લોકસભામાં હોબાળા વચ્ચે ભાગેડુ આર્થિક અપરાધીઓ માટેનું બિલ રજૂ


લોકસભામાં હોબાળા વચ્ચે ભાગેડુ આર્થિક અપરાધીઓ માટેનું બિલ રજૂ

- સતત છઠ્ઠા દિવસે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ


- ઇકોનોમિક ઓફેન્ડર બિલ હેઠળ વિદેશ ભાગી ગયેલા કૌૈભાંડીઓની મિલકતો વેચી દેવાશે
- લોકસભાની કાર્યવાહી આખો દિવસ સ્થગિત

નવી દિલ્હી, તા.૧૨ માર્ચ 2018, સોમવાર

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ હતો. લોકસભાની કાર્યવાહી શરૃ થતા જ ટીડીપી સાંસદો અધ્યક્ષની ખુરશી પાસે આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં. આ હોબાળાની વચ્ચે લોકસભામાં ભાગેડું આર્થિક અપરાધીઓની મિલકતો વેચવા સંબધિત બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

લોકસભાની કાર્યવાહી પ્રથમ ૧૨ વાગ્યા સુધી અને ત્યારબાદ સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભામાં આજે રાજ્ય કક્ષાના નાણા પ્રધાન શિવપ્રતાપ શુક્લએ ભાગેડું આર્થિક અપરાધી બિલ, ૨૦૧૮ રજૂ કર્યુ હતું. આ બિલમાં ભાગેડું અપરાધિઓની સંપત્તિ જપ્ત કરવા અને તેના પર કાયદાકીય કાર્યવાહી કરવા જેવી જોગવાઇઓ સામેલ કરવામાં આવી છે.

આ બિલને ફ્યૂજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર બિલ નામ આપવામાં આવ્યું છે.૧૦૦ કરોડ રૃપિયાથી વધુનું કૌૈભાંડ કરનારાઆ ડિફોલ્ટરોને આ બિલ લાગુ પડશે. આ બિલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટથી ભિન્ન છે. આ બિલ હેઠળ નિરવ મોદી જેવા વિદેશ ભાગી ગયેલા કૌૈભાંડીઓની મિલકતો વેચવામાં આવશે.

આ બિલની વિશેષતા એ છે કે ભાગેડું વ્યકિતની ફક્ત અપરાધ દ્વારા મેળવેલી સંપત્તિ જ નહીં પણ તમામ મિલકતો જપ્ત કરવામાં આવશે.

બિલ રજૂ કરતી વખતે પણ સંસદમાં જોરદાર હોબાળો ચાલુ રહ્યો હતો. બીજેડી સાંસદ ભૃતહરિ મેહતાબે આ બિલનો વિરોધ કરતા સંસદમાં જણાવ્યું હતું કે કાયદામાં અગાઉથી જ ભાગેડું અપરાધિઓ માટે સજાની જોગવાઇ છે જ ત્યારે નવું બિલ લાવવાની કોઇ જરૃર નથી. આ બિલને ગયા સપ્તાહમાં જ કેબિનેટની મંજૂરી મળી હતી. શુકલએ ચીટ ફંડ(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૮ પણ રજૂ કર્યુ હતું.

રાજ્યસભાની કાર્યવાહી સતત છઠ્ઠા દિવસે ઠપ

રાજ્યસભામાં સતત છઠ્ઠા દિવસે વિરોધ પક્ષોએ પોતાના મુદ્દાઓ ઉપર હોબાળો ચાલુ રાખત કોઇ કામગીરી થઇ શકી ન હતી. ટીડીપીએ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવા, એઆઇએડીએમકેએ કાવેરી નદી મુદ્દે હોબાળો ચાલુ રાખ્યો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સિલિંગ અભિયાન બંધ કરવાની માગ કરી હતી. હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પ્રથમ બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર દિવસ માટે સ્થગિત કરાઇ હતી.

More Stories:-


Post Your Comment