હેરલી-ડેવિડસનનો અવાજ સાંભળી ટ્રમ્પ કાન બંધ કરે છે


હેરલી-ડેવિડસનનો અવાજ સાંભળી ટ્રમ્પ કાન બંધ કરે છે

- ૫૦ ટકા ડયુટીના કારણે સુપરબાઇકનો બમણો ભાવ

- ભારતની બાઇક પર અમેરિકામાં ડયુટી નથી જ્યારે અમેરિકી બાઇક પર ભારતમાં ૫૦ ટકા ડયુટી


યુધ્ધના મોરચાની સાથે સાથે અમેરિકાના પ્રમુખે હવે વેપારનો મોરચો સંભાળ્યો છે. પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની મેન્ટાલીટી સુપરમેન જેવી છે. તે માને છે કે અમેરિકા ગમે તે વિવાદમાં હાથ નાખે છે. ક્યારેક તે સાચા હોય છે તો મોટાભાગે તે ખોટા હોય છે. ડૉનાલ્ડ ટ્રમ્પ ભારત અને ચીન બંને પર ધૂંઆ-પૂંઆ એટલા માટે છે કે અમેરિકી પ્રોડક્ટ પર આ બંને દેશો ટેક્ષ નાખે છે અને અમેરિકામાં આવતી પ્રોડક્ટ પર કોઇ ટેક્ષ નથી લદાતો !!

આ વિવાદ એટલા માટે ઊભો થયો કે અમેરિકાની બાઇક હેરલી-ડેવિડસન પર ભારતે ૫૦ ટકા ડયુટી નાખી છે. જ્યારે અમેરિકામાં આયાત થતી ભારતની બાઇક પર ઝીરો ડયુટી છે. ટ્રમ્પના ધ્યાનમાં આ ડયુટીનો મુદ્દો આવતા તેમણે 'રેસીપ્રોકલ ડયુટી' લાદવાની ધમકી આપી છે.

ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં કહી રહ્યા છે કે અમેરિકી પ્રોડક્ટ પર ભારત અને ચીન ૨૫થી ૭૫ ટકા જેટલી ડયુટી નાખે તો અમારી પ્રોડક્ટ બમણી કિંમતની થાય એટલે તેનું વેચાણ ઘટી શકે છે જ્યારે ભારત અને ચીન અમેરિકામાં ડ્યુટી ભરતા નથી એટલે તે પ્રોડક્ટ વધુ વેચાય છે.

ટ્રમ્પ માને છે કે અમેરિકન કંપનીઓને મળવા જોઇતું સન્માન વિશ્વમાં કોઇ દેશ આપતા નથી. ચીન અમેરિકી કાર પર ૨૫ ટકા ડયુટી લાદે છે જ્યારે અમેરિકા ચીનથી કાર આયાત કરે છે તેના પર અઢી ટકા ડયુટી લાદે છે. ટ્રમ્પ કહે છે કે અમારે ચીન સાથે સારા વેપારી સંબંધો છે પણ અમારી ઓછી ડયુટીના કારણે વર્ષે-દહાડે ૫૦૦ અબજ ડૉલરનો ફટકો પડે છે.

સ્ટીલ અને એલ્યુમીનીયમની આયાત કરતું અમેરિકા ડયુટી સ્ટ્રકચરના કારણે ખોટ કરે છે. એટલે જ સ્ટીલ - એલ્યુમિનિયમની આયાત પરના ડયુટીના માળખામાં ટ્રમ્પ સરકારે નવું માળખું જાહેર કર્યું છે.

જોકે જાપાન માને છે કે જો અમેરિકા સ્ટીલ અને એલ્યુમિનિયમની ડયુટીમાં વધારો કરશે તો બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો બગડવાની શક્યતા છે.

છેલ્લા અઠવાડીયાથી ટ્રમ્પ અને તેમના સાથીઓ સ્ટીલ તેમજ એલ્યુમિનિયમની આયાત પર ૨૫ ટકા ડ્યુટી નાખવાનો નિર્ણય લેવા ચર્ચા કરી રહ્યા હતા. અંતે તે અમલમાં મૂકાઇ રહ્યું છે.

અમેરિકા બહુ મોડું જાગ્યું છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ એ મુદ્દો ચગ્યા પાછળનું મુખ્ય કારણ હેરલી-ડેવિડસન છે. આ આધુનિક ફટફટીયાંનો અવાજ સાંભળી ટ્રમ્પ કાન બંધ કરી દે છે કેમકે ભારતમાં તે જંગી ડયુટીના કારણે વધુ વેચાતું નથી જ્યારે ભારતની બાઇક અમેરિકામાં ડયુટી ફ્રી મળી શકે છે.

ટ્રમ્પ ગમે ત્યારે ભારત-ચીનની પ્રોડક્ટ પર ડયુટી વધારી શકે છે. ટ્રમ્પ રેસીપ્રોકલ ટેક્સની વાત કરે છે તે ભારતના વેપારને ફટકા સમાન વાગી શકે છે. હેરલી-ડેવિડસન પર ૫૦ ટકા ડયુટી નાખીને ભારતે અમેરિકાને વિચારતું કરી દીધું છે. આ ડયુટી અને અન્ય ટેક્સના કારણે આ સુપર બાઇક તેની મૂળ કિંમત કરતા બમણી કિંમતે ભારતમાં વેચાય છે.

ટ્રમ્પ જે રેસીપ્રોકલ ટેક્સની વાત કરે છે તે ટૂંકમાં જેવા સાથે તેવા જેવી વાત છે. ભારત જે ડયુટી અમેરિકી પ્રોડક્ટ પર નાખે છે તેવી જ માત્રામાં જો અમેરિકા ભારતની પ્રોડક્ટ પર નાખશે તો બંને દેશના વેપારને ફટકો પડશે. ભારતની સ્થિતિ વધુ કફોડી થશે કેમકે ભારતથી આયાત કરાતા વાહનો અમેરિકામાં સસ્તા પડે છે. આ 'સસ્તા' પાછળનું મૂળ કારણ ડ્યુટી નથી હોતી.

ભારતમાં હેરલી-ડેવિડસન એક આંગળીને વેઢે ગણાય એટલી વેચાય છે. ભારતે તેના પર ૫૦ ટકા ડયુટી નાખીને તેને મોંઘીદાટ બનાવી દીધી છે.

ભારતમાં હેરલી-ડેવિડસનના ઘણા પ્રશંસકો છે. આવી હેવી ડયુટીવાળી બાઇક ઘણાં ખરીદે છે પણ ભારતના રસ્તાઓનો વાંક આગળ ધરીને બાઇકને મૂકી રાખવામાં આવે છે. જો આ બાઇક સસ્તી હોત તો ભારતમાં તેના અનેક ગ્રાહકો બની શકે એમ છે. ભારતે આવક ઊભી કરવા લીધેલા પગલામાં હેરલીૃ-ડેવિડસન ઝપટમાં આવી ગઇ હતી.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ કહે છે કે અમે માર્કેટ આપીએ છીએ પણ તેના માટે ખોટ ખાવી એ યોગ્ય નથી. આ રીતે અમેરિકી કંપનીઓ પર આક્રમણ થાય છે.

અમેરિકાના પ્રમુખના આક્રોશને તેમના સાથીઓએ આવકાર્યો છે. શા માટે અમેરિકા ખોટ ખાય; શા માટે અમેરિકી કંપનીઓ પર પ્રેશર વધે અને શા માટે ભારત-ચીન જેવા દેશો અમારો લાભ ઊઠાવે ? અમેરિકાના બિઝનેસ સર્કલને પણ ટ્રમ્પની વાતો પસંદ આવી છે.

જો ટ્રમ્પ તેમના વેપારી ગણિતમાં સફળ થાય તો ચીનથી આવતી પ્રોડક્ટ કે ભારતથી આવતી પ્રોડક્ટ પર બ્રેક વાગી શકે છે.

ટ્રમ્પના અચાનક નિર્ણયથી વેપારી આલમમાં ફફડાટ છે. એક તો સ્ટીલ - એલ્યુમિનિયમની નિકાસ પર બ્રેક લાગશે અને લોકો વધુ પૈસા ચૂકવતા થશે.

પ્રસંગપટ

More Stories:-


Post Your Comment