પેટ્રોલ જ્ર ૧૦૦ !! ઓઇલના વધતા ભાવો સત્તાધારી પક્ષને ગુંગળાવશે


પેટ્રોલ જ્ર ૧૦૦ !! ઓઇલના વધતા ભાવો સત્તાધારી પક્ષને ગુંગળાવશે

- પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી પ્રજા ભીંસમાં

- વાહનોના વેચાણમાં વધારો : પબ્લિક ટ્રાન્સપોર્ટ લોકો વાપરતા નથી, વિરોધ ફેશન સમાન..


તા.11 ફેબ્રુઆરી 2018, રવિવાર

પેટ્રોલ - ડીઝલના વધતા ભાવોથી જેટલી સરકાર ભીંસમાં છે એટલી જ પ્રજાના બજેટ પર ભીંસ વર્તાય છે. જોકે પ્રજાના મોંમાંથી આ ભાવ વધારા અંગે એક હરફ પણ નથી નીકળતો. પ્રજા તરફથી કોઇ વિરોધ નથી થતો એટલે સમાચાર માધ્યમો પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને હેડલાઇન ન્યુઝ નથી ગણતા.

એક સમય હતો કે સરકાર પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા કરતાં સો વાર વિચારતી હતી કેમ કે લોકો ભાવ વધારા સામે હંમેશા આક્રોશ વ્યક્ત કરતા હતા. સરકારે બધું લીંકઅપ કર્યું છે એમ ઓઇલના વધતા ભાવો સાથે પેટ્રોલ-ડીઝલના ભાવે લીંક અપ કર્યા હોવાથી ભાવોમાં ચડ-ઉતર થયા કરે છે.

પેટ્રોલ - ડીઝલના ભાવોમાં વધારાનો વિરોધ એ ફેશન સમાન બની ગયો છે. લોકો વાહનોની ખરીદી કર્યા કરે છે; જેમની પાસે વાહનો છે તે એકાદ દિવસ પણ વેહીકલ-ફ્રી ડે રાખતા નથી. પેટ્રોલ-ડીઝલની આવક મર્યાદિત છે અને ઉપયોગ અમર્યાદીત છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી મોંઘવારીમાં વધારો થાય છે અને ફીક્સ આવકવાળાઓનું બજેટ ખોટકાઇ જાય છે. પેટ્રોલ-ડીઝલ એ બંને રોજીંદા વપરાશની યાદીમાં આવે છે. આર્થિક તંત્ર સાથે સંકળાયેલા જાણે છે કે પેટ્રોલ-ડીઝલમાં ભાવો સતત વધતા હોવા છતાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરમાં વેચાણ વધ્યું છે. ફોર વ્હીલર હવે ફેશન બની ગઇ છે. ફોર વ્હીલર ખરીદતી વખતે કોઇ પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે વિચારતું નથી. વાહનોની વધતી સંખ્યાની સાથે સાથે પેટ્રોલ-ડીઝલની ડીમાન્ડ વધી છે જ્યારે બીજી તરફ સપ્લાયના  ધાંધીયા છે.

સરકાર પાસે એક આસાન જવાબ છે કે ૨૦૧૦ની જુન-૨૬ અને ૨૦૧૪ની ૧૦ ઓકટોબરથી પેટ્રોલ-ડીઝલના ભાવો પરથી સરકારનો વહિવટી કંટ્રોલ નથી. સરકારે મધ્યમ વર્ગને રાહત થાય એ રીતે વિચારવાની જરૃર છે. વાહનો વાપરનારને પેટ્રોલ-ડીઝલના ભાવો આકરા પડે છે પરંતુ તેથી પબ્લીક ટ્રાન્સપોર્ટના ઉપયોગમાં કોઇ વધારો નથી થયો.

લોકો પોતે વાહનોનો ઉપયોગ ઘટાડતાં નથી અને પોતાના ખિસ્સા પર જ બોજ વધારે છે.

સાંસદો તેમના મત વિસ્તારમાં જાય છે કે કોઇ ટીવી ઈન્ટરવ્યૂમાં જાય છે ત્યારે તે પેટ્રોલના ભાવ વધારા અંગેના પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. લોકસભામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગેના પ્રશ્ન પર જવાબ આપતા ઓઇલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ગયા ઓકટોબરમાં એકસાઇઝ ડયુટી પર કપાત માટે નિર્ણય લેવાયો હતો પણ માત્ર ચાર રાજ્યો અને કેન્દ્રત શાસિત વિસ્તારોએ સેલ્સ ટેક્સ અથવા પેટ્રોલ-ડીઝલ પરનો વૅટ કાપ્યો હતો.

સરકાર એમ ઈચ્છતી હતી કે તમામ રાજ્યોમાં ટેક્સ કે વૅટ એકસરખો કપાય પણ એવું થયું નથી.

સરકારની નાટકબાજી લોકોની નજરમાં આવી ગઇ છે. સરકાર જાણી ગઇ છે કે વિરોધ પક્ષોના તલમાં તેલ રહ્યું નથી. જે રાજ્યોમાં પેટ્રોલના ભાવ વધારા સામે તોફાનો થતા હતા તે બધા જ ચૂપ બેઠા છે.

જ્યારથી રાજકારણ સત્તા મેળવવા માટે કેન્દ્રીત થયું છે ત્યારથી પ્રજાની સમસ્યાનું ધ્યાન કોઇ રાખતું નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે છાશવારે આવતી ચૂંટણીઓમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવોનો મુદ્દો ઉછળતો નથી.

પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ ઈલેક્ટ્રીક કારમાં જોવાઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના કારણે ઊભા થતા પ્રદૂષણના પગલે ઈલેક્ટ્રીક કારનું સંશોધન થયું હતું. આજે આ સંશોધન સફળ થઇને ઈલેક્ટ્રીક કાર આવતા વર્ષથી અમલી બનશે.

તાજેતરના ઑટો-શૉમાં ઈલેક્ટ્રીક કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.

જો વૈશ્વિક સ્તરે ઑઈલના ભાવો વધતા રહેશે તો પેટ્રોલના ભાવ રૃા. ૧૦૦ની નજીક પહોંચતા વાર નહીં લાગે. જે રીતે અખાતી દેશોમાં ટેન્શનનો માહોલ છે તે જોતાં એમ કહી શકાય કે ઓઇલનો સપ્લાય ઘટશે એટલે પેટ્રોલ-ડીઝલના ભાવો વધશે.આ વર્ષે આઠ રાજ્યોમાં વિધાનસભાનો જંગ છે અને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીઓ છે. સરકાર એમ માનતી હોય છે કે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો તેમને અસર નહીં કરે તો તે ભૂલ કરે છે. રોજીંદા વપરાશની ચીજોમાં ભાવ વધારો કાબુમાં ના લેવાય તો લોકો નેગેટીવ મતદાન કરે છે. અહીં નેગેટીવ મતદાન એટલે ભાજપ વિરોધી મતદાન એમ સમજવું જોઇએ.

પેટ્રોલના ભાવો ૧૦૦ રૃપિયે લીટરની દિશામાં આગળ વધી રહ્યા છે. સરકાર પાસે આ ભાવ વધારા પર કોઇ નિયંત્રણ નથી. વૈશ્વિક સ્થિતિ ડામાડોળ છે. યુધ્ધના સામાન્ય છમકલાથી પણ ઓઇલના ભાવ આસમાને જઇ શકે છે. પેટ્રોલના ભાવ સરકાર અને પ્રજા બંનેને દઝાડશે તે નક્કી છે.

More Stories:-


Post Your Comment