ફલોરિડા યુનિવર્સિટીના ગુજરાતી કલ્ચરલ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી કાવ્યોત્સવ યોજાયો


ફલોરિડા યુનિવર્સિટીના ગુજરાતી કલ્ચરલ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી કાવ્યોત્સવ યોજાયો

- ચાલો સાથે મલી ભગવાનના વારસ બની જઈએ શરત છે એટલી કે બસ માણસ બની જઈએ

- અમેરિકાના અનેક શહેરોમાંથી સૌના જાણીતા કવિઓ અત્રે કાવ્ય મહોત્સવમાં જોડાયા


(પ્રતિનિધિ રાજેશ શાહ ધ્વારા)    બે એરિયા, તા. 9 2018,  સોમવાર

જગવિખ્યાત ફલોરિડા યુનિવર્સિટીના ગુજરાત રિજીયન કલ્ચરલ પ્રોગ્રામ અને સેન્ટર ફોર ધી સ્ટડી ઓફ હિન્દુ ટ્રેડિશન્સના સૌજન્યથી 'સુવર્ણા ડી. શાહ' ૪થા ગુજરાતી કાવ્ય મહોત્સવનું ખુબ સુંદર આયોજન થયું હતું.

આ બે દિવસીય કાવ્ય મહોત્સવ ઓરલાન્ડો શહેરના રોઝેન જ્યુઇસ કોમ્યુનિટી સેન્ટરના ઓડિટોરિયમમાં તા. ૩૧ માર્ચ ૨૦૧૮ અને ૧ એપ્રિલ ૨૦૧૮ ના રોજ શાનદાર રીતે ઉજવાયો.

૨ દિવસીય ગુજરાતી કાવ્ય મહોત્સવમાં ગુજરાતી ભાષા-સાહિત્યના સૌના માનિતા ભાગ્યેશભાઈ ઝા અને કવિ હિતેન આનંદપરાએ પધારી અમેરિકાના સૌ કવિઓ અને ગુજરાતી ભાષા સાહિત્ય પ્રેમીઓને અતિ આનંદિત કર્યા હતા.

મૂળ કપડવંજના ડો. દિનેશ ઓ. શાહ યુનિવર્સિટી ઓફ ફલોરિડાના પ્રોફેસર EMIRITUSઅને કેમીકલ એન્જી તથા એનેસ્થેસીઓલોજી ફર્સ્ટ ચાલ્સ સ્ટોક્સ પ્રોફેસર હોવા ઉપરાંત વૈજ્ઞાાનિક અને જાણીતા કવિ છે. તેઓ તેમની પત્ની સુવર્ણા ડી. શાહની યાદમાં કાવ્ય મહોત્સવનું દર બે વર્ષે આયોજન કરે છે.

જાણીતા કવિઓ - ન્યુ જર્સીથી ધૃતિકા સંજીવ, ન્યુયોર્કથી પ્રીતિ સેન ગુપ્તા, શિકાગોથી રેખા શુકલ, ભરત દેસાઈ, કેલિફોર્નિયાથી સપના વિજાપુરા, ફુલવતીબેન શાહ, ફલોરિડાથી શુશ્રુત પંડયા, મનુભાઈ નાયક, ડૉ. સ્નેહલતા પંડયા, ડૉ. દિગેશ ચોકસી, રવિ નાયક, વેણુ મહેતા, સોનલ પટેલ વિ. એ તેઓએ રચેલ તેમની ખાસ ચાહિતી કવિતાનો સૌને રસાસ્વાદ કરાવ્યો હતો.

કરમસદ (ઇન્ડિયા)થી શ્રી રમેશ પટેલ, સંગીત સંધ્યા બેન્કવેટ- ગરબા માટે ઇન્ડિયાથી ખાસ કરણીક શાહ ગુ્રપ અને કેલિફોર્નિયાથી મિડિયા કવરેજ (ગુજરાત સમાચાર) માટે રાજેશ શાહને આમંત્રણ આપ્યું હતું.

બે દિવસીય કાવ્ય મહોત્સવના પ્રથમ દિવસે હિમાંષુ ભટ્ટ સેસનના ચેર પર્સન ડો. દિનેશભાઈ શાહ, શિતલ જોષી સેસનના ચેરપર્સન ડૉ. સ્નેહલતા પંડયા, માસ્ટર ઓફ સેરિમની ડૉ. સુમંત પંડયા રવિવારે ચેરપર્સન ડૉ. દિગેશ ચોકસી હતા.

મૂળ તામિલ એવા ડૉ. વસુધા નારાયણ યુનિ. ઓફ ફલોરિડાના ડિપા. ઓફ રિલિજીયનના પ્રોફેસર અને સેન્ટર ફોર હિન્દુ ટ્રેડિશનના ડાયરેકટર છે તેમણે આ કાવ્ય મહોત્સવને સફળ બનાવવા સિંહફાળો આપ્યો હતો.

૨૧મી સદીના ટેકનોલોજી યુગમાં ભગવદ્ ગીતાનો સંદેશ
ભાગ્યેશભાઈ ઝાએ ૨૧મી સદીમાં ભગવદ્ ગીતાનો સંદેશ વિષય ઉપર એક કલાક થી વધુ સમય તેઓએ ખુબ સચોટ અને રસપ્રદ વિચારો રજૂ કર્યા હતા. સૌએ તાલીઓના ગડગડાટથી તેમને વધાવ્યા હતા. તેમણે રજૂ કરેલી કવિતાઓ પણ રંગ લાવી હતી. જાણીતા કવિ હિતેન આનંદપરાને સૌ કવિતા પ્રેમીઓએ મન મૂકીને માણ્યા હતા. બાળપણ જીવન અને પ્રેમ ઉપરની તેમની મૌલિક કવિતાઓના શેર તો મેદાન મારી ગયા.

જીંદગી બે ચાર સપનાની સજાવટ હોય છે
તે છતાંય શું કામ તેમાં બનાવટ હોય છે ?

શિકાગોના કિશોર દેસાઈની બુલંદ રજૂઆત અને ગઝલોની મીઠાશને સૌએ માણી.

કવયત્રિ ધૃતિકા સંજીવે ચરોતરી ભાષામાં કવિતા રજૂ કરી સૌના મન જીતી લીધા. તેમની કવિતાઓમાં કંઇક અલગ મિઠાશ હતી. ડો. સ્નેહલત્તા પંડયાએ ઝાંખી ઝાંખી નજરોએ ગીત ગાઈને રજૂ કર્યું. તેમની 'ખબર નથી' ગઝલે સૌને ખુશ કર્યા. જાણીતા કવયત્રી-સપના વિજાપુરાની ગઝલોને સૌએ મન મુકીને માણી. ૮૨ વર્ષની ઉંમરે પણ કવિતાપ્રેમ જાળવી રાખતાં ફૂલવતીબેન કવિતાઓ રજૂ કરી.

સૌના મનને મોહી લે તેવા અદ્ભૂત અવાજમાં શુશ્રુત પંડયાએ શ્રી રજનીશની કવિતા, રવિન્દ્રનાથ ટાગોરનો પ્રેમ પત્ર, રમેશ પારેખ અને રાજેન્દ્ર શુકલની ગઝલો રજૂ કરી. અચાનક વિદાય લેનારા જાણીતા કવિ શિતલ ભટ્ટ માટે અનિલ ચાવડા અને ભાવેશ ભટ્ટે લખેલી શ્રધ્ધાંજલિ તેમની પત્ની હેતલ જોષી રજૂ કરતાં સૌના આંખોમાં અશ્રુ આવી ગયા. મનુભાઈ નાયકે છંદમાં રચેલા પ્રેમગીતો- ગઝલો રજૂ કરી ડૉ. દિનેશભાઈ શાહે સ્વરચિત કાવ્યોની ખુબ સુંદર રજૂઆત કરતાં સૌએ તાળીઓથી તેમને વધાવી લીધા હતા.

લાંબી સફરના સ્વપ્નો સાથે લઈ ફરૃં છું
વાગોળી ફરી યાદોં જવાની ફરી જીવું છું

કવયત્રિ રેખા શુકલની ગઝલો અને કવિતાઓ રંગ રાખી ગઈ. અનોખી રજૂઆત અને ભાવપૂર્ણ ગઝલો દિલને સ્પર્શી ગઈ. સાડા સાત ખંડનો પ્રવાસ ખેડનાર કવયત્રિ પ્રીતિ સેન ગુપ્તાની ગઝલો પર સૌ વારી ગયા.

ગીત-સંગીત-ગરબાની જમાવટ સાથે વડોદરાના કરનિક શાહે બેન્કવેટ હોલમાં ૨ કલાક સુધી ભરપુર મનોરંજન પુરુ પાડયું.

આ બે દિવસીય કાવ્ય મહોત્સવના ખાસ અતિથિ વિશેષ તરીકે ગુજરાત, ગુજરાતી ભાષા- સાહિત્યપ્રેમી હંસાબેન અને હિંમતલાલ પારેખ હતા.

More Stories:-


Post Your Comment