખાતમા માટે ઓપરેશન ચલાવ્યું હતું જેમાં સફળતા મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે જે આતંકીઓ માર્યા ગયા છે તેમાંથી બેની ઓળખ થઇ ગઇ છે. આ ત્રણ આતંકીઓમાં એક આતંકી ઇસા ફાઝલી શ્રીનગરનો હતો જ્યારે બીજો આતંકી સૈયદ ઓવૈસી અનંતનાગના કોકરંગનો હતો. એટલે કે બન્ને આતંકીઓ સ્થાનીક જ હતા.

જે આતંકીઓ માર્યા ગયા તેમાંથી એક આતંકીએ થોડા દિવસ પહેલા જ સૌરામાં પોલીસ ગાર્ડની પોસ્ટ પર હુમલો કર્યો હતો જે બાદ તે ભાગી ગયો હતો. આ હુમલામા એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ થયો હતો. દરમિયાન આતંકીઓ સ્થાનિક હોવાથી કાશ્મીરીઓ ફરી હિંસા પર ન ઉતરી આવે તે માટે અગાઉથી જ પ્રશાસને કેટલાક સાવચેતીના પગલા ભર્યા હતા અને અનંતનાગ તેમજ આસપાસની નાની સ્કૂલ કોલેજોને બંધ કરી દેવાઇ હતી.

કાશ્મીર યુનિવર્સિટીએ પણ દરેક વર્ગોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. સાથે પરીક્ષાની તારીખોમાં પણ ફેરફાર કર્યા હતા. બીજી તરફ કાશ્મીરના કુલગામમાં બેંકના એક વાહનને આતંકીઓના એક ગૃપે રોખ્યું હતું. વાહનમાં સવાર બેંક અધિકારીને હથિયારો દેખાડી આતંકીઓ આશરે ૬ લાખ રૃપિયા લુટીને જતા રહ્યા હતા. આ પહેલા પણ બેંકના પૈસાની લુટની અનેક ઘટનાઓ સામે આવી છે. જોકે તેમ છતા સુરક્ષામાં ખામી સર્જાતા ફરી લુટનો બનાવ બન્યો હતો.

More Stories:-


Post Your Comment