જમ્મુ-કાશ્મીરમાં ફરી ભારે બરફવર્ષા શ્રીનગર હાઇવે બંધ કરાયો


જમ્મુ-કાશ્મીરમાં ફરી ભારે બરફવર્ષા શ્રીનગર હાઇવે બંધ કરાયો

- આ શિયાળાની સૌથી ભારે બરફવર્ષા

- ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બેનાં મોત, આઠ ઘાયલ પંજાબ અને હરિયાણામાં છૂટોછવાયો વરસાદ


શ્રીનગર એરપોર્ટની સવારની તમામ ફ્લાઇટો રદ : કાશ્મીર દેશથી વિખૂટું પડયું
(પીટીઆઇ) જમ્મુ-શ્રીનગર, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં નવેસરથી શરૃ થયેલી બરફવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. બરફવર્ષાને કારણે કાશ્મીર દેશથી વિખૂટું પડી ગયું હતું. શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં મોટાભાગના વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા અને વરસાદને કારણે જનજીવન ખોરવાયું હતું. પંજાબ અને હરિયાણામાં છૂટોછવાયો વરસાદ થયો હતો. ઉત્તર પ્રદેશાં વીજળી પડતાં બેનાં મોત થયાં હતાં.

જમ્મુ-શ્રીનગર હાઇવે પર કાઝીગુંડ જિલ્લામાં જવાહર ટનલ પર ભારે બરફવર્ષા થઇ હતી. બરફવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર વિઝિબિલીટી ઘટીને ૬૦૦ મીટર થઇ હતી. સવારે ૧૦.૩૦ કલાક સુધીની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આ શિયાળાની પ્રથમ ભારે બરફવર્ષા હતી. કાશ્મીરમા છેલ્લા ૩૮ વર્ષમાં જાન્યુઆરી માસ સૌથી સૂકો રહ્યો હતો.

કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોનું તાપમાન શૂન્ય ડિગ્રી રહ્યું હતું. ગુલમર્ગમાં માઇનસ ૪.૬ ડિગ્રી તાપમાન હતું. કારગીલમાં માઇનસ ૧૪ અને લેહમાં માઇનસ ૧૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે બરફવર્ષાને પગલે જનજીવન ખોરવાયું હતું. હિન્દુસ્તાન તિબેટનો રોડ બંધ થતા ટ્રાફિકને બસંતપુર તરફ વાળવામાં આવ્યો હતો.

હિમાચલના કોઠીમાં ૧૫ સેન્ટીમીટર, કિલોંગમાં ૧૧, ભારમેરમાં ૧૦ અને કલ્પામાં ૧.૬ સેન્ટીમીટર બરફ પડયો હતો. મનાલી, ધરમસાલા, નૈનાદેવી અને ધરમપુર સહિત ઘણા વિસ્તારોમાં ૨૦થી ૩૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. કિલોંગ માઇનસ ૪.૯ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ થયો હતો. મોટા ભાગના વિસ્તારોનું તાપમાન બેથી ત્રણ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. બદ્રીનાથ, હેમકુંડ, નંદાદેવી અને કેદારનાથમાં તીવ્ર ઠંડી પડી હતી. ઉત્તર પ્રદેશના સહસાવન ગામે વીજળી પડતાં બેનાં મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા.

પંજાબ અને હરિયાણામાં છૂટોછવાયો વરસાદ થયો હતો. જોકે લઘુતમ તાપમાન ઊંચું ગયું હતું. આ વરસાદથી ઘઉંના પાકને લાભ થતો હોઇ ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ચંડિગઢમાં ૧૨, અમ્બાલામાં ૧૨, હિસારમાં ૧૨.૬, કરનાલમાં ૧૦.૫ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. અમૃતસરમાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું.

More Stories:-


Post Your Comment