કઠુઆમાં રેપ સમયે બાળકીની ચીસો ન સંભળાય માટે તેને ભાંગ અપાઇ હતી


કઠુઆમાં રેપ સમયે બાળકીની ચીસો ન સંભળાય માટે તેને ભાંગ અપાઇ હતી

- કાશ્મીરના કઠુઆની ઘટનામાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ

- માતા-પિતા મંદિર સુધી ગયા પણ બાળકી બેભાન હતી, અપરાધીઓએ જાણ ન થવા દીધી


- સગીર વયનો અપરાધી ભાંગ આપીને રોજ રેપ કરતો હતો : પોલીસ

- દરરોજ આઠ નશીલી ગોળીઓ પણ આપીને તડપાવીને મારી નાખી

- બળાત્કારી સગીરને વિદ્યાર્થિનીઓની છેડતીના કેસમાં સ્કૂલમાંથી કાઢી મુકાયો હતો

શ્રીનગર, તા. 15 એપ્રિલ 2018, રવિવાર

જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષની બાળકી સાથે સાત દિવસ સુધી ગેંગરેપ કરવામાં આવ્યો. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ભારતને બદનામ કરીને રાખી દીધુ છે.

સંયુક્ત રાષ્ટ્રએ પણ તેની નોંધ લીધી છે ત્યારે આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે જણાવ્યું છે કે આ બાળકીને જમ્મુના કઠુઆમાં એક મંદિરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી.

દરમિયાન પહેલા જ દિવસે બાળકીને ભાંગ પીવડાવી દેવામાં આવી હતી જેથી તે કંઇ જ બોલી નહોતી શકતી અને બેભાન જેવી અવસ્થામાં રહેતી હતી. આઠ અપરાધીઓમાંથી સગીર વયના અપરાધીએ આ બાળકીને સૌપ્રથમ મોઢામાં બળજબરીથી ભાંગ નાખી દીધી હતી. જે બાદ જ્યારે તેનો રેપ કરવામાં આવ્યો ત્યારે તે કંઇ જ બોલી નહોતી શકી. સાત દિવસ સુધી તેને નશીલા પદાર્થો આપીને જ રાખવામાં આવી હતી.

તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચના જણાવ્યા મુજબ પીડિતાને એપીટ્રિલ ૦.૫ એમજીની અનેક ગોળીઓ પણ ખવડાવવામાં આવી હતી. ડોક્ટરોએ પોલીસને જણાવ્યું હતું કે કોઇને દિવસભરમાં એપિટ્રિલ ૦.૫ એમજીની એક ગોળીથી વધુનું સેવન કરાવવામાં આવે તો તેનાથી જોખમ વધી જાય છે. જોકે આરોપીઓએ પીડિતાને એક જ દિવસમાં આવી આઠ ગોળીઓ ખવડાવી દીધી હતી.

તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે ૧૦મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ બાળકી ગુમ થઇ હતી. તે પોતાના ઘોડાને ચરાવી રહી હતી. બાળકી ગુમ થતા માતા પિતા તેને શોધતા શોધતા એ મંદીર સુધી પહોંચી ગયા હતા કે જ્યાં તેને રાખવામાં આવી હતી, તે સમયે બાળકી મંદીરમાં બેભાન હતી જોકે તેની જાણકારી માતા પિતાને ન થવા દીધી અને બહારથી જ તેમને પાછા મોકલી દેવાયા.

પોલીસના જણાવ્યા અનુસાર બાળકીની હત્યા બાદ ઘણા દિવસ સુધી મૃતદેહને મંદિરમાં જ રાખવામાં આવ્યો હતો, જોકે વાતાવરણ ઠંડુ હોવાથી મૃતદેહ સડયો નહોતો. બાદમાં તેને મંદીરથી દુર ફેંકી દેવામાં આવ્યો હતો. જે આઠ અપરાધીઓની ધરપકડ કરાઇ છે તેમાં એક સગીર વયનો યુવક સામેલ પણ છે. આ શખ્સનો ઇતિહાસ પણ ઘણો જ અપરાધીક રહ્યો છે.

૧૫ વર્ષીય યુવકે બાળકી સાથે બે વખત રેપ કર્યો હતો, યુવકના ભાઇએ દાવો કર્યો છે કે આ શખ્સ દારુ અને સીગારનું સેવન કરતો હતો. આ વિસ્તારમાં લઘુમતીઓને નફરત કરતો હતો. દિવાળીના બે દિવસ બાદ આ સગીરને તેની શાળામાંથી પણ કાઢી મુકવામાં આવ્યો હતો. શાળાની વિદ્યાર્થિનીઓ સાથે ખરાબ વર્તનને કારણે તેની વિરુદ્ધ આ પગલા લેવાયા હતા.

More Stories:-


Post Your Comment