સેના અને શહીદોનું અપમાન કરનાર ભાગવતને શરમ આવવી જોઇએ : રાહુલ


સેના અને શહીદોનું અપમાન કરનાર ભાગવતને શરમ આવવી જોઇએ : રાહુલ

- કોંગ્રેસે ભાગવતની ટિપ્પણીની આકરા શબ્દોમાં ટીકા કરી

- ભાગવત માફી માગે, મોદી સ્પષ્ટતા કરે કે તે આરએસએસને દેશની સુરક્ષા સોંપવા માગે છે? : આનંદ શર્મા


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

કોંગ્રેસે માગ કરી છે કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સંરક્ષણ દળો અંગે કરેલી ટિપ્પણી અંગે દેશની માફી માગવી જોઇએ. કોંગ્રેસે વડાપ્રધાન મોદીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે શું તેઓ દેશની સરહદોનું રક્ષણ કરવા આરએસએસને તૈનાત કરવા સાથે સંમત છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ભાગવતની ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમની આ ટિપ્પણીથી દરેક ભારતીયનું અપમાન થયું છે કારણકે આપણા રાષ્ટ્ર માટે જે શહીદ થયા છે તેમનો અનાદર થયો છે. આ ટિપ્પણીથી તિરંગાનું અપમાન થયું છે કારણકે તેને સલામી આપનાર દરેક સૈનિકનું અપમાન થયું છે. આપણા શહીદો અને સેનાનું અપમાન કરવા બદલ ભાગવતને શરમ આવવી જોઇએ.

કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ ભાગવતના નિવેદનને ખેદજનક અને વિચલિત કરનારું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જે દેશોએ ખાનગી સુરક્ષા દળોને દેશની સુરક્ષાની કામગીરી સોંપી છે તેમને ભારે કીંમત ચૂકવવી પડી છે. તેમણે આ સંદર્ભમાં અફઘાનિસ્તાન, ઇરાક, સિરિયા, સોમાલિયા અને કોંગો ના ઉદાહરણ આપ્યા હતા અને જણાવ્યું હતું કે ભારત આવી કોઇ પણ પ્રવૃત્તિને મંજૂરી આપી ન શકે.

શર્માએ જણાવ્યું હતું કે આરએસએસ પ્રમુખનું નિવેદન ભારતીય સુરક્ષા દળોનું સીધું જ અપમાન છે. ઉલ્લેખનીય છે કે ભાગવતે જણાવ્યું હતું કે સૈન્યને તૈયાર થવામાં છ થી સાત મહિના લાગે પરંતુ સ્વયંસેવકો બે કે ત્રણ દિવસમાં જ તૈયાર થઇ જાય.

શર્માએ જણાવ્યું હતું કે આરએસએસ પ્રમુખે સેના અને દેશની માફી માગવી જોઇએ કારણકે તેમણે દેશની સેનાની બહાદુરી અને ક્ષમતા સામે પ્રશ્રો ઉઠાવ્યા છે. આવા નિવેદનથી આપણા સંરક્ષણ દળોના મનોબળ નબળા પડી શકે છે. શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાને આ મુદ્દે સ્પષ્ટત કરવી જોઇએ કે શું તેઓ રાષ્ટ્રીય સુરક્ષાનું કાર્ય આરએસએસને સોંપવા માગે છે? કોૅગ્રેસ અને તેમના કાર્યકરો ભાગવતની આ ટિપ્પણીનો મોટા પાયે વિરોધ કરશે.

સીપીઆઇ(એમ) અને 'આપ'એ  પણ ભાગવતની ટીકા કરી
સીપીઆઇ(એમ)ના વરિષ્ઠ નેતા અને કેરળના મુખ્યપ્રધાને પણ ભાગવતની માફીની માગ કરી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પણ સેના અંગે ટિપ્પણી કરવા બદલ ભાગવતની ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો કોઇ બીજાએ આ ટિપ્પણી કરી હોત તો કેન્દ્રની ભાજપ સરકારે તેને પાકિસ્તાન મોકલી દીધો હોત.

ભાગવતના નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું : મનમોહન વૈદ્ય
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પછી હોબાળો થતા આરએસએસએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યે જણાવ્યું છે કે ભાગવતે કહ્યું હતું કે જો જરૃર પડે અને બંધારણ પરવાનગી આપે ભારતીય સેનાને દેશની પ્રજાને તૈયાર કરવામાં છ મહિનાનો સમય લાગશે જ્યારે આરએસએસના સ્વયંસેવકોને તૈયાર કરવામાં ફક્ત ત્રણ દિવસનો સમય લાગશે કારણકે સ્વયંસેવકોને નિયમિત રીતે શિસ્તની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. વૈદ્યે વધુમાં જણાવ્યું છે કે ભાગવતે ભારતીય સેના અને સંઘના સ્વયંસેવકોની સરખામણી કરી નથી પણ તેમણે દેશના સામાન્ય લોકો અને સ્વયંસેવકોની સરખામણી કરી છે. જરૃર પડે તો બંનેને ભારતીય સેના જ તાલીમ આપશે.

More Stories:-


Post Your Comment