વંદના જીંગન ચૂંટણી લડવા અયોગ્ય જાહેર થતા ખળભળાટ


વંદના જીંગન ચૂંટણી લડવા અયોગ્ય જાહેર થતા ખળભળાટ

- હિંદુ કોએલેશન સમર્પિત ઉમેદવાર

- ચૂંટણીમાં નિયમોમાં ફેરફાર કર્યા અનુસાર કેટલીક અનિયમિતતા બહાર આવી


(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)  બાર્ટલેટ, (શિકાગો), તા.૧૨ ફેબ્રઆરી 2018, સોમવાર

રીપબ્લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્લીકન પાર્ટીના ઇલીનોઇ કોંગ્રેસનલ પ્રાયમરી ચૂંટણીના ઉમેદવાર વંદના જીંગન ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર થતાં તે અંગેના સમાચારો સમગ્ર શિકાગો તેમજ તેના પરાં વિસ્તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયમાં વાયુ વેગે પ્રસરી જતાં તમામ લોકોમાં આશ્ચર્યની લાગણી પ્રસરી જવા પામેલ છે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ ઉમેદવાર માટે જે નોમીનેટીંગ પિટીશન રજુ કરવામાં આવેલ તેમાં ચૂંટણીના કાયદા અનુસાર કેટલીક અનિયમિતતા પ્રકાશમાં આવતાં તેમને પ્રાયમરીની ચૂંટણી લડતા અટકાવવામાં આવ્યા છે અને તેમનું નામ ઉમેદવારી પત્રકમાંથી એક ઉમેદવાર તરીકે રદ કરવામાં આવેલ છે અને તે અંગેનો નિર્ણય સ્ટેટ બોર્ડ ઓફ ઇલેકશનના અધિકારીએ જાહેર કર્યો હતો. પરંતુ ઉમેદવારી પત્રકમાં જેમનું નામ રદ કરવામાં આવેલ છે તેવા રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનના વકીલે જણાવ્યું હતું કે આ નિર્ણય સામે અમો અપીલમાં જઈશું અને ત્યાં આગળ અમો આ સમગ્ર પ્રકરણ અંગે યોગ્ય ન્યાયની માંગણી કરીશું.

ઇલીનોઇ રાજ્યના આઠમા ડીસ્ટ્રીક્ટમાં યુએસ હાઉસના પ્રતિનિધિની માર્ચ માસની ૨૦મી તારીખે પ્રાયમરીની ચૂંટણી યોજાનાર છે અને હવે ડેમોક્રેટીક પાર્ટી તરફથી હાલમાં ચૂંટાયેલા કોંગ્રેસમેન રાજન કૃષ્ણમૂર્તિ તથા રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર જીતેન્દ્ર દિગવાનકર ફકત બે જ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હોવાથી આવતા નવેમ્બર માસમાં આ બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

પરંતુ રાજ્યના ચૂંટણી અધિકારીએ રીપબ્લીકન પાર્ટીના કોંગ્રેસના ઉમેદવાર વંદના જીંગનનું નામ ઉમેદવારી પત્રકમાંથી રદ કરતા તેઓ આ અંગે અપીલમાં ગયા હોવાથી ત્યાં આગળથી જો તેમને પુનઃસ્થપિત કરવાનો હૂકમ ન મળે તો આ ચૂંટણી અંગે નવેમ્બર માસમાં સીધો મુકાબલો થશે. આ અંગેનો સમગ્ર આધાર અપીલ કોર્ટના ચુકાદા પર અવલંબશે.

આ અંગે જાણવા મળે છે તેમ રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનજીએ પોતાની નોમીનેટીંગ પીટીશન માટે મતદાતાઓની જે સહીઓ રજુ કરેલ તે અંગે ઇલીનોઇ સ્ટેટ બોર્ડ ઓફ ઇલેકશનના અધિકારીઓએ તેમાં ૧૨૫૦ જેટલી સહીઓ અમાન્ય ઠેરવી હતી. કારણ કે તેને યોગ્ય રીતે નિયમો અનુસાર એકત્રિત કરવામાં આવી ન હતી.

ઇલીનોઈ રાજ્યમાં જે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેમાં જે તે ઉમેદવારોએ પ્રથમ પ્રાયમરીની ચૂંટણીમાં જે તે પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવવી પડે છે અને તેમાં જે ઉમેદવાર વિજયી નિવડે તેમણે આગામી નવેમ્બર માસમાં યોજવામાં આવનાર સામાન્ય ચૂંટણીમાં ભાગ લેવાનો રહે છે અને તેનો જે પક્ષનો ઉમેદવાર વધુ મતો મેળવીને વિજયની વરમાળા પહેરે તેને હાઉસમાં પ્રતિનિધિ કરવાનો હક પ્રાપ્ત થાય છે.

આ મતદાર ક્ષેત્રમાંથી હાલમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર રાજન કૃષ્ણમૂર્તિ હાઉસમાં પ્રતિનિધિ કરે છે અને તેમના મત ક્ષેત્રમાં ૭૦ ટકા લોકો વાઇટ તથા ૧૨ ટકા જેટલા એશીયન લોકો વસવાટ કરે છે.
આ મત ક્ષેત્ર એ ડેમોક્રેટીક પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે. હાલમાં હાઉસમાં ચાર ઇન્ડીયન અમેરિકન પ્રતિનિધિત્વ કરે છે અને સેનેટમાં ફક્ત એક જ સેનેટર તરીકે કમલા હેરીશ તે અંગેનું પ્રતિનિધિત્વ કરે છે.

રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગન ટી.વી. એશીયાના મીડવેસ્ટ રીજીયનના પ્રતિનિધિ તરીકે મીડીયામાં કાર્ય કરે છે અને તેમના નોમીનેશન અંગે શામ્બર્ગ વિસ્તારના એક મતદાર સ્ટીવન એન્ડરસને વાંધો ઉઠાવ્યો હતો અને સ્ટેટ ઇલેકશન બોર્ડને તે અંગે ઘટતું કરવા અરજ ગુજારી હતી.

ઇલેકશન બોર્ડના અધિકારીઓએ આ અંગે જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી અને જે પીટીશન ચૂંટણી અંગે ફાઇલ કરવામાં આવી હતી તે ચૂંટણીના નિયમો અનુસાર ન હતી તેમજ તેમાં કેટલીક ગેરરીતિઓ પણ થયેલી જોવા મળી હતી. અને તેથી તેમનું નામ ઉમેદવારી પત્રકમાં દર્શાવવું નહીં એવો હૂકમ જાહેર કર્યો હતો.

આ હૂકમ સામે રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનના વકીલે ઇલીનોઇ રાજ્યની કુક કાઉન્ટી સર્કીટ કોર્ટમાં અપીલ દાખલ કરેલ છે અને તે અંગેની જરૃરી સુનાવણી નામદાર ન્યાયાધીશે પણ હાથ ધરેલ છે પરંતુ તે અંગેનો ચુકાદો આ હેવાલ લખાઇ રહ્યો છે ત્યાં સુધીમાં આવ્યો નથી. નામદાર કોર્ટના ન્યાયાધીશ વંદના જીંગનની તરફેણમાં ચુકાદો આપશે તો રીપબ્લીકન પાર્ટીના બંને ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાશે પરંતુ સમગ્ર આધાર ન્યાયાધીશના ચુકાદા પર અવલંબે છે.

More Stories:-


Post Your Comment