તમિલનાડુમાં દાવાનળનો ભોગ બનેલા પર્વતારોહકોને જંગલમાં જવાની મંજૂરી ન હતી


તમિલનાડુમાં દાવાનળનો ભોગ બનેલા પર્વતારોહકોને જંગલમાં જવાની મંજૂરી ન હતી

- પર્વતારોહણ અકસ્માત મુદ્દે મુખ્ય પ્રધાન નારાજ

- ઉનાળામાં સૂકાવનમાં દવની શક્યતાને પગલે પર્વતારોહણની મંજૂરી અપાતી નથી


(પીટીઆઈ) સાલેમ, તા. ૧૨ માર્ચ 2018, સોમવાર

તમિલનાડુના પશ્ચિમ ઘાટની કુરંગાની પર્વતમાળામાં ફાટી નીકળેલા દાવાનળમાં ફસાયેલા પર્વતારોહકોએ, પર્વતારોહણ માટેની મંજૂરી મેળવી ન હતી. તેમ તમિલનાડુના મુખ્ય પ્રધાન કે. પલાનીસ્વામીએ કહ્યું હતું. કુલ ૩૬ સદસ્યો પર્વતારોહણ માટે ગયા હતા.

૩૬ સદસ્યો પૈકી છ યુવતિ અને ત્રણ યુવાનો એમ નવ વ્યક્તિના દાવાનળના અગ્નિથી દાઝી જવાને કારણે મૃત્યુ નિપજ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેમણે પર્વતારોહણ માટે મંજૂરી મેળવવી જોઈએ. જે લોકો મંજૂરી મેળવ્યા વિના પર્વતારોહણ કરશે તેમની સામે ભવિષ્યમાં કડક પગલાં લેવાશે. તેમણે ઉમેર્યું હતું કે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય રીતે પર્વતારોહણની મંજૂરી આપવામાં આવતી નથી. કેમકે ઊંચાણવાળા વન વિસ્તારો એકદમ સુકા હોય છે જેમાં આગ ફાટી નીકળવાની શક્યતા ઘણી વધારે હોવાથી આ દુર્ઘટના બનવાની શક્યતા રહે છે.

તેમણે માહિતી આપી હતી કે ૩૬ વ્યક્તિઓની આ ટીમમાં ૨૪ વ્યક્તિ ચેન્નાઈના જ્યારે ૧૨ તિરૃપુર અને ઈરોડ જિલ્લાના હતા. નવના મૃત્યુ નિપજ્યા છે જ્યારે દાઝેલા ૧૭ પૈકી પાંચ થેનીમાં જ્યારે બાકીનાને મદુરાઈની હોસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. તેઓએ મદુરાઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની મુલાકાત લઈ તેમના જલ્દી સાજા થવાની કામના વ્યક્ત કરી હતી.

More Stories:-


Post Your Comment