પાક. સાથેના યુદ્ધ પછીયે આતંક ઘટયો નહી હોવાથી વાટાઘાટો જ એકમાત્ર ઉપાય : મહેબૂબા


પાક. સાથેના યુદ્ધ પછીયે આતંક ઘટયો નહી હોવાથી વાટાઘાટો જ એકમાત્ર ઉપાય : મહેબૂબા

- પાકિસ્તાનના ગોળીબાર, હુમલાને કારણે કાશ્મીરના યુવકોનું ભાવી અંધારામાં

- માત્ર હું જ નહીં વાજપેયીએ પણ વાતચીતને યોગ્ય રસ્તો ગણાવ્યો હતો : કાશ્મીર વિધાનસભામાં મેહબૂબાનો દાવો


નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

કાશ્મીરના સૈન્ય કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો, આ હુમલા પાછળ પાકિસ્તાન જવાબદાર હોવાનું પણ સ્પષ્ટ થઇ ગયું છે. બીજી તરફ સરહદે પણ પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે. આ બધી સ્થિતિ વચ્ચે કાશ્મીરમાં ચારેય બાજુ આતંકવાદ અને પાકિસ્તાન સૈન્યના ગોળીબારને કારણે ભયનો માહોલ છે.

જેને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તીએ જણાવ્યું છે કે પાકિસ્તાન સાથે ભારત યુદ્ધ કરશે તો ભારત જ જીતશે અને અગાઉ પણ જીતી ચુક્યું છે. પણ યુદ્ધ એ કોઇ સમાધાન નથી, અગાઉ પણ બન્ને દેશો વચ્ચે યુદ્ધ થઇ ચુક્યું છે. મેહબુબા મુફ્તીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને ભારત બન્ને દેશો આ સમસ્યાનું નિરાકરણ વાતચીતથી જ કરી શકે તેમ છે.

છેલ્લા ત્રણ દિવસથી સરહદે પાકિસ્તાન ગોળીબાર કરી રહ્યું  છે. જેને પગલે સરહદી શાળાઓ પણ એક મહિનાથી બંધ છે. જેને પગલે મેહબુબા મુફ્તીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના આ ગોળીબારને કારણે કાશ્મીરના બાળકોનું ભવિષ્ય જ ખતરામાં છે. મેહબુબા મુફ્તીએ સોમવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં ખુની ખેલને રોકવા માટે પાકિસ્તાન સાથે વાતચીત જરુરી છે. હું બન્ને દેશો માટે વાતચીતને જ યોગ્ય ઉપાઇ માની રહી છું જેને પગલે મને ટીવી ચેનલો વાળા એન્ટિ નેશનલ કહી દેશે. પણ મને તેની કોઇ ચિંતા નથી. વાતચીત જ ઉપાય છે તેવું માત્ર હું નહીં અગાઉ અટલ બિહારી વાજપેયી પણ કહી ચુક્યા હતા.

જોકે અગાઉ કાશ્મીરના વિપક્ષ પાર્ટી નેશનલ કોન્ફરંસના વડા ફારુક અબ્દુલ્લાએ મેહબુબા મુફ્તીથી અલગ નિવેદન આપ્યું હતું, તેઓએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું કે જો પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનું બંધ નહીં કરે તો ભારત પાકિસ્તાન સામે યુદ્ધ છેડશે અને તેને કોઇ રોકી નહીં શકે. કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની ખોટી નીતીઓને કારણે હાલ કાશ્મીરની સ્થિતિ આવી ગઇ છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે કાશ્મીર મોદી સરકારે સત્તા સંભાળી તે પહેલા શાંત હતું અને હવે દરરોજ આતંકી હુમલા થઇ રહ્યા છે.

More Stories:-


Post Your Comment